(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના રહેવાસીઓની ફરિયાદ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ કોસ્ટલ રોડ પર વાગતી ‘જય હો’ ધૂનને રાતના સમયે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયેલી આ ધૂન બાબતે ફરિયાદ આવ્યા બાદ રસ્તા પર ઉત્પન્ન થતા અવાજની અસરનું મૂલ્યાંકન કરવા માટે પાલિકાએ ડેસિબલ સ્તરનો અભ્યાસ પણ શરૂ કર્યો છે.
વાહનોની સતત થતી અવરજવરને કારણે થતી તકલીફ બાદ સ્થાનિક રહેેવાસીઓની સાથે જ બ્રીચ કેન્ડી સિટીઝન ફોરમે કરેલી ધ્વનિ પ્રદૂષણની ફરિયાદને આધારે પાલિકા પ્રશાસને રાતના સમયે કોસ્ટલ રોડ પરના ‘મેલોડી રોડ’ના પટ્ટામાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પટ્ટાને રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રીચ કેન્ડી સહિતના આજુબાજુના પરિસરના રહેવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદ આવ્યા બાદ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આ નિર્દેશ જારી કર્યો હતો.
મુંબઈ કોસ્ટલ રોડ પર નરીમાન પોઈન્ટથી વરલી તરફ જતી ઉત્તરીય લેન પર એક મ્યુઝિકલ રોડ બનાવવામાં આવ્યો છે. જો કોઈ વાહન આ મેલોડી રોડ પરથી ચોકકસ સ્પીડે દોડે તો તો ફિલ્મ સ્લમડોન મિલિયોનેરનું ‘જય હો’ ગીત સાંભળી શકાય છે. ૫૦૦ મીટર લાંબો આ પટ્ટો ભારતનો પહેલો ‘મ્યુઝિક રોડ’ છે, જેને ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ (પ્રિયદર્શિની પાર્ક અને અમરસન ગાર્ડન વચ્ચે) વરલી તરફ જતી અંડર ગ્રાઉન્ડ ટનલમાંથી બહાર નીકળ્યા બાદ ડિવાઈડરને અડીને આવેલી પહેલી લેનથી ૫૦૦ મીટર આગળ મ્યુઝિકલ પટ્ટીઓ લગાવવામાં આવી છે. આ પટ્ટી પર ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવામાં આવ તો આ ધૂન સંભાળ છેે. રસ્તાની સપાટી પર ચોક્કસ અંતરે અને ચોકક્સ આકારમાં મ્યુઝિકલ પટ્ટીઓ લગાવવામાં આવી છે. આ પટ્ટીઓ પરથી પસાર થયા પછી ગીતની ધૂન ટાયરના ઘર્ષણથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો પર સેટ થાય છે.
જોકે આ પટ્ટા પર વાહન પસાર થવાની સાથે જ ‘જય હો’ની ધૂન વાગવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ૨૪ કલાક આવતા અવાજથી ત્રાસી ગયા હતા અને આ ધૂનથી ડ્રાઈવરો વિચલિત થઈ શકે છે અને આ પટ્ટામાં સ્પીડ પર આવી રહેલા વાહનો અચાનક ધીમા થઈને તેનાથી એક્સિડન્ટનું જોખમ હોવા બાબતે રહેવાસીઓએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમ સ્થાનિકોની ફરિયાદ પાલિકાએ રસ્તા પર ઉત્પન્ન થતા અવાજની અસરનું મૂલ્યાંકન કરવા માટે ડેસિબલ સ્તરનો અભ્યાસ શરૂ કર્યો છે. અભ્યાસ ચાલુ હોવા છતાં પાલિકા પ્રશાસને આ પટ્ટો રાતે બંધ કરીને ફક્ત દિવસના જ ચાલુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પ્રોજેક્ટ ૬.૨૧ કરોડના ખર્ચે બન્યો છે, જે ભારતમાં મ્યુઝિકલ રોડ ટેક્નોલોજી સાથેનો પહેલો પ્રયોગ છે.