મુંબઈ: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિટકરે સોમવારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેશલેસ આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓ પાસેથી નાણાં વસૂલતી હોસ્પિટલો સામે એફઆઈઆર સહિત ‘કડક કાર્યવાહી’ કરવાની ચેતવણી આપી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દર્દીઓએ સારવાર માટે ‘એક પણ રૂપિયો’ ચૂકવવો ન જોઈએ.આરોગ્ય પ્રધાને રાજ્ય વિધાનસભાને એવી માહિતી આપી હતી કે સરકારે આરોગ્ય યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા દર્દીઓ પાસેથી નાણાં વસૂલતી હોસ્પિટલો અંગેની લગભગ 368 ફરિયાદોની તપાસ કરી છે અને 60 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓ હેઠળ સારવાર આવરી લેવામાં આવી હોવા છતાં હોસ્પિટલો દર્દીઓ પાસેથી વધારાના પૈસા માગતી હોવાની ઘણી ફરિયાદો મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું.‘આ યોજનાઓ હેઠળ, સારવાર સંપૂર્ણપણે મફત અને કેશલેસ હોવી જોઈએ. જો કોઈ હોસ્પિટલ દર્દીઓ પાસેથી પૈસા વસૂલશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે,’ એવી ચેતવણી તેમણે આપી હતી અને નોંધ્યું હતું કે જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારી 12 હોસ્પિટલોને પહેલાથી જ યોજનાઓમાંથી દૂર કરવામાં આવી છે.
અબિટકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાને કેન્દ્રના આયુષ્માન ભારત કાર્યક્રમ સાથે જોડવાથી સારવારનો વ્યાપ વધ્યો છે.અગાઉ, લગભગ 1,356 બીમારીઓને આવરી લેવામાં આવતી હતી, પરંતુ હવે સારવાર માટે ઊંચા પેકેજ દરો સાથે આ સંખ્યા વધારીને 2,300 કરવામાં આવી છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, આ કેશલેસ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ નાગરિકો પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર પારદર્શિતા સુધારવા અને અનિયમિતતાઓને રોકવા માટે પેનલમાં સામેલ હોસ્પિટલો દ્વારા ફરિયાદો ટ્રેક કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત દેખરેખનો ઉપયોગ કરી રહી છે.તેમણે ગૃહને માહિતી આપી હતી કે દર ત્રણ મહિને યોજનાઓના અમલ અને કામગીરી પર દેખરેખ રાખવા માટે પાલક પ્રધાનોની આગેવાની હેઠળ અને વિધાનસભ્યો અને અધિકારીઓનો સમાવેશ કરતી જિલ્લા-સ્તરીય સમિતિઓની રચના કરવામાં આવી છે.
અબિટકરે વિધાનસભ્યોને તેમના મતવિસ્તારમાં હોસ્પિટલોનું સક્રિયપણે નિરીક્ષણ કરવા અને કોઈપણ ઉલ્લંઘનની જાણ કરવા વિનંતી પણ કરી હતી.‘જો એક પણ ફરિયાદ અમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે સરકાર વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) પણ નોંધી શકે છે.
તેમણે એવો પુનરોચ્ચાર કર્યો હતો કે આરોગ્ય યોજનાઓનો ઉદ્દેશ ગરીબ અને સામાન્ય નાગરિકો માટે ગુણવત્તાયુક્ત સારવારની સુલભતા સુનિશ્ર્ચિત કરવાનો છે, અને સરકાર લાભાર્થીઓનું શોષણ સહન કરશે નહીં.