Fri Apr 17 2026

Logo

શિગ્મો ઉત્સવ ગોવાની લોક આત્માનો રંગોત્સવ

1 month ago
Author: ધિરક બસાક
Article Image

 

ફોકસ પ્લસ - ધિરક બસાક

 ગોવા પોતાની સુંદરતા અને સમુદ્રને કારણે પર્યટકોની વચ્ચે લોકપ્રિય છે. સાથે જ સમૃદ્ધ લોક સંસ્કૃતિ માટે પણ લોકોમાં પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ સંસ્કૃતિનું જીવંત અને રંગીન પ્રતીક એટલે શિગ્મો ઉત્સવ. આ પર્વ ગોવાના ગ્રામીણ જીવન, લોક પરંપરાઓ, લોકનૃત્ય અને ઐતિહાસિક સ્મૃતિઓનો સંવેદનશીલ અને સામૂહિક ઉત્સવ છે. 

ખરેખર તો શિગ્મો ઉત્સવ ગોવાનો પારંપરિક વસંત ઉત્સવ છે. જે હોળી બાદ શરૂ થાય છે. આ વખતે આ ફેસ્ટિવલ પાંચ માર્ચથી લઈને 18 માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. એમાં ખેડૂતો, મજદૂરો અને ગ્રામીણ સમુદાયની જીવનશૈલી, તેમની આસ્થા અને ઐતિહાસિક વારસાને ભવ્યતાથી વ્યક્ત કરવામાં આવે છે. શિગ્મોનો અર્થ થાય છે શિશિરોત્સવ એટલે કે શીત ઋતુનો અંત અને વસંતનું આગમન. 

આ ઉત્સવ અનેક વર્ષોથી ગોવાના પ્રસિદ્ધ સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. પાકની લણણી બાદ જ્યારે ખેડૂત પોતાની મહેનતનું ફળ પામીને સંતુષ્ટ થાય છે ત્યારે કુદરત અને ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરે છે. એ કડીમાં જ શિગ્મો ઉત્સવ મનાવવામાં આવે છે. 

ઈતિહાસકારો મુજબ આ પર્વ મનાવવાની પરંપરા એક હજાર વર્ષ જૂની છે. આ ઉત્સવ ગોવામાં વસતાં હિન્દુ સમુદાય માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. જોકે આજે એમાં તમામ સમાજના લોકો ઉત્સાહથી ભાગ લે છે. એમાં પણ સૌથી વિશેષતા પારંપરિક લોકનૃત્ય અને સંગીત છે.

 આ નૃત્યમાં ગોવાના ગ્રામીણ જીવન, યુદ્ધ કથાઓ, પૌરાણિક પ્રસંગો અને સામાજિક ઘટનાઓને રજૂ કરવામાં આવે છે. એમાં પણ ઘોડે મોદની નૃત્ય સૌથી પ્રમુખ છે. 

જે ખરેખર તો યોદ્ધાઓનું નૃત્ય છે. આ નૃત્ય ગોવાના વીર ઈતિહાસનું પ્રતીક છે. ત્યારબાદ પ્રમુખ નૃત્ય છે રોમાતામેલ. આ એક સામૂહિક નૃત્ય છે. એમાં કલાકારો ઢોલ-તાશાની ધૂન પર નાચે છે. આ ઉત્સવમાં સૌથી વધારે જોવા મળે છે ફૂગડી અને જાગર. આ નૃત્યો દ્વારા ગોવાનો સાંસ્કૃતિક વારસો જીવંત રાખવામાં આવે છે. 

શિગ્મો ઉત્સવ દરમિયાન અગત્યનાં શહેરો જેવા કે પણજી, મડગાંવ, વાસ્કો, પોંડા અને માપુસામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમાં પૌરાણિક કથાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે. રામાયણ, મહાભારત ગોવાના લોકદેવતાઓની કથા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃકતાનો સંદેશ આપવામાં આવે છે. 

આ પરંપરા આધુનિક, સામાજિક ચેતનાનો અનોખો સંગમ દેખાડે છે. શિગ્મો ઉત્સવ ગ્રામીણ અને શહેરોમાં અલગ-અલગ મનાવવામાં આવે છે. 

ગામડામાં આ વધુ પારંપરિક અને ધાર્મિક હોય છે. તો શહેરોમાં આયોજિત થનાર આ ફેસ્ટિવલ સાંસ્કૃતિક શોભાયાત્રાની સાથે વધુ ભવ્ય હોય છે. 

શિગ્મો ઉત્સવ ગોવાની એક ઓળખ છે. આ ઉત્સવ લોકોને પોતાના ધર્મ સાથે જોડે છે અને પોતાની પરંપરા પર ગર્વ કરવાનો અવસર આપે છે. 

ક શિગ્મો ઉત્સવ દ્વારા પેઢીઓથી ચાલી આવતી લોક પરંપરાઓને સંરક્ષણ મળે છે.

ક વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સહયોગ વધે છે.

ક યુવા પેઢીને પોતાની પરંપરા સાથે જોડે છે. સાથે જ ગોવાની ઐતિહાસિક અને લોકકથાઓનું સંરક્ષણ કરે છે.

- ગોવાના પર્યટન ઉદ્યોગ માટે અગત્યનું છે. આ ઉત્સવ દરમિયાન હજારો લોકો ગોવા જાય છે અને ત્યાંની સંસ્કૃતિ સાથે પરિચય કેળવે છે. 

ક ગોવાની સરકાર આ ફેસ્ટિવલને પ્રોત્સાહન આપે છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે એનો પ્રચાર કરે છે.

શિગ્મો ઉત્સવ એક ઉદાહરણ છે કે એક સમાજ પોતાની પરંપરાઓ, ઈતિહાસ અને લોકજીવનને કેવી રીતે જીવિત રાખી શકે છે. 

આજે જ્યારે આપણે આધુનિકતાની આંધળી દોટ લગાવી છે. એવામાં આ શિગ્મો ઉત્સવ આપણને શીખવે છે કે આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવું ખૂબ અગત્યનું છે. 

શિગ્મો ઉત્સવ ઈતિહાસ, આસ્થા, કળા અને જીવનના આનંદને એક સાથે માણવાનો અવસર આપે છે.