(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આજની તારીખમાં હજારો ઈમારતો ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) વગરની છે. ઓસી વગરની બિલ્ડિંગ ટૅક્નિકલી અનધિકૃત ગણવામાં આવે છે. જોકે હવે આવી ઈમારતોમાં રહેતા લોકોને રાહત મળે એવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાએ આવી બિલ્ડિંગને ઓસી આપવા માટે અભય યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ૧૭ નવેમ્બર, ૨૦૧૬ની અગાઉથી ઓસી નહીં ધરાવતી બિલ્ડિંગ પાલિકા પાસેથી ઓસી મેળવી શકશે.
મુંબઈ શહેર અને ઉપનગરમાં અનેક બિલ્ડિંગને પાલિકા પાસેથી ઓક્યુપેશન સર્ટિફિકેટ મળ્યુંં નથી. મંજૂર થયેલા બિલ્ડિંગના પ્લાન મુજબ કામ નહીં કરવા અથવા વધારાનું કામ કરવાનેે કારણે અથવા પ્લાનમાં બારોબાર ફેરફાર કરીને બાંધકામ કરવાને પગલે પાલિકા તરફથી બાંધકામ પૂર્ણ થયા બાદ ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. મંજૂર થયેલા પ્લાન મુજબ બાંધકામ નહીં કરવાને કારણે ઓસી નહીં ધરાવતી બિલ્ડિંગને માનવતાને ધોરણે પાણી પુરવઠો કરવામાં આવે છે, છતાં પાણીના નિયમિત દર કરતા બમણા અથવા તેનાથી વધુ દર વસૂલવામાં આવે છે.
મુંબઈમાં ઓસી નહીં ધરાવતી બિલ્ડિંગની સમસ્યા વર્ષો જૂની હોઈ બિલ્ડર બિલ્ડિંગ બાંધીને નીકળી જાય છે પણ તેની સજા બિલ્ડિંગના રહેવાસીઓને ભોગવી પડે છે. તેથી નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ અને ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી ઓસી નહીં ધરાવતી બિલ્ડિંગને ઓસી આપવા માટે અભય યોજના અમલમાં મૂકવાનો વિચાર છે.
રાજ્યના નગરવિકાસ ખાતા પાસેથી મળેલા નિર્દેશ મુજબ આ અભય યોજના અંતર્ગત ઓક્યુપેશન સર્ટિફિકેટ માટે અપ્લાય કરવા માટે અગાઉની તારીખ ૨૫ માર્ચ, ૧૯૯૯ ને હવે વધારીને છ જાન્યુઆરી, ૨૦૧૨ સુધી એટલે કે ફંજિબલ લાગુ થવા પહેલાના આ પ્રકરણમાં મુદત વધારવાની સહમતી દર્શાવી છે. તેમ જ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલાથી રહેતા હોય તેવા તથા બાંધકામને મંજૂરી આપેલી બિલ્ડિંગને સુધારિત મુદત વિચારમાં લેવી એવી સૂચના આપવામાં આવી છે. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ આ અભય યોજના માટે ગાઈડલાઈન બનાવી છે.
આ ગાઈડલાઈન મુજબ રહેણાંક બિલ્ડિંગ, હૉસ્પિટલ અને સ્કૂલની બિલ્ડિંગ ઓક્યુપેશન સર્ટિફિકેટ લેવા માટે અભય યોજનામાં ભાગ લઈ શકે છે. જે બિલ્ડિંગ અથવા બિલ્ડિંગનો ભાગ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલાથી વાપરવામાં આવી રહ્યો છે અને જે ફ્લેટ ૮૦ ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયા છે એવી બિલ્ડિંગને લાભ મળવાનો છે. આ અભય યોજના અંતર્ગત કાનૂની માન્યતા મેળવવા માટેની ફી, બાલ્કનીને બંધ કરવાની, ઘરના ઓટલાને બંધ કરીને અંદર લઈ લેવો અને ઘરમાં માળિયું બનાવવાનો દંડ,અરજી ફી વગેરે ફી પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આ અભય યોજના અંતર્ગત આપવામાં આવશે. આ પ્રસ્તાવને પહેલા છ મહિનાની અંદર સબમીટ કરવામાં આવે તો કોઈ દંડ વસૂલ કરવામાં આવશે નહીં પણ જો તેપછી આવશે તો દંડની રકમ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તે પછી આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ આ યોજના કોઈ પણ ગેરકાયદે બાંધકામને લાગુ પડશે નહીં અને ગેરકાયદે બાંદકામને ગેરકાયદે બાંધકામમાં રૂપાંતરિત કરવા માટે પણ આ યોજનાનો ઉપયોગ કરી શકાશે નહીં. આ અગાઉ ઑગસ્ટ ૨૦૨૪માં પણ ૧૯૯૯ પહેલાની ઓસી વગરની બિલ્ડિંગને ઓસી આપવા માટે અભય યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ બાબતની ગાઈડલાઈન પાલિકાની સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રાખવામાં આવવાની છે અને ત્યાં મંજૂરી મળ્યા બાદ સર્ક્યુલર બહાર પાડવાની તારીખથી તે અમલમાં મૂકવામાં આવશે.