Sat Apr 25 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રથમ તબક્કામાં 110 સીટ જીતશે, મુખ્ય પ્રધાન બંગાળી જ હશેઃ અમિત શાહ

1 day ago
Author: MayurKumar Patel
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કામાં વિક્રમજનક 92 ટકા મતદાન થયું હતું. જે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન હતું. પ્રથમ તબક્કામાં 3.60 કરોડ મતદારમાંથી 90 ટકાથી વધારે મતદારે મતદાન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં થયેલા જંગી મતદાન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મતદાનની ટકાવારી લોકોનો લોકતંત્ર પર ભરોસો અને ઉત્સાહ વધ્યો હોવાનું દર્શાવે છે.  શાહે કહ્યું પ્રથમ તબક્કાની 152 સીટમાંથી 110થી વધારે સીટ પક્ષ જીતી રહ્યો છે. પ્રથમ તબક્કામાં મતદાન કરનારા મતદારોનો આભાર માનીને બીજા તબક્કાના મતદારોને મોટી સંખ્યામાં વોટ આપવા અપીલ કરી હતી.

લોકોએ ડર્યા વગર રેકોર્ડ મતદાન કર્યું 

અમિત શાહે તહ્યું, લોકોએ ડર્યા વગર રેકોર્ડ મતદાન કર્યું છે. આ બદલાવના પક્ષમાં જનાદેશ છે.  બંગાળમાં ભયથી ભરોસાના યાત્રા ચાલુ છે અને પરિવર્તન નક્કી છે. તેમણે કહ્યું, વર્તમાન ફીડબેક અનુસાર રાજ્યની જનતાએ પ્રથમ તબક્કામાં જ ભવિષ્ય નક્કી કરી દીધું છે. પ્રચંડ બહુમત સાથે બંગાળમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે અને પ્રથમ તબક્કાની 152 સીટમાંથી 110થી વધારે સીટ પક્ષ જીતી રહ્યો છે.

બંગાળમાં આતંક રાજનો ખાતમો થશે

આ ઉપરાંત તેમણે કહ્યું, લોકોએ રેકોર્ડ મતદાન કરીને બદલાવના પક્ષમાં મત આપ્યો છે. જેનાથી લોકતાંત્રિક પ્રક્રિયામાં ભરોસો મજબૂત થયો છે. બંગાળમાં આતંક રાજનો ખાતમો થશે અને મહિલા સુરક્ષા પર તેમની સરકારની પ્રાથમિકતા રહેશે. મતદાન પણ શાંતિપૂર્ણ રહ્યું, કોઈનું મોત ન થયું અને માત્ર 30 લોકો જ ઘાયલ થયા.
 

બંગાળના આગામી મુખ્યપ્રધાન બંગાળી જ હશે

 અમિત શાહે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, TMC કહી રહી છે કે જો ભાજપ જીતશે તો બંગાળમાં બહારના વ્યક્તિનું શાસન આવશે. પરંતુ હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે બંગાળના આગામી મુખ્યપ્રધાન બંગાળની ભૂમિ પર જન્મેલા જ હશે. તેઓ બંગાળી બોલનારા અને બંગાળી શાળામાં જ ભણેલા હશે. બસ, એટલું જ હશે કે તેઓ TMCના નહીં હોય. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્યના આગામી મુખ્યપ્રધાન ભાજપના જ એક કાર્યકર હશે.

 

મહિલા સુરક્ષા પ્રાથમિકતા

મહિલા સુરક્ષાને સૌથી મોટી પ્રાથમિકતા ગણાવતા અમિત શાહે કહ્યું કે, જો ભાજપની સરકાર બનશે તો મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે મમતા બેનર્જી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કોઈ મુખ્યપ્રધાન એવું કેવી રીતે કહી શકે કે મહિલાઓ સાંજે 7 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળે?

આ ઉપરાંત શાહે કહ્યું, તેમને મુખ્યપ્રધાન બનવાનો કોઈ અધિકાર નથી. ભાજપ સરકાર બનવા પર રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. ભાજપ સરકાર બનવા પર મહિલાઓ રાતમાં પણ સુરક્ષિત અનુભવી શકશે. રાજ્યમાં પરિવર્તનની સુનામી જોવા મળી રહી છે. 

તેમણે પરિવર્તનનો અર્થ સમજાવતા કહ્યું કે, બંગાળને ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, તુષ્ટીકરણ અને ખંડણીખોરીમાંથી મુક્ત કરવામાં આવશે. યુવાનો માટે રોજગારીની તકો વધારવામાં આવશે અને કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ તેમજ વિકાસને વેગ આપવામાં આવશે. શાહે એમ પણ જણાવ્યું હતું કે, 10 હજાર કરોડ રૂપિયાથી વધુના ભ્રષ્ટાચારની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશોની એક સમિતિ બનાવવામાં આવશે અને દોષિતોને સજા અપાવવામાં આવશે.