(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાઓને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગત તારીખ 10/04/2026 ના રોજ રાત્રે 02:15 વાગ્યે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનથી ટેલિફોનિક વર્ધી મળી હતી કે, સુરેશભાઈ ભિખુભાઈ બાટાની 18 વર્ષીય પુત્રી પ્રિયંકા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે. આ માહિતી મળતા જ રેલ્વે પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન રાજકોટ રેલ્વે સ્ટેશન પર આવેલા વેઇટિંગ રૂમમાંથી પ્રિયંકા મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના પતિ રામબાબુ કાળકીયા દરિયામાં બોટિંગના કામ અર્થે અવારનવાર બહાર રહેતા હોવાથી તેણીને લાગી આવ્યું હતું. આ કારણે તે બપોરે પોરબંદરથી ટ્રેન પકડીને રાજકોટ આવી પહોંચી હતી. પોલીસે યુવતી પાસે રહેલા મોબાઈલ દ્વારા તેના પિતાનો સંપર્ક કરી તેમને રાજકોટ બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પિતા અને પુત્રીનું મિલન કરાવ્યા બાદ યોગ્ય સમજાવટ કરવામાં આવી હતી. યુવતીએ રાજીખુશીથી તેના પિતા અને પતિ સાથે જવા સંમતિ દર્શાવતા, તેને સોંપવામાં આવી હતી.