Sun Apr 19 2026

Logo

મહારાષ્ટ્રમાં દિવ્યાંગતાના ખોટા પ્રમાણપત્ર રજૂ કરવા મુદ્દે સરકારની મોટી કાર્યવાહી, 316 અધિકારી/કર્મચારી સસ્પેન્ડ...

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બોગસ અપંગતા પ્રમાણપત્રો રજૂ કરીને સરકારી નોકરીઓમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. રાજ્યની 28 જિલ્લા પરિષદોમાં ચકાસણી બાદ, પ્રમાણપત્ર વિના, નકલી અપંગતા પ્રમાણપત્રો ધરાવતા અને 40 ટકાથી ઓછી અપંગતા ધરાવતા 316 અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપના ધારાસભ્ય શ્રીકાંત ભારતીયએ પૂછેલા લેખિત પ્રશ્નના પ્રધાન અતુલ સેવે દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 28 જિલ્લા પરિષદોના વચગાળાના અહેવાલોમાં 10,922 અપંગ અધિકારીઓ નોંધાયેલા છે.

અત્યાર સુધી 6218 કર્મચારીની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જેમાંથી 316 અધિકારીઓને પ્રમાણપત્ર ન હોવા, ખોટા અપંગતા પ્રમાણપત્રો હોવા અને 40 ટકાથી ઓછા અપંગતા ધરાવતા હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ લગભગ 5,000 અધિકારીઓની ચકાસણી બાકી છે, તેથી બોગસ પ્રમાણપત્રો રજૂ કરનારા બોગસ અપંગ અધિકારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર છે.

સચિવ તુકારામ મુંડેએ રાજ્યની તમામ 34 જિલ્લા પરિષદને લેખિત આદેશો જારી કરીને અપંગતા પ્રમાણપત્રોની વ્યાપક ચકાસણી કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં અપંગતા યોજનાઓના લાભો મેળવવામાં છેતરપિંડી કરનારાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને 18 સપ્ટેમ્બર, 2025ના તમામ મુખ્ય કાર્યકારી અધિકારીઓને આદેશો મોકલવામાં આવ્યા હતા. 

આદેશ મળતાની સાથે જ જિલ્લા પરિષદ સ્તરે શરુ કરાયેલી ચકાસણીમાં શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ વિભાગ સહિત તમામ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓનો સમાવેશ છે.

અપંગતા પ્રમાણપત્રોના આધારે વિવિધ સરકારી છૂટછાટો મળતી હોવાથી, આ પ્રક્રિયાથી બોગસ પ્રમાણપત્રો મેળવવા માંગતા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. પ્રમાણપત્ર આપનાર સંબંધિત અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે.

વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016ની કલમ 91 મુજબ, જો ખોટા અપંગતા પ્રમાણપત્ર મળી આવે, તો સંબંધિત વ્યક્તિને 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.