રાધાએ ખતરો અને ત્રાસવાદી શોધવાનો હતો અને આ કામ માટે એને જરૂર હતી સ્થાનિક ખબરીની...
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
‘રાઘવ... ઓ રાઘવ....અરે યે છોરા કહાં મર ગયા....ગૌઆ કો ચારા દિયા કી નહીં...?’
‘બાબુજી, અહીં છું.....’ રાઘવ ઝડપથી બર્નર મોબાઇલ છૂપાડીને બહાર આવ્યો. ગાયોને ચારો નાખતા બોલ્યો: ‘આજે તો મંદિરમાં પહોંચતા જ બધું દૂધ વેંચાઇ ગયું. લો આ રૂપિયા.’ કમર પરની ખેંસમાંથી રૂપિયા કાઢીને આપ્યા. બાબુજી ભન્નાલાલજીએ રૂપિયા ગણ્યા વિના જ સદરાના ગજવામાં સરકાવ્યા.
‘બાબુજી ગણી લો....રૂપિયા ગણીને આપવાના અને ગણીને લેવાના...’ રાઘવ બોલ્યો.
‘અરે...મેરી આંખે કમજોર હૈ....મગર નજર તેજ હૈ. મૈં આદમી કો પહેચાનને મેં ધોખા ના ખાઉં...’ ભન્નાલાલ બોલ્યા.
માણસને ઓળખી જવાનો માણસનો દાવો ખોટો છે, ભન્નાલાલજી. રાઘવ કહેવા ગયો, પણ શબ્દો ગળી ગયો.
‘તન્ને ગોપાલાએ મોકલ્યો...બાકી ઇસ ઉંમર મેં ગાયો કો સંભાલના બડો મુશ્કિલ કામ....મેરે સે ના હોવે....ચાર બજે ઉઠો....ચારા ડાલો....ગોબર સાફ કરો... દોહો....મંદિર મેં દૂધ બેચને જાઓ. છોરા રણછોડ અકેલે સે ના હો પાવેગા. ગાયોને વેંચી દઉં તો કો પાપમાં પડું.’ મારવાડી ભન્નાલાલજી વચ્ચે વચ્ચે ગુજરાતી પણ બોલી લેતા અને રાઘવ દિવસમાં એકાદ વાર બાબુજીના મનની વાતનું આ રિપિટ ટેલિકાસ્ટ સાંભળતો ને મનમાં હસતો. ‘બાબુજી, આપને અભી હમેં પહેચાના નહીં....પહેચાનોગે તબ આપકા ક્યા હાલ હોગા....’ એ મનમાં બોલીને રણછોડ તરફ ફર્યો.
‘તેરી બાઇક લે જા રહા હું.’ રાઘવે બાઇકને કિક મારતા કહ્યું. રણછોડ કાંઇ જવાબ આપે તે પહેલાં એ હવાહવાઇ થઇ ગયો ને કાચા રસ્તા પર બાઇકની પાછળ ધૂળની ડમરી ઉડી.
‘બાઉજી, કહાં સે પકડ કે લાયે હો ઇન કો....’ વીસેક વર્ષના ભન્નાલાજીના નોકર રણછોડે પૂછ્યું.
‘અરે....ખુદ ગોપાલેને ભેજા હૈ ગૌમાતા કી દેખભાલ કે લિયે. તૂ અકેલા કિતના કર પાતા....’
‘એસે અજાણ લોગ પે ભરોસા અચ્છા નહીં હૈ બાઉજી.’ રણછોડે કહ્યું.
‘મુઝે તો મેરે ગોપાલે પે ભરોસા હૈ.’ બાબુજી દૂરથી દેખાતી મંદિરની ધજા જોતાં બોલ્યા.
*****
રાઘવે બજાર ચોકમાં બાઇક ઊભી રાખી. એણે બે દર્શનની વચ્ચેના સમયમાં મંદિરના પાંડાઓથી લઇને સિક્યોરિટી સ્ટાફ સુધી તમામની સાથે ચપટીક તમાકુના વહેવારે ઘરોબો બાંધી લીધો હતો. ‘જય ગોપાલા’ બોલીને હથેળીમાં તમાકુ મસળવાની. પછી જે સામે મળે એને તમાકુની પ્રસાદી આપવાની. મજાની વાત તો એ હતી કે મંદિર પરિસરમાં લોકો આને કોઇ વ્યસન નહીં, પણ ચપટી વહેવાર કહેતા. દિવસભરના તમામ દર્શન કરતો, વહેલી સવારે લાલાને ચડાવવા માટે ભાવિકોને દૂધ વેંચતો, પુરોહિતની ચા પીતો, હથેળીમાં તમાકુ મસળતો ગૌપાલક રાઘવ એક જાણીતો ચહેરો બની ગયો હતો, પરંતુ એના ઇરાદાની કોઇનેય ભણક નહોતી.
******
દર્શન કરવા જતી વખતે રાધાની નજર મંદિર બહારના સાંકડા માર્ગ પરની પ્રસાદની દુકાનો પર પડી. રસ્તાની બંને બાજુની લગભગ બધી દુકાનો પર મંદિરના પ્રસાદની અધિકૃત દુકાન એવું લખ્યું હતું. એને આશ્ર્ચર્ય થયું. તો શું અહીં અનધિકૃત પ્રસાદ પણ વેંચાતો હશે. એ હસી પડી. વિવિધ પ્રકારના પ્રસાદ પર બણબણતી માખીઓ, મધમાખીઓ અને મંકોડા મંડરાઇ રહ્યા હતા. દુકાનદારો નેપકીનથી ઉડાડવાનો મિથ્યા પ્રયાસ કરતા હતા....કદાચ એમ માનીને કે પ્રસાદ પર એમનો પણ શ્રદ્ધાળુઓ જેટલો હક છે....ભલે આરોગતા.
‘પરસાદ લે લો....મંદિર કા હૈ......ભોગ ધરાને કે બાદ સીધા હમારે પાસ આતા હૈ...હમ અધિકૃત વિક્રેતા હૈ.’ બુઢાકાકાએ રાધાને બોર્ડ તરફ ઇશારો કરતા કહ્યું.
‘યે પ્રસાદ કહાં પર બનતા હૈ....?’ રાધાએ પૂછ્યું.
‘રસોઇઘર મેં....મંદિર કે ઉપર પચાસ-સો આદમી કામ
કરતે હૈ...અલગ અલગ મીઠાઇયોં કે સાથ પૂરા ભોજન
તૈયાર હોતા હૈ....ગોપાલા કો ભોગ ચડતા હૈ...વહી
ભોગ કો પ્રસાદ કહેતે હૈ....કભી પૂરે ભોજન કે પ્રસાદ કા આનંદ ઉઠાના.’
‘રસોઇઘર મેં કેસે જા સકતે હૈ...?’
‘મંદિર કે પીછે ગુલાબ કુંજ દ્વાર સે....વહીં ઉપર રસોઇઘર હૈ...ઉસ દ્વાર સે ભી લોગ દર્શન કે લિયે જાતે હૈ....વહાં
ભી લાઇન લગતી હૈ...આગે વો લાઇન મુખ્ય લાઇન કે સાથ મિલ જાતી હૈ... રસોઇઘર મેં કિસી કો પ્રવેશ નહીં હૈ. ભોગ ચડાને કા સામાન બહાર સે હી લે લેતે હૈ...’ બુઢાકાકાએ મંદિરના ગાઇડની જેમ માહિતી આપી. રાધા કોઇ ઊંડા વિચારમાં
સરી રડી.
‘બહુત ભીડ હૈ......ક્યા આજ કોઇ બડા દિન હૈ....?’ યુવતીએ પૂછ્યું.
‘ગોપાલા કે મંદિર મેં રોજ બડા દિન હોતા હૈ....ભીડ નહીં હો તો હમેં આશ્ર્ચર્ય હોતા હૈ.’
*****
રાધા આસપાસના લોકોની હિલચાલ જોવા ધીમે ધીમે પુરોહિતની ચા પીતી. એને ક્યારેક બધા ભાવિકો શંકાસ્પદ લાગતા તો ક્યારેક તમામ નિર્દોષ લાગતા. કદાચ મંદિરની ઇન્ટરનલ સિક્યોરિટી ભાવિકોના ભરોસે ને સંપૂર્ણ શ્રદ્ધા પર ચાલતી હતી. જોકે, મંદિરમાં મોબાઇલ લઇ જવાની કે ફોટો-વીડિયો ઉતારવાની ચોખ્ખી મનાઇ હતી. છતાં કોઇ ભાવિક ગોપાલાની મૂર્તિની તસવીર ખેંચવા ચોરીછૂપીથી મોબાઇલથી ફોટો પાડતા પકડાય તો સતર્ક સિક્યોરિટીવાળા એને બહાર મૂકી આવતા. આવા એકલદોકલ કિસ્સા સિવાય કોઇ શંકાસ્પદ હિલચાલ રાધાના ધ્યાનમાં આવી નહીં.
રાધા પાસે મંદિર પર કયા પ્રકારનો ખતરો છે એની કોઇ ચોક્કસ માહિતી નહતી.....ટેરરિસ્ટ ઘૂસી આવ્યો છે કે આવવાનો છે એની પણ કોઇ ગુપ્ત બાતમી નહતી...કાવતરામાં સ્થાનિક માણસનો હાથ છે કે નહીં એનો પણ અંદાજ નહતો.
રાધા આઇબી ચીફના મેસેજની રાહ જોતી, પણ એને આઈબી ચીફના આધારે બેસી રહેવું પાલવે એમ નહતું. એણે ખતરો અને ત્રાસવાદી શોધવાના હતા. અને આ કામ માટે એને જરૂર હતી સ્થાનિક ખબરીની...લોકોને પારખી જતી લોકલ કાબેલ નજરની....પુરોહિત ચાવાળો. એને ઝબકારો થયો. કુલ્લડમાં ચા આપતી વખતે એની અછડતી નજર કરી લેવાની રીત એણે પહેલે દિવસે જ જોયેલી. ક્યારેક અછડતી નજર માણસને પારખી લેતી હોય છે. દિવસમાં બેવાર ચા પીવા જતી રાધા....દિવસમાં ચારવાર જવા લાગી. ચા બનાવવામાં વ્યસ્ત રહેતો પુરોહિત શરૂઆતમાં રાધાનો અવાજ સાંભળીને માત્ર ઝલક જોઇ લેતો હવે નજર મિલાવવા લાગ્યો હતો. ઘરોબો બાંધવાના પહેલા પડાવમાં રાધા કામિયાબ રહી.
‘થેન્ક યુ એ દિવસે મને દેવીપ્રસાદજીનું સરનામું આપ્યું.’ રાધાએ વાતનો દોર શરૂ કર્યો.
‘લાગે છે દેવીપ્રસાદજી તમારા માટે ગોપાલાનું કોઇ ખાસ ચિત્રજી બનાવી રહ્યા છે...કદાચ એટલે જ તમે રોકાયા છો.’
‘હા, તેઓ મારા માટે ખાસ ચિત્ર બનાવે છે અને હું એમની પાસે પેન્ટિંગ શીખું છું.’
‘દેવીપ્રસાદ બહુ મોટા કલાકાર છે. મોટા ભાગના લોકો
એમની પાસેથી ચિત્રો ખરીદે. એના ચિત્રજી આખી દુનિયામાં જાય છે.’ ચાવાળા પુરોહિતે દેવીપ્રસાદજીનું ચિત્ર દોરી આપ્યું. જોકે આઇબી ચીફ અભયસિંહ રાઠૌડે રાધાને દેવીપ્રસાદનો આખો પ્રોફાઇલ આપી જ દીધો હતો, પણ આઇબી ચીફ દેવીપ્રસાદજીને કઇ રીતે ઓળખે એ વાતથી રાધા અજાણ હતી. પરંતુ
દેવીપ્રસાદે એક સાંજે પોતાની સામે બેસીને ગોપાલાનું
ચિત્ર દોરી રહેલી રાધાને આઇબી ચીફ સાથેના પરિચયનો કિસ્સો કહ્યો હતો.
******
‘એક દિવસ દર્શન કરવા આવેલું એક દંપતી મારી પાસે ગોપાલાનું ચિત્રજી ખરીદવા આવ્યું. પતિ-પત્ની બેઠાં....ઘણાં ચિત્રજી જોયાં....ખૂબ ગમ્યાં....અંતે પત્નીએ એક ચિત્રજી પસંદ કર્યું. ચિત્રજીની સાઇઝ ઘણી મોટી હતી. એટલે મેં કહ્યું કે સામાન્ય રીતે હું સલામત રીતે કુરીઅરથી મોકલું છું. મને સરનામું આપો. ત્યારે પત્નીએ પતિ સામે જોયું. કદાચ તેઓ સરનામું આપવા વિશે શંકામાં હતાં. રાઠૌડ સાહેબે સરનામું આપતાં પોતાનો પરિચય આપ્યો. મેં રૂપિયા લેવાની ઘણી ના પાડી, પણ એમણે પત્નીના હાથે અપાવ્યા. જતાં જતાં મેં કર્હ્યું: ‘ મારું ક્યારેય કામ પડે તો બેધડક કહેજો. ત્યારે મને ખબર નહોતી કે હું અદનો કલાકાર દેશકાજે કામ આવીશ.’
આઇબી ચીફે જે રીતે બેજલમેડના મંદિરમાં હ્યુમન એસેટ
ઊભી કરી એ જ તરાહ પર રાધા ચાવાળા પુરોહિત નામની
હ્યુમન એસેટ ઊભી કરી રહી હતી. ઇન્ટેલિજન્સ ઓફિસરોને અપાતી આ તાલીમ આઇબીની અસલી તાકાત હોય છે.
*****
‘કેટલા કમાઇ લો છો....?’ બપોરના સમયે ચાની ઘરાકી ન હોય ત્યારે રાધાએ પુરોહિતને પૂછ્યું.
‘દાલબાટી જેટલું કાઢી લઉં છું. સાચું કહું તો ભક્તોની સેવા અને ગોપાલાની ભક્તિ છે.’ પુરોહિતે કહ્યું.
આસપાસ કોઇ નથી એની ખાતરી કરીને રાધા બોલી: ‘તમારો ચાનો ધંધો અને ગોપાલાની ભક્તિ બંને ચાલુ રહે એવું કામ કરશો?’. ચાના તપેલામાં ઘૂમી રહેલો પુરોહિતનો કડછો થંભી ગયો. પુરોહિતની નજર રાધા પર ચીટકી ગઇ. પહેલીવાર કોઇ અજાણી વ્યક્તિ અને એ પણ કોઇ બાઇમાણસે... પચાસેક વર્ષના અજાણ્યા આદમીને કામની ઓફર કરી હતી. સ્વાભાવિક શંકા જવા માટેનું આ સચોટ કારણ હતું.
‘કામ ગેરકાનૂની હોય તો મારી ચા પીવા પણ આવતા નહીં....’ પુરોહિતે રોકડું પરખાવ્યું.
રાધા હસી. ‘તમે અને હું મંદિરના આંગણે ઊભા છીએ એટલે....’
‘કામ બોલો....’ પુરોહિત બોલ્યો.
‘આમ રસ્તા વચ્ચે વાત નહીં થાય....’ રાધાએ કહ્યું.
‘મારા ઘરે પધારો....સાંજે છ પછી. વિઠ્ઠલ મંદિરની ગલીમાં....કોઇને પણ નામ પૂછી લેજો.’
રાધાએ પીઠ ફેરવી ને પાછળથી અચાનક આવેલા રાઘવે હથેળીમાં તમાકુ ચોળીને જમણા હાથની પહેલી બે આંગળીઓ વડે એને થપથપાવી.
‘લો મારાજ પરસાદ....’ રાઘવે પુરોહિતને તમાકુની ચપટી ભરીને આપી....ફાળિયું ઝાટકીને કમરે બાંધ્યું....અને ધીમે ધીમે ઢાળ ઊતરી રહેલી રાધાને જોઇ રહ્યો.
(ક્રમશ:)