Fri Apr 17 2026

Logo

ચીનના નાસ્ત્રેદમસની ભયાનક ભવિષ્યવાણી: શું ઈરાન સામેના જંગમાં અમેરિકાની હાર થશે?

Bijig   1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા યુદ્ધની આગમાં ભભૂકી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ એક તરફ છે, તો બીજી તરફ ઈરાન તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ ભીષણ જંગમાં ચીન અને રશિયા જેવા દેશો ઈરાનના પક્ષે ઉભા રહેતા સંઘર્ષ લાંબો ખેંચાય તેવી શક્યતા છે. આ વૈશ્વિક અશાંતિ વચ્ચે 'ચીનના નાસ્ત્રેદમસ' તરીકે જાણીતા બનેલા પ્રોફેસર જુએકિન જિયાંગની એક જૂની ભવિષ્યવાણીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તેમના દાવા મુજબ, આ મહાયુદ્ધમાં અમેરિકાની હાર નિશ્ચિત છે.

પ્રોફેસર જિયાંગની ત્રણ ભવિષ્યવાણી 

પ્રખ્યાત યુટ્યુબ ચેનલ 'પ્રોડક્ટિવ હિસ્ટ્રી'ના હોસ્ટ અને યેલ કોલેજના ગ્રેજ્યુએટ પ્રોફેસર જિયાંગે વર્ષ 2024 માં ત્રણ ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી બે અત્યાર સુધીમાં અક્ષરશઃ સાચી પડી છે. પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવશે અને બીજી, તેઓ ઈરાન સાથે યુદ્ધની શરૂઆત કરશે. આ બંને ઘટનાઓ હકીકત બની ચૂકી છે. હવે તેમની ત્રીજી અને સૌથી ભયાનક ભવિષ્યવાણી પર દુનિયાની નજર છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધમાં અમેરિકાને કારમી હારનો સામનો કરવો પડશે.

કેમ અમેરિકા માટે આ જંગ મુશ્કેલ બનશે? 

પ્રોફેસર જિયાંગ માત્ર જ્યોતિષી નથી પણ ઇતિહાસ અને ફિલોસોફીના નિષ્ણાત છે. તેમણે પોતાના વિશ્લેષણમાં જણાવ્યું હતું કે ઈરાનનો પહાડી વિસ્તાર, લાંબી સપ્લાય ચેઈન અને અમેરિકાની અંદર થતો આંતરિક વિરોધ ટ્રમ્પ સરકાર માટે મુસીબત બનશે. તેમના મતે, ભૌગોલિક પરિસ્થિતિ અને ઈરાનની વ્યૂહરચના અમેરિકી સૈન્યને થકવી નાખશે. આ જ કારણ છે કે લોકો તેમને આધુનિક યુગના નાસ્ત્રેદમસ કહી રહ્યા છે, કારણ કે તેમની જીઓપોલિટિકલ સમજ અત્યંત સચોટ સાબિત થઈ રહી છે.

પ્રોફેસર જિયાંગે બે વર્ષ પહેલાં જ ઓનલાઇન લેક્ચર દરમિયાન આ તમામ બાબતો જણાવી દીધી હતી. અત્યારે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીધો સંઘર્ષ ચાલુ છે અને ઈરાન ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે તેમનો આ વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરીને સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ ગણાતું અમેરિકા આ યુદ્ધમાં ઘૂંટણિયે પડશે? જો આ ભવિષ્યવાણી સાચી પડી તો વૈશ્વિક સત્તાનું સંતુલન હંમેશ માટે બદલાઈ જશે.