Fri Apr 17 2026

Logo

130 વર્ષ જૂના ચિત્રમાં ધબકતું ભારત:  રાજા રવિ વર્માનો 167 કરોડનો ઈતિહાસ

5 days ago
Author: Raj Goswami
Article Image

 

 

 

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી



 

વિક્રમસર્જક ચિત્ર

 

એક ચિત્રની કિંમત કેટલી હોઈ શકે? લાખો? કરોડો? પણ જ્યારે 130 વર્ષ જૂનું એક ચિત્ર લગભગ રૂ. 167. 2 કરોડમાં વેચાઈને નવો રેકોર્ડ સર્જે, ત્યારે આ આંકડો માત્ર બજારમૂલ્ય નથી રહેતો; તે સંસ્કૃતિના મૂલ્યમાં રૂપાંતરિત થઈ જાય છે.

 

  તાજેતરમાં રાજા રવિ વર્માનું એક ઐતિહાસિક ચિત્ર રેકોર્ડ કિંમતે વેચાયું અને ફરી એક વાર આખા દેશની નજર આ મહાન ચિત્રકાર પર જઈ અટકી. ઉદ્યોગપતિ સાઈરસ એસ. પૂનાવાલાએ ‘યશોદા અને કૃષ્ણ’ નામના ચિત્રને રેકોર્ડ કિંમતે ખરીદ્યું છે. તે સાથે આ ચિત્ર અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય કલાકૃતિ બની ગયું છે.

 

સવાલ સ્વાભાવિક છે- આ ચિત્રમાં એવું તે શું ખાસ છે? એક સદીથી પણ જૂના કેનવાસમાં એવી કઈ શક્તિ છે કે આજના ડિજિટલ યુગમાં પણ તે લોકોના મન અને બજાર બંને જીતી લે છે?

 

આ સવાલનો જવાબ શોધવા માટે આપણે માત્ર ચિત્ર સુધી મર્યાદિત નહીં રહી શકીએ; આપણે તે માણસ સુધી પહોંચવું પડશે, જેણે ભારતીય કલ્પનાને રંગ અને આકાર આપ્યો હતો, અને તે છે રાજા રવિ વર્મા. આજની પેઢી માટે આ નામ અજાણ્યું હોઈ શકે અને એટલે જ તે જાણવું અનિવાર્ય છે. રવિ વર્મા માત્ર ચિત્રકાર નહોતા. તે ભારતની દૃશ્ય-સ્મૃતિના સર્જક હતા. દૃશ્ય-સ્મૃતિ એટલે વિઝ્યુઅલ મેમરી. દરેક દેશના ચિત્રકારો તેમનાં ચિત્રો અને રંગોમાં જે તે સમાજના અતીતને સંભાળીને રાખે છે. આપણે ત્યાં એ કામ રાજા રવિ વર્માએ કર્યું હતું.

1848માં કેરળના કિલિમાનૂર રાજવંશમાં જન્મેલા રવિ વર્માએ પાંચ વર્ષની ઉંમરથી દીવાલો પર રંગો સાથે એવી મિત્રતા ગાંઠી હતી કે પછી આખું ભારત તેમના બ્રશની ઓળખ બની ગયું. તેમના સમયમાં ભારત રાજકીય રીતે બ્રિટિશ શાસન હેઠળ હતું, પરંતુ સાંસ્કૃતિક રીતે દેશ પોતાની આઈડેન્ટિટી શોધી રહ્યો હતો. એ જ સમયગાળામાં રવિ વર્માએ ભારતીય પુરાણો, મહાકાવ્યો અને લોકકથાઓને એવા જીવંત સ્વરૂપ આપ્યાં કે લોકો  પહેલી વાર પોતાના આરધ્ય દેવોને માનવીય ભાવનાઓ સાથે જોઈ શક્યાં. આજે મોટાભાગના હિંદુ પરિવારો તેમના દેવી- દેવતાઓને જે ચહેરાથી ઓળખે છે તેનું શ્રેય રાજા રવિ વર્માને જાય છે.

 

કલ્પના કરો કે શકુંતલાની આંખોમાં વિરહ, દમયંતીના ચહેરા પરનું સૌમ્ય દુ:ખ, યશોદાની ગોદમાં રમતો કૃષ્ણ, લક્ષ્મીજીના પગલાંમાંથી વરસતું સમૃદ્ધિનું તેજ આ બધું કેવળ ચિત્ર નથી, પણ ભારતીય સંસ્કૃતિની સંવેદનાઓ છે. રવિ વર્માએ બહુ પ્રભાવશાળી રીતે આ ચારિત્ર્યો દોર્યાં હતાં.

 

રવિ વર્માની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે ભારતીય વિષયોને પશ્ર્ચિમની વાસ્તવિક ચિત્રશૈલી સાથે ગૂંથ્યાં. પ્રકાશ-છાંયો, ચહેરાના ભાવ, વસ્ત્રોની નાજુક સળવળ, આભૂષણોની ઝગમગ- તેમના કેનવાસ પર બધું જીવંત થાય    છે. તેમના પહેલાં દેવ-દેવીઓની છબીઓ મુખ્યત્વે લોકચિત્રો, પિછવાઈઓ કે મંદિરકલા સુધી મર્યાદિત હતી, પરંતુ રવિ વર્માએ તેમને એવી માનવીયતા આપી કે સામાન્ય માણસને દેવોમાં પોતાનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. એટલે જ આજે પણ આપણા ઘરોમાં કેલેન્ડર, પૂજાઘર કે દિવાળી કાર્ડમાં જે લક્ષ્મીજી કે સરસ્વતીજીનું સ્વરૂપ દેખાય છે, તેની મૂળ કલ્પના ઘણીવાર રવિ વર્માની જ હોય છે. આ તેમની કળાની મહાનતા છે. તેમણે માત્ર ચિત્રો બનાવ્યાં નહોતા, તેમણે આખા દેશની કલ્પનાશક્તિને આકાર આપ્યો હતો. જોકે તેમની મહાનતા અહીં અટકતી નથી.

 

રવિ વર્માએ કળાને મહેલો અને રાજદરબારોની દીવાલોથી બહાર કાઢીને સામાન્ય લોકોના ઘરમાં પહોંચાડી. તેમણે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યો હતો અને પોતાના ચિત્રોની ઓલિયોગ્રાફ (19મી સદીની એક પ્રિન્ટિંગ ટેક્નિક છે, જે તેલચિત્ર જેવી દેખાતી પ્રતિકૃતિઓ બનાવવા માટે વપરાય છે) પ્રિન્ટ્સ મોટા પાયે પ્રસિદ્ધ કરી. આ કદાચ ભારતીય ચિત્રકળામાં સૌથી મોટી લોકશાહી ક્રાંતિ હતી.

 

તેના પગલે પહેલી વાર કલા માત્ર રાજાઓ કે અમીરોની વસ્તુ રહી નહી-  તે સામાન્ય મધ્યમવર્ગના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી. ભારતમાં દેવ-દેવીઓના લોકપ્રિય વિઝ્યુઅલ કલ્ચરનો આરંભ કરવામાં તેમનો ફાળો એટલો ઊંડો છે કે આજે સિનેમા, ટીવી સિરિયલ, પોસ્ટર ડિઝાઇન અને ડિજિટલ આર્ટ સુધી તેની અસર સ્પષ્ટ જોવા મળે છે. હવે વાત કરીએ ગુજરાત અને ખાસ કરીને વડોદરા સાથેના તેમના સંબંધની. રાજા રવિ વર્મા અને વડોદરાનો સંબંધ માત્ર ઐતિહાસિક નથી, ભાવનાત્મક અને સાંસ્કૃતિક પણ છે. પૂરા દેશમાં ગાયકવાડ રાજવંશે તેમની પ્રતિભાને બહુ વહેલી તકે ઓળખી લીધી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા ભારતના અગ્રણી સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક હતું. રાજાશ્રય, શિક્ષણ, સંગીત, કલા જેવાં દરેક ક્ષેત્રમાં શહેર આગવું સ્થાન ધરાવતું હતું.



 

આ જ સમયગાળામાં રવિ વર્માને વડોદરા આમંત્રિત કરવામાં આવ્યા અને તેમણે રાજપરિવાર માટે અનેક ભવ્ય પોટ્રેટ્સ તથા પૌરાણિક ચિત્રો રચ્યાં. આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં તેમની કૃતિઓ વડોદરાની કલા-પરંપરાને ગૌરવ આપે છે. એક રીતે કહીએ તો, રવિ વર્માના રંગોએ વડોદરાના ઇતિહાસને પણ   વધુ ભવ્ય બનાવ્યો. આજે ઇન્સ્ટાગ્રામ, સિનેમા, ઓટીટી, અઈં આર્ટ, ડિજિટલ રેખાઓ દરેક વાત ચિત્રો દ્વારા જ કહી રહી છે, પરંતુ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ શું હોય, સંસ્કૃતિને સૌંદર્ય સાથે કેવી રીતે રજૂ કરવી અને પરંપરાને આધુનિકતામાં કેવી રીતે અનુવાદિત કરવી, તે બધું રવિ વર્મા આપણને એક સદી પહેલાં શીખવી ગયા હતા.

 

રવિ વર્માની કૃતિઓ આપણને કહે છે કે આધુનિક બનવું એટલે આપણા મૂળથી દૂર જવું નહીં. પિ*મ;મની ટેક્નિક અપનાવીને પણ ભારતીય આત્માને કેન્દ્રમાં રાખી શકાય છે. આ પાઠ તેમણે પોતાના જીવનથી આપ્યો. આજે જો ફિલ્મોમાં મહાભારત કે રામાયણના પાત્રો કોઈ વિશિષ્ટ સ્વરૂપમાં દેખાય છે, તો તેની પાછળ ક્યાંક રવિ વર્માની કલ્પના કામ કરતી જોવા મળે છે. અને એટલે જ 167 કરોડનો આંકડો માત્ર એક વેચાણના સમાચાર નથી. તે એ સાબિતી છે કે કલા સમયની પાર જીવે છે. ચિત્ર જૂનું થઈ શકે, કેનવાસ પરના રંગ ફિક્કા પડી શકે, પરંતુ ભાવનાઓનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી. રવિ વર્માના ચિત્રોમાં ભારતનો સાંસ્કૃતિક ચહેરો કેદ છે. તેમનું ચિત્ર ભારતની સ્મૃતિ છે, અને તે એક એવા કલાકારની વારસાગાથા છે, જેણે સમયને કેનવાસ પર સ્થિર કરી દીધો છે. 

 

આ રવિ વર્મા કોણ હતા?

 

રાજા રવિ વર્માનો જન્મ 29 એપ્રિલ 1848ના રોજ કેરળના કિલિમાનૂર રાજવંશમાં થયો હતો. તેમના પિતા એઝુમાવિલ નિલકંઠન ભટ્ટાત્રિપદ સંસ્કૃત અને આયુર્વેદના પંડિત હતા, જ્યારે માતા ઉમયામ્બા થમ્પૂરાટ્ટી એક કવયિત્રી હતાં. તેમને એક બહેન અને ભાઈ હતો. 

ભાઈનું નામ પણ રાજા વર્મા હતું. તે અભિજાત વર્ગના હોવાથી તેમના નામમાં ‘રાજા’ શબ્દ લાગતો હતો. તેમણે યુવાન વયે ત્રાવણકોરના મહારાજા ઐલયમ થીરુનાલની નિશ્રામાં ઔપચારિક તાલીમ લીધી હતી. ચિત્રકારીના બુનિયાદી પાઠ મદૂરાઈથી શિખ્યા હતા. એ પછી વોટર કલરની ચિત્રકારી રામાસ્વામી નાયડુ પાસેથી અને તૈલચિત્રોની કલા ડચ છાયાચિત્રકાર થીઓડોર જેન્સોન પાસેથી શિખ્યા હતા. 1866માં, 18 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન ત્રાવણકોર રજવાડાના મવેલિક્કર રાજ ઘરાનામાં ભગીરથી નામની 12 વર્ષની ક્ધયા સાથે થયાં હતાં. તેનાથી તેમને પાંચ સંતાન થયાં હતાં, જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રીનો સમાવેશ થતો હતો. ઓક્ટોબર, 1906ના રોજ કેરળના તિરુવનંતપુરમ નજીક તેમના પૈતૃક ગામ કિલિમાનૂર પેલેસમાં તેમનું અવસાન થયું હતું.