સંવેદનશીલ વ્યક્તિનાં લેખાં-જોખાં સ્ત્રી હોય કે પુરુષ ... સંવેદના જ એનું સાચું સૌંદર્ય
નિખાર - ઝુબૈદા વલિયાણી
કેટલી પણ સંવેદના હોય તો વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરુષ! સંવેદનશીલ કહેવાય?
- લાડકી પૂર્તિની વહાલી વાચક બહેન-દીકરીઓ!
* સંવેદનાનું કોઈ માપ નથી.
* સંવેદનાની તીવ્રતા માપી શકતી નથી.
* માનવીનું બ્લડપ્રેશર માપી શકાય છે.
* સંવેદનાનો સરવાળો કરી આપે એવું કોઈ મશીન હજુ શોધાયું નથી.
* સંવેદના માપવાની કે ગણવાની ચીજ પણ નથી.
* સંવેદના તો અનુભવવાની વસ્તુ છે.
* ‘સિર્ફ અહેસાસ હૈ યે, રૂહ સે મહેસૂસ કરો...!’
* આંખો સુકાઈ જવાનાં કારણો હોઈ શકે.
* આંખો ભીની થવાનાં ઘણી વખત કોઈ કારણો નથી હોતાં.
- કોઈ યાદ - કોઈ સ્મરણ - કોઈ પ્રસંગ - કોઈ ઘટના, કોઈ સંવાદ કે કોઈ સ્પર્શ અચાનક તાજાં થઈ જાય છે.
- આકાશમાં એક વાદળ રચાય છે અને પછી આંખ વરસી પડે છે.
- આંખમાં મેઘધનુષ રચાય એવી યાદો કેટલી હોય છે?
- સંવેદના ક્યારેક એવી છંછેડાઈ જાય છે કે એ ચેન લેવા દેતી નથી. આ લખનારના પતિ આવી સંવેદનાઓનો શિકાર છે!
- સળ પડી ગયેલી પથારી અને ભીનું થઈ ગયેલું આ ઓશીકું સંવેદનાને મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટી કરી દે છે.
- સંવેદના ક્યારેક કોમળ પાંખડીઓના સ્પર્શ જેવી બની જાય છે.
- સંવેદના સજીવન થાય ત્યારે ટેરવામાં શીતળતાનો થનગનાટ થાય છે, તો ક્યારેક આપણી વેદના જ ટેરવે ટેરવે હોળી પ્રગટાવે છે.
- આંખોના બદલાતા રંગ ઘણી વખત સંવેદનાની ચાડી ફૂકે છે.
- સંવેદના સુકાય ત્યારે પીળી અને ફિક્કી પડી જતી આંખો વધારે ગહેરી લાગે છે. ઊંડાણમાં કંઈક ખોવાઈ જાય છે અને એટલે જ ઘણી વખત રડવું આવી જાય છે.
- લાલ આંખોની ઝાંયમાં ઘણી વખત સંવેદના તરફડતી હોય છે અને ઘણી વખત સફેદ ચાદર ઓઢીને આંખો સંવેદનાનો માતમ મનાવતી હોય છે.
- દરેક વ્યક્તિ પોતાની સંવેદનાનો માલિક છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ! એ કેવો માનવી છે એ છતું કરતી હોય છે.
* સંવેદના વ્યક્તિ કેવી છે એને છતું કરતી હોય છે.
- લાડકી પૂર્તિની વહાલી વાચક બહેનો, દીકરીઓ અને પુરુષ વાચક બિરાદરો!
- સંવેદના માનવીના દરેક કામમાં અને તમામ વર્તનમાં પ્રગટે છે.
- માનવીના વિચારો એ બીજું- કંઈ જ નથી પણ પોતાનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે! સંવેદના વરતાઈ આવે છે અને સંવેદના પરખાઈ જાય છે.
- લેખકની સંવેદના અને શબ્દોમાં, એના ટાંકણમાં પ્રગટ થાય છે.
- સંવેદના ક્યારેક ખીલી જાય છે અને ક્યારેક મૂરઝાઈ જાય છે.
* ‘તમારી સંવેદના કેવી છે?’
એક જાણીતા કોલમનિસ્ટ લેખક - પત્રકારને કોઈએ પૂછ્યું.
- તેણે કહ્યું કે, બધા લોકોએ મારી સંવેદનાનો ગેરફાયદો જ ઉઠાવ્યો છે. મારો લાભ જ લીધો છે.
- એ વ્યક્તિએ કહ્યું કે, કેટલી મોટી વાત છે, આટલું થયું છતાં તમે તમારી સંવેદનાને મરવા દીધી નથી.
- સાચું પૂછો તો આપણી સંવેદનાનો ફાયદો કે ગેરફાયદો કોઈ ઉઠાવતું હોતું નથી, પણ આપણે જ આપણી સંવેદનાનો ઉપયોગ કે દુરુપયોગ થવા દેતા હોઈએ છીએ.
- છેવટે સવાલ એજ હોય છે કે આપણે સંવેદનાનો કેવો અને કેટલો ઉપયોગ થવા દઈએ છીએ.
ચિંતન
* સંવેદનશીલ હોવું સારું છે, પણ સંવેદના ત્યાં જ સજીવન થવી જોઈએ જ્યાં તેની અસર હોય.
* ન્યોછાવર થઈ જવામાં ગૌરવ છે, પણ અયોગ્ય વ્યક્તિ પાસે પછી ભલે તે કુટુંબીજન કેમ ના હોય! સમર્પણની ભાવના ઘણી વખત મૂર્ખામીમાં ખપતી હોય છે.
* ઈમોશનલ ફૂલ બનવા કરતાં ઈન્ટેલિજન્ટ ઈડિયટ બનવાનું ઘણી વખત જરૂરી બની જાય છે.
* તમારી સંવેદના સાર્થક કરવા માટે એ જરૂરી છે કે સંવેદના સાથે રમત થવા ન દો.
* તમારી સંવેદના છેતરપિંડી માટે નથી.
- ઘણી વખત
* પ્રેમ, * લાગણી, * સ્નેહ,
* આત્મીયતા અને ઋજુતા પણ સ્વાર્થ અને મતલબનો અંચળો ઓઢીને આપણી સામે આવતી હોય છે એને પારખતા ન આવડે તો સંવેદના જ વેદના બની જાય છે.
- ચંદન માટે ઘસાવવામાં કોઈ વાંધો ન હોય, પણ પથ્થર સાથે પથ્થર ઘસાય તો તણખા જ ઝરે.
- વ્યક્તિની પછી તે સ્ત્રી હોય કે પુરુષ! સંવેદના જ એનું સાચું સૌંદર્ય હોઈ પ્રસ્તુત લેખનો બીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચી સંવેદનશીલ વ્યક્તિનાં લેખાં-જોખાં પર રોશની નાખીશું.
મલકાટ:
- ‘પચીસ વર્ષ સુધી તો હું અને મારી પ્રેમિકા ખૂબ મોજમાં રહ્યાં હતાં.’
* ‘પછી શું થયું...?’
- ‘છવ્વીસ વર્ષની વયે અમારાં લગ્ન થઈ ગયાં...!’