મુંબઈ: જ્યારે સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' જોયા બાદ ડાયરેક્ટર આદિત્ય ધરને 'બોક્સ ઓફિસના બાપ' જાહેર કર્યા હતા, ત્યારે કદાચ ઘણાને નવાઈ લાગી હશે. પરંતુ આજે આદિત્ય ધરે રજનીકાંતની તે વાતને અક્ષરશઃ સાચી સાબિત કરી દીધી છે. રિલીઝના એક મહિનાની અંદર જ આ ફિલ્મે એવો પરાક્રમ કરી બતાવ્યો છે જે બોલીવુડના મોટા ગજાના સુપરસ્ટારોની ફિલ્મો પણ આજ સુધી કરી શકી નથી. આ ફિલ્મ હવે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહી છે.
1000 કરોડનો નેટ આંકડો પાર કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ
'ધુરંધર 2' એ ભારતીય બોક્સ ઓફિસ પર અશક્ય લાગતો ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. ઇન્ડિયન બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં મળીને નેટ 1000 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. એક સમયે આમિર ખાનની ફિલ્મે ભારતમાં પ્રથમવાર 100 કરોડનો આંકડો સુધી પહોંચ્યો હતો, પરંતુ આજે 'ધુરંધર 2' એ તેનાથી દસ ગણી વધુ કમાણી માત્ર 18 દિવસમાં કરીને ટ્રેડ એનાલિસ્ટ્સને પણ ચોંકાવી દીધા છે.
ભારતીય સિનેમામાં અત્યાર સુધી માત્ર બે જ ફિલ્મોએ ભારતની અંદર 1000 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું હતું, જેમાં અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અને એસ.એસ. રાજામૌલીની 'બાહુબલી 2' નો સમાવેશ થાય છે. આદિત્ય ધરની આ ફિલ્મે હવે આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. 'પુષ્પા 2' એ સૌથી ઝડપી 16 દિવસમાં આ આંકડો પાર કર્યો હતો, જ્યારે 'ધુરંધર 2' એ 18 દિવસમાં આ સીમાચિહ્ન સર કર્યું છે. 'બાહુબલી 2' ને આ રેકોર્ડ બનાવવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો.
વર્લ્ડવાઈડ 1600 કરોડ તરફ કુચ
મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 'ધુરંધર 2' ની નેટ કમાણી 1008.83 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માત્ર 18માં દિવસે જ ફિલ્મે 23 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જો વિશ્વભરની વાત કરીએ તો, 17 દિવસમાં ફિલ્મે 1,564.30 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જે હવે 1600 કરોડના આંકડાને પણ પાર કરી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. રણવીર સિંહની આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે અને જૂના તોડી રહી છે.