Sun Apr 19 2026

Logo

ધંધુકામાં સામાન્ય બાબતે હિન્દુ યુવકની હત્યા બાદ તોડફોડ અને આગચંપી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

23 hours ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
જિલ્લાના ધંધુકામાં ફરી એક વખત કોમી તંગદીલી સર્જાઈ હતી. ધંધુકામાં સામાન્ય બાબતમાં એક હિંદુ યુવકની હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હત્યાનું કારણ વાહન ઓવરટેક કરવા જેવી બાબત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હત્યાના બનાવ બાદ બંને કોમના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવીને ધંધુકામાં અનેક જગ્યાએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા  ભારેલા અગ્નિ જેવો સ્થિતી સર્જાઈ છે.  

સમગ્ર બનાવના અહેવાલો મળતાની સાથે જ  અમદાવાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટો  કાફલો તાત્કાલિક ધંધુકા રવાના કરવામાં આવ્યો હતો. પોલીસે ધંધુકા સર્કલ વિસ્તારમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

જો કે ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા તેમજ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસની ટૂકડી ઉતારી દેવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે બે ધર્મના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી.