Sun Apr 19 2026

Logo

મુંબઈ ફરી તપ્યું: તાપમાનનો પારો ૩૭.૧ ડિગ્રીએ પહોંચ્યો

3 weeks ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા માટે માર્ચ મહિનો આકરો રહ્યો છે. ચારમાંથી ત્રણ અઠવાડિયામાં મુંબઈમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી હતી, જેમાં તાપમાનમાં તીવ્ર અને સતત વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ફરી ગરમી અને આકરો તકડાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે સાંતાક્રુઝમાં ૩૭.૧ ડિગ્રી જેટલું  ઊંચુ તાપમાન નોંધાયું હતું
.
એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી  વરસાદ અને માવઠાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે મુંબઈમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. માર્ચના ત્રણ અઠવાડિયા દરમ્યાન હીટ વેવની અસર હેઠળ ઊંચા તાપમાન નોંધાયા હતા. એ બાદ ગયા અઠવાડિયાની શરૂઆતમાં તાપમાનમાં હળવો ઘટાડો થયા બાદ ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ફરી મુંબઈગરાએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. મુંબઈમાં ગુરુવારે ૩૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયા બાદ શુક્રવારે પારો હજી ઉપર ગયો હતો.  દિવસ દરમ્યાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૦ ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈમાં આ વખતે અત્યાર સુધી ચાર વખત ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેમાં પહેલી વખત પાંચ માર્ચના હીટવેવની ચેતવણી હતી. મુંબઈ, થાણે અને પાલઘરમાં પાંચ માર્ચ માટે હીટવેવની ચેતવણી હતી અને શહેરનું વર્ષનું સૌથી ઊંચુ મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી  નોંદાયું હતું. સતત બે દિવસ સુધી તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ નોંધાય તો હીટવેવ જાહેર કરવામાં આવે છે. ચાર માર્ચના શહેરમાં દિવસનું તાપમાન ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાંચ માર્ચે તાપમાન સામાન્ય કરતા પ.૯ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
ત્યારબાદ ૯ અને ૧૦ માર્ચે સતત હીટવેવની ચેતવણી આપવામાં આવી હતી. ૯ માર્ચે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી નોંધાયું હતું. જયારે ૧૦ માર્ચના મુંબઈમાં ૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા ૭.૬ ડિગ્રી વધુ હતું. તીવ્ર ગરમીનું મોજું અને ચાલુ વર્ષમાં સીઝનનું સૌથી ઊંચુ તાપમાન હતું. ત્યારબાદ ૧૩ માર્ચે બીજી ચેતવણી આપવામાં આવી હતી. એ જ અઠવાડિયામાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ નોઁધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૮ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. એ બાદ ફરી ૨૩ માર્ચે હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી હતી.
હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ આ વર્ષે માર્ચ મહિનો અસાધારણ રીતે ગરમ રહ્યો છે. જોકે એપ્રિલ અને મે મહિનામાં સમાન ગરમીની તીવ્રતાની શક્યતા ઓછી છે. જેમ-જેમ ચોમાસા પહેલાની પ્રવૃતિ વધે છે તેમ તેમ વારંવાર વાવાઝોડા અને વરસાદની શક્યતા હોય છે, જે સમયાંતરે  ગરમીમાં રાહત આપીને તાપમાનમાં ઘટાડો કરે છે. જોકે વચ્ચે વચ્ચે ટૂંકા ગાળા માટે હીટવેવના ચમકારા જોવા મળશે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ૨૮થી ૩૧ માર્ચ દરમ્યાન વાતાવરણ શુષ્ક રહેવાની અને રાયગડમાં ૩૦-૩૧ના ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદ
એક તરફ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં માર્ચ મહિનામાં સતત ઊંચુ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે બીજી એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી  વરસાદ અને માવઠાનો કેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના હિલ સ્ટેશન ગણાતા મહાબળેશ્ર્વરમાં મુશળધાર વરસાદ પડયો હતો. રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સોલાપુરમાં પણ ભારે વરસાદ પડવાની સાથે જ  પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.  વિદર્ભના મોટાભાગના જિલ્લામાં આકરો ઉનાળાની સાથે જ કમોસમી  વરસાદ પણ પડી રહ્યો છે  મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૩૯ થી ૪૧ ડિગ્રી જેટલો ઊંચો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન નાગપૂરમાં ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું. ગરમી અને કમોસમી  વરસાદ, માવઠાને કારણે રાજ્યમાં ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના અમુક જિલ્લામાં કમમોસમી  વરસાદનો કહેર ચાલુ રહેવાની ચેતવણી આપી છે. રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે કેળા, દ્રાક્ષ, દાડમ અને કાંદાના પાકને મોટો ફટકો પડ્યો છે. કોંકણમાં પણ પડેલા કમોસમી વરસાદને પગલે કેરીની સાથે કાજુના બાગને નુકસાન થયું છે.

હજી પાંચ દિવસ વરસાદની ચેતવણી
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન ઉત્તરાખંડ તરફથી આગળ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ દક્ષિણ તરફ સરકી રહી છે. ઈંડો સાયક્લોનિક સર્ક્યુલેશન પણ તેની પાછળ તૈયાર થઈ રહ્યું છે.  જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી ભારત તરફ સરકી રહ્યું છે. તેની અસર ઉત્તર ભારતને થવાની છે. આ પવનો દક્ષિણ તરફ આગળ સરકી રહ્યા હોઈ તેના પરિણામે આગામી પાંચ દિવસ મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ પડવાનો છે.