Fri Apr 17 2026

Logo

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર: શૂટરની પસંદગી કરનારો યુપીમાં પકડાયો

3 weeks ago
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુ ખાતેના નિવાસસ્થાને ગોળીબાર કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી વધુ એક આરોપીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીએ દિલ્હીની તિહાર જેલમાં બેઠાં બેઠાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટેના શૂટરની પસંદગી કરી હતી.

ઉત્તર પ્રદેશના આગરા ખાતેના મહાવીર નગરથી પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ મોહન શર્મા ઉર્ફે ગોલુ (23) તરીકે થઈ હતી. ગોલુના સાથી ઉત્તર પ્રદેશથી પકડાયા ત્યારથી ગોલુ સંતાતો ફરતો હતો. જૂહુમાં આવેલા શેટ્ટી ટાવર પર 31 જાન્યુઆરીની મધરાતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. શૂટર દીપક રમેશચંદ્ર શર્મા (24)એ સેમી ઓટોમેટિક પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. ફિલ્મજગત, ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં ખંડણી માટે ધાક જમાવવાને ઇરાદે આ ગોળીબાર કરાયો હતો.

આ કેસમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ કરાઈ હતી. હવે ગોલુ પકડાતાં આરોપીની સંખ્યા 14 પર પહોંચી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ગોલુને મુંબઈ લાવવામાં આવી રહ્યો હોવાથી રવિવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

શેટ્ટી ટાવર પર ગોળીબારના કાવતરામાં આગરા અને પુણે એમ બે મોડ્યુલનો ઉપયોગ કરાયો હતો. ગોળીબાર માટે શસ્ત્ર અને વાહનની વ્યવસ્થાની જવાબદારી પુણે મોડ્યુલને સોંપાઈ હતી, જ્યારે શૂટર સહિત અન્ય આરોપીઓની ગોઠવણ આગરા મોડ્યુલે કરી હતી. કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના વિશ્ર્વાસુ સાગરીત શુભમ લોણકર આ કાવતરાનો માસ્ટરમાઈન્ડ હોવાનું પોલીસનું કહેવું છે.

આ કેસમાં પોલીસે અગાઉ યુપી પોલીસની મદદથી પાંચ આરોપીને ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ગોલુનું નામ સામે આવ્યું હતું. તિહાર જેલમાં બંધ ગોલુએ આગરા મોડ્યુલ સાથે કોઑર્ડિનેશન કર્યું હતું. ગોલુ અગાઉ શુભમ લોણકરનો સાથી હતો.

પોલીસનું કહેવું છે કે બાન્દ્રામાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં શિવમ દુબેનું નામ સામે આવ્યું હતું. ફરાર શિવમ દુબેની પોલીસ શોધ ચલાવી રહી છે. શિવમના કહેવાથી ગોલુએ શૂટરની પસંદગી કરી હતી. આ માટે ગોલુએ વિષ્ણુ કુશવાહાને કહ્યું હતું, જેણે શૂટર દીપક શર્માનો સંપર્ક સાધ્યો હતો. ગોળીબાર માટે દીપક તૈયાર થતાં તેને મુંબઈ મોકલવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ગોલુએ પોલીસને જણાવ્યું હતું કે શિવમ દુબેના કહેવાથી જ તેણે રાજસ્થાનના ગંગાનગરમાં રાજુ કટોરિયા પર ગોળીબાર કર્યો હતો. એ કેસમાં પોલીસે પિસ્તોલ સાથે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર માટે શૂટરની પસંદગીની જવાબદારી તેને સોંપાઈ હતી.