- શ્ર્વેતા જોષી અંતાણી
નાયરાને હંમેશાંથી લાગતું આવ્યું છે કે એની અંદર કોઈક અલાર્મ સિસ્ટમ વાગી રહી છે , જે કારણ વગર ગમે ત્યારે એને હચમચાવી મૂકે છે. બહારથી એનું જીવન અતિ સામાન્ય દેખાય, પરંતુ અંદર દરેક વાતે ઇમર્જન્સી થઈ આવે. ક્લાસમાં અચાનક એનું નામ બોલવામાં આવે તો એના હૃદયના ધબકારા વધી જાય. કોઈ ફ્રેન્ડ એને જવાબ ના આપે તો નાયરાનું મન તુરંત એ નિષ્કર્ષ પર પહોંચી જાય કે, ‘હું કોઈ માટે ઈમ્પોર્ટન્ટ નથી’. ઘરમાં સામાન્ય એવો તણાવ ઉત્પન્ન થયો નથી કે નાયરાની અંદર સિસ્ટમ હાય એલર્ટ પર મુકાય નથી. એને સમજમાં જ નહોતું આવતું કે આ બધું થવાનું કારણ એની દરેક વાતમાં ‘ઓવર થીંક’ કરવાની આદત છે કે પછી કંઈ બીજું?
એવામાં એક દિવસ એને કમ્પ્યુટર લેબમાં જવાનું થયું. આવનારા સાયન્સ ફેર માટે સિનિયર્સે બનાવેલા બાયો ફીડબેક સ્ટીમ્યુલેટર પ્રોગ્રામ જાણે એની રાહ જોઈને બેઠો હોય એમ કુતૂહલવશ નાયરા એ બટન પર આંગળી રાખતાં જ સેન્સર જોરથી વાગવાં લાગ્યું. સ્ક્રીન પર મગજ આકારનું એક મોડેલ ચીતરાય ગયું, જેના અમુક હિસ્સાઓ લીલા કલરમાં ચમકતા હતાં તો અમુક વારંવાર લાલ રંગમાં લબુકઝબુક થઈ રહેલાં. નાયરાનું ધ્યાન ત્યાં નીચે લખાયેલા વાક્ય પર પડ્યું. ‘કોર્ટિકોલ સ્ટીરોઈડ રિલીઝડ’
નાયરાએ ભ્રમર સંકોચી, ઝીણી નજરે ફરી એ વાક્ય વાચ્યું, પણ કંઈ ખબર પડે તો ને! એ જ સમયે પાછળથી અવાજ આવ્યો,
‘પહેલીવાર જોઈ રહી છો કે?’ એ કમ્પયુટર લેબના ઈન્ચાર્જ અજય સર હતાં. નાયરાએ સ્ક્રીન તરફ ઈશારો કર્યો. આ લાલ ચમકતો ભાગ શું છે? હું સેન્સર પર આંગળી રાખું કે એ કેમ તરત મારા બ્રેનના પિક્ચરમાં આમ હાઈલાઈટ થવા લાગે છે? અને..‘વ્હોટ ઈઝ કોર્ટીકો સ્ટીરોઈડ? ’
‘જ્યારે પણ તું કોઈ સ્ટ્રેસ અનુભવીશ ને ત્યારે તારું મગજ હાઇપોથેલેમસને એક સિગ્નલ મોકલશે. પછી પિચ્યુઠલી ગ્લેન્ડ એ સિગ્નલને આગળ લઈ જતાં આપણા શરીરના એડ્રીનલ કોર્ટેક્સ સુધી પહોંચાડશે. એડ્રીનલ કોર્ટેક્સ જે તારી કિડનીની બિલકુલ ઉપર આવેલું છે એમાંથી એક હોર્મોન રિલીઝ થશે એને કોર્ટીકો સ્ટીરોઈડ અથવા તો કોર્ટિસોલ હોર્મોનના નામથી ઓળખવામાં આવે છે.’ સ્ક્રીન ઉપર એનિમેશન વીડિયો શરૂ કરતાં સરે એને સમજાવ્યું,
‘તારે આ કોર્ટિસોલથી બચવાનું છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે જે તારા શરીરને ‘ફ્લાઇટ ઓર ફાઇટ મોડ’ માટે તૈયાર કરે છે. જેમાં હૃદયના ધબકારા અચાનક વધી જાય, શરીર વધુ ગ્લુકોઝ રિલીઝ કરે કે જેથી કરી તને ઊર્જા મળે અને દિમાગને એલર્ટ મોડ પર નાખી દે, પણ દરેક વખતે આમ હાઈ એલર્ટ અવસ્થામાં રહેવાની આપણને જરૂર હોતી નથી. તરુણાવસ્થામાં તમે લોકો ક્યારેક વધુ પડતાં આ ફાઈટ અને ફ્લાઇટ મોડમાં જતા રહો છો. અને એના લીધે સતત સ્ટ્રેસ અનુભવતા રહો છો....’
નાયરા ધ્યાનથી એમની વાત સાંભળી રહેલી. ‘આ લાલ હિસ્સો જે લગાતાર ચમકી રહ્યો છે ને એ તારા બ્રેનનું ડિસિઝન મેકિંગ સેન્ટર છે એટલે કે તારી નિર્ણય લેવાની ક્ષમતાનું અહીંથી નિયમન થાય છે. જ્યારે શરીરમાં લાંબા સમય સુધી કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ થતો રહે ત્યારે આ ડિસિઝન મેકિંગ સેન્ટરનો અમુક હિસ્સો દબાય જાય છે. માટે તમારા વિચારો પોતાની સ્પષ્ટતા ગુમાવી દે . ટીનએજર્સમાં જોવા મળતી ભૂલોનું એપિસેન્ટર અહીં રહેલું છે.’
‘આનો મતલબ એવો થયો કે મારા દિમાગમાં કોઈ કેમિકલ લોચા છે?’ નાયરાએ ગભરાતા સ્વરે પૂછ્યું.
‘ના તારા દિમાગમાં કોઈ કેમિકલ લોચો નથી. બસ. તારે થોડું શાંત રહેવાની જરૂર છે.’ કહી અજય સરે પોતાની વાત આટોપી લીધી.
એ દિવસ પછી નાયરાએ પોતાના અંદરની સિસ્ટમને કંઈક અલગ રીતે જોવાનું શરૂ કર્યું. જ્યારે પણ એને ડર લાગતો કે હૃદય તેજ ગતિથી ધબકતું એ વિચારવા લાગતી કે એની અંદર કોર્ટિસોલ હોર્મોન વધ્યો હશે. એ થોડીવાર માટે શાંત થઈ જતી. પરિસ્થિતિથી અળગી થતી.
જાતને સમજાવતી કે ઓવરથીંક કરવાને બદલે શાંત રહેતા શીખ. એ પેટર્ન સમજવા લાગેલી કે જયારે પણ પરિસ્થિતિઓ વણસે ત્યારે એનું મગજ એક જ પ્રોસેસમાં કામ કરે છે. બસ, એ પેટર્ન તોડવાની ખાસ જરૂર છે. ધીમે-ધીમે એ વિચારોને કાબૂમાં લાવતાં શીખી. રાત્રે જાગવાથી આ હોર્મોનનું પ્રમાણ શરીરમાં વધે છે એ ખ્યાલ આવતાં વહેલા સૂઈ, વહેલા જાગી જવાની આદત થકી એ મનને ફ્રેશ રાખવામાં સફળ થઈ. ક્યારેક મગજમાં વિચારો તેજ ગતિએ દોડવા લાગે ત્યારે એને કોઈ મનગમતી પ્રવૃતિ તરફ વાળી દેવાથી વિચારો પર કાબૂ મેળવી શકાય છે એ પણ જાત અનુભવે શીખી.
મહિનાઓ પછી સાયન્સ ફેરના ડિસ્પ્લેમાં મુકાયેલા બાયોસેન્સર પર આંગળી મૂકી રહેલી નાયરાએ લોકોના કલબલાટ અને ફ્રેન્ડસની કમેન્ટ્સ વચ્ચે આંખ મીચી દીધી.. એક..બે..ત્રણ..એમ દસ સેક્ધડ્સની ગણતરી કરતી નાયરાની આંખો ફાઈનલ રિઝલ્ટ જોઈ ચમકી ઊઠી. આજે બ્રેનના હાઈલાઈટેડ ભાગ પર લાલ રંગની ડેન્જર સાઈન નહીં, પણ લીલા રંગની શાતા ફરી વળેલી.