Fri Apr 17 2026

Logo

ધૂરંધર 2 ના સૌથી મોટા રહસ્ય પરથી ઉંચકાયો પર્દો: જાણો કોણ છે અન્ડરવર્લ્ડ ડોન 'બડે સાહબ'

4 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'ધૂરંધર 2' એ દર્શકોને રોમાંચની ચરમસીમાએ પહોંચાડી દીધા છે. ફિલ્મના પહેલા ભાગથી જ ચાહકોના મનમાં એક જ સવાલ હતો કે, આખરે આ 'બડે સાહબ' કોણ છે? સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે ફિલ્મના રિલીઝ સાથે જ આ મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાઈ ગયો છે. આદિત્ય ધરની આ સ્પાય થ્રિલરમાં એક નવા અને પાવરફુલ પાત્રની એન્ટ્રીએ ફિલ્મની વાર્તામાં પ્રાણ ફૂંકી દીધા છે.

ફિલ્મમાં 'બડે સાહબ' નું સંબોધન સીધું જ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તરફ ઈશારો કરે છે. જ્યારે ફિલ્મમાં હમઝા (રણવીર સિંહ) પહેલીવાર તેને મળવા જાય છે, ત્યારે તે દ્રશ્ય જોઈને પ્રેક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પાત્રને આબેહૂબ બનાવવા માટે ભારે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીવાલ પર લટકતી દાઉદના યુવાનીના દિવસોની તસવીર અને બેડ પર પડેલા 'બડે સાહબ' ના દ્રશ્યએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને આ પાત્ર ભજવનાર એક્ટરની હવે ચારેકોર ચર્ચા થઈ રહી છે.
 

કોણ છે આ પાત્ર ભજવનાર એક્ટર દાનિશ ઈકબાલ?

પહેલા એવી ચર્ચા હતી કે સલમાન ખાન કે અક્ષય કુમાર જેવા કોઈ એ-લિસ્ટ સ્ટાર આ કેમિયો કરશે, પરંતુ ડિરેક્ટર આદિત્ય ધરે દાનિશ ઈકબાલ પર પસંદગી ઉતારીને બધાને ચોંકાવી દીધા છે. દાનિશ ઈકબાલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) ના સ્નાતક છે અને વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે 'મહારાણી 2', 'ભક્ષક' અને હોલીવુડ ફિલ્મ 'અ માઈટી હાર્ટ' જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીત્યા છે. દાનિશ એક નેશનલ એવોર્ડ વિજેતા કલાકાર છે, જેમણે થિયેટરની દુનિયામાં પણ મોટું નામ કમાવ્યું છે.

દાનિશ ઈકબાલ માટે કહેવાય છે કે તેઓ ભલે નાના રોલ કરે, પણ તે પાત્ર દર્શકોના મગજ પર છાપ છોડી જાય છે. તાજેતરમાં તેઓ નાના પાટેકરની ફિલ્મ 'સંકલ્પ' માં પણ જોવા મળ્યા હતા. 'ધૂરંધર 2' માં તેમનું પાત્ર ભલે ઓછા સમય માટે હોય, પરંતુ વાર્તાના વળાંક માટે તે અત્યંત મહત્વનું છે. એક્ટિંગની સાથે સાથે ડિરેક્શનમાં પણ રસ ધરાવતા દાનિશની આ સફર હવે 'બડે સાહબ' ના રોલ પછી એક નવી ઉંચાઈ પર પહોંચી ગઈ હોય તેમ લાગે છે.