જેલમાંથી શૂટરની પસંદગી કરનારા ગોલુ પંડિતે આર્થિક સગવડ પણ કરી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર માટે દિલ્હીની તિહાર જેલમાં બેઠાં બેઠાં શૂટરની પસંદગી કરનારા આરોપી ગોલુ પંડિતે આર્થિક અને અન્ય સગવડો પણ કરી આપી હોવાનું તપાસમાં જણાયું હતું.
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે આગરાના મહાવીર નગર ખાતેથી પ્રદીપ રાધામોહન શર્મા ઉફે ગોલુ પંડિત (23)ને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીને મુંબઈ લાવી રવિવારે વિશેષ એમસીઓસીએ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પહેલી એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અગાઉ 13 આરોપીની ધરપકડ કરી હતી, જે હાલમાં અદાલતી કસ્ટડીમાં છે. યુપીથી અગાઉ પકડાયેલા પાંચ આરોપીની પૂછપરછમાં ગોલુ પંડિતનું નામ સામે આવ્યું હતું. શેટ્ટી ટાવર પર ગોળીબારના કાવતરામાં આગરા અને પુણે એમ બે મોડ્યુલનો ઉપયોગ કરાયો હતો, જેમાંથી શૂટર સહિત અન્ય આરોપીઓની ગોઠવણ આગરા મોડ્યુલે કરી હતી. આ મોડ્યુલનું સૂત્રસંચાલન ગોલુ પંડિતે કર્યું હોવાનું તપાસમાં જણાયું હતું.
ગોલુ પંડિત અગાઉ શુભમ લોણકરનો સાથી હતો અને શેટ્ટી ટાવર પર ગોળીબારનું કાવતરું શુભમે ઘડ્યું હોવાનું પોલીસનું કહેવું છે. શુભમ લોણકરને ઇશારે જ બાન્દ્રામાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી હત્યા કેસના ફરાર આરોપી શિવમ દુબેના કહેવાથી ગોલુએ જેલમાં બેઠાં બેઠાં શૂટરની પસંદગી કરી હતી. તે સમયે ગોલુ રાજસ્થાનમાં રાજુ કટોરિયા પર ગોળીબારના કેસમાં તિહાર જેલમાં બંધ હતો.
પોલીસ તપાસમાં જણાયું હતું કે શેટ્ટી ટાવર પર ગોળીબારના ગણતરીના દિવસો પહેલાં જ ગોલુ પંડિત જામીન પર છૂટ્યો હતો. રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબારના કાવતરાને અંજામ આપવા માટે શૂટર અને અન્ય માણસોની સગવડ તેણે કરી હતી. એ સિવાય આ ટીમને આર્થિક અને અન્ય મદદો પણ પૂરી પાડી હોવાનું તપાસમાં જણાયું હતું. આ પ્રકરણે પોલીસ ગોલુની વધુ પૂછપરછ કરી રહી છે.