Fri Apr 17 2026

Logo

રાજકોટમાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરતી કથિત પત્રકારોની ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ

3 weeks ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
રાજકોટમાં પત્રકારત્વના નામે તોડબાજી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો હતો, જેમાં સાયબર ક્રાઈમ પોલીસે વિવિધ અખબારોના માલિકો, તંત્રીઓ અને રિપોર્ટરો સહિત કુલ ૧૨ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચકચારી બનાવમાં સાધુવાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકના ડો. કમલ નાંઢાએ પોતાના જ વ્યવસાયના એક ડોક્ટર મિત્રને ફસાવવા માટે ક્લિનિકના બલ્બમાં હિડન કેમેરો લગાવી દીધો હતો.

આ કેમેરામાં ફરિયાદી ડોક્ટર અને તેમની સ્ત્રી મિત્રના અંગત પળોના વીડિયો ઉતારી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારબાદ આ વીડિયો ‘સત્યની ગર્જના’, ‘ભારત ટાઈમ્સ’, ‘બી વન ન્યૂઝ’ અને ‘રાજકોટ હેડલાઇન્સ’ સહિતના અખબારો અને વેબ પોર્ટલના સંચાલકોને પહોંચાડી ડોક્ટરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવવા બ્લેકમેઇલ કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. 

મળતી વિગતો અનુસાર, સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ઊંડી તપાસ આદરી હતી અને ડો. કમલ નાંઢા ઉપરાંત હિરેન મકવાણા, અજયસિંહ ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર અને ભરતભાઈ સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, આ ટોળકી પત્રકારના નામે તોડ કરવાનો ધંધો કરતી હતી અને અલગ-અલગ માધ્યમો દ્વારા ફરિયાદીને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ થયો હતો.