નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારતમાં ખાનગી એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા વિમાન ભાડામાં અચાનક થતા વધઘટ અને વધારાના ચાર્જને નિયંત્રિત કરવા માટે નિયમનકારી માર્ગદર્શિકાની માંગ કરતી પીઆઇએલમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સક્રિયપણે વિચારણા કરી રહ્યું હોવાનું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ મુદ્દાને ગંભીર ગણાવતા કેન્દ્રને જાહેર હિતની અરજી(પીઆઇએલ)માં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ચર્ચા-વિચારણા પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. ખંડપીઠે કહ્યું કે આ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. નહિંતર અમે ૩૨ અરજીઓ પર વિચાર ન કર્યો હોત.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું કે પીઆઇએલનો જવાબ દાખલ કરવા માટે તેમને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયની જરૂર છે. કારણ કે સંબંધિત મંત્રાલય અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે.
ખંડપીઠે નોંધ્યું કે મંત્રાલયે આ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે અને આ મામલાની આગામી સુનાવણી ૨૩ માર્ચ નક્કી કરવામાં આવી છે. વડી અદાલતે ૧૯ જાન્યુઆરીના રોજ કહ્યું હતું કે તે હવાઇ ભાડામાં અચાનક થતી વધઘટમાં હસ્તક્ષેપ કરશે અને તહેવારો દરમિયાન ભાવમાં થતા ધરખમ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે એરલાઇન્સ દ્વારા વિમાન ભાડામાં અતિશય વધારાને 'શોષણ' ગણાવ્યું હતું. તેમ જ કેન્દ્ર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય(ડીજીસીએ)ને પીઆઇએલનો જવાબ આપવા જણાવ્યું હતું.