પોતાને ભગવાન શિવનો અવતાર ગણાવી બાબાએ મહિલાને તેની પાર્વતી હોવાનું કહ્યું
પાલઘર: નાશિકના સ્વઘોષિત ગૉડમૅન અશોક ખરાતનું પ્રકરણ ચર્ચાને ચકડોળે ચઢ્યા પછી હિંમત ભેગી કરીને પુણેની મહિલાએ પોલીસને આપવીતી જણાવતાં હવે વસઈના ‘ગૉડમૅન’ની ‘લીલા’ ઉજાગર થવાની શક્યતા છે. પોતાને ભગવાન શિવનો અવતાર ગણાવનારા બાબાએ મહિલાને પાર્વતી કહીને તેની સાથે કથિત દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પુણેમાં રહેતી 35 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે 40 વર્ષના આરોપી હૃષીકેશ વૈદ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી વૈદ્યે એક સોશ્યલ મીડિયા પોસ્ટ પર તેની વિરુદ્ધના આરોપોનું ખંડન કર્યું હતું અને તેની વિરુદ્ધ ખોટો કેસ નોંધવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે ફેસબુક પોસ્ટમાં નોંધ્યું હતું કે સત્ય બહાર આવશે જ. સત્યમેવ જયતે.નાશિકના કથિત ગૉડમૅન અશોક ખરાતની મહિલા સાથે દુષ્કર્મના કેસમાં તાજેતરમાં ધરપકડ થઈ હતી. આ પ્રકરણ એટલું ચગ્યું કે રોજેરોજ તેમાં નવી માહિતી સામે આવી રહી છે. આ ઘટનાથી હિંમત ભેગી કરીને મહિલા પોલીસ ફરિયાદ નોંધાવવા સામે આવી હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ 2023માં ફેસબુકના માધ્યમથી મહિલા આરોપીના સંપર્કમાં આવી હતી. તે જ વર્ષના ડિસેમ્બરમાં મહિલાને મળવા આરોપી પુણે ગયો હતો. પોતે મહાદેવ (શંકર ભગવાન)નો અવતાર હોવાનો દાવો કરી આરોપીએ મહિલાને પોતાની પાર્વતી ગણાવી હતી. પછી અધ્યાત્મનું જ્ઞાન આપવાની વાતમાં મહિલાને ભોળવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી પુણેના માંજરી પરિસરમાં આવેલી એક લૉજમાં મહિલાને લઈ ગયો હતો, જ્યાં ઘેનની દવા આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મહિલાની જાણ બહાર આરોપીએ તેની અશ્ર્લીલ તસવીરો પાડી લીધી હતી.
મહિલાએ પોલીસને કહ્યું હતું કે પાલઘર જિલ્લામાં સામાજિક સંસ્થા ચલાવતો આરોપી વાંધાજનક તસવીરોની મદદથી તેને બ્લૅકમેઈલ કરવા લાગ્યો હતો. ગયા વર્ષના મેમાં તેને વસઈની એક હોટેલમાં બોલાવી જાતીય હુમલાનો પ્રયાસ પણ કરાયો હતો.વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર હિરાલાલ જાધવે જણાવ્યું હતું કે નાશિકના અશોક ખરાત પ્રકરણ પછી મહિલાએ ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હતી. કથિત ગુનો પુણેમાં બન્યો હોવાથી માણિકપુર પોલીસે બુધવારે ઝીરો એફઆઈઆર નોંધી વધુ તપાસ માટે કેસ પુણેના હડપસર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.
મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આવી જ મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરી આરોપીએ અન્ય મહિલાઓ સાથે પણ આવું કૃત્ય કર્યું હોવાની શક્યતા છે. પુણે પોલીસે આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.