Tue Apr 21 2026

Logo

બીએમડબલ્યુ કારે રીક્ષાવાળાને હડફેટે લીધા બાદ બસ સ્ટોપને પણ નુકસાન કર્યું

1 day ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરમાં સોમવારે ભરબપોરે હીટ એન્ડ રનનો કિસ્સો બન્યો હતો, જેમાં બીએમડબલ્યુ કારના ચાલકે બેફામ કાર ચલાવી ઓટોરિક્ષાનો કૂરચો બોલાવી દીધો હતો અને ત્યારબાદ એમદાવાદ સિટિ બસ એએમટીએસના બસસ્ટોપ સાથે અઠડાઈ હતી. બસ્ટોપને પણ નુકસાન પહોંચ્યું હતું અને બીએમડબલ્યુ કારને પણ બારે નુકસાન થયું હતું. આ અકસ્માત કરી વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.  

નિકોલના ભક્તિ સર્કલ પાસે બનેલી આ ઘટનાના મળતા અહેવાલો અનુસાર કાર એટલી ઝડપી ચાલતી હતી કે રિક્ષાને ટક્કર મારતા તે ઊંધી પડી ગઈ હતી અને રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સાથે જ બસસ્ટોપનો અમુક ભાગ પડી ભાંગ્યો હતો. 

ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માહિતી મળતાં, ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.  પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ કારચાલક ભાગી ગયો હતો અને હાલમાં ફરાર છે. રિક્ષાચાલકની ફરિયાદ નોંધવા માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે, જ્યારે બીજી ટીમ આરોપી ડ્રાઇવરને શોધવા માટે કામે લગાડવામાં આવી છે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં સામેલ કાર મહારાષ્ટ્રમાં નોંધાયેલી છે.