Sun Apr 19 2026

Logo

ભારતનો દુશ્મન બિલાલ આરિફ સલાફી ખતમ, ‘ધૂરંધર’ સ્ટાઇલમાં થઈ હત્યા

Islamabad   4 weeks ago
Author: Tejas Rajpara
Article Image

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આતંકી સંગઠનો માટે સૌથી સુરક્ષિત ગણાતા મુરીદકેના ‘મરકઝ તૈયબા’માં ઈદની ઉજવણી વચ્ચે સનસનાટી મચી ગઈ છે. લશ્કર-એ-તૈયબાના ખુંખાર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ઈદની નમાજ દરમિયાન અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે. જે સ્થળને લશ્કરનો અભેદ્ય કિલ્લો માનવામાં આવતો હતો, ત્યાં ઘૂસીને કોઈએ ફિલ્મી સ્ટાઈલમાં આતંકી કમાન્ડરને મોતને ઘાટ ઉતારતા પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ અને આતંકી સંગઠનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં આતંકીઓના આંતરિક વિખવાદ અને સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ હુમલો અત્યંત સુનિયોજિત હતો. જ્યારે મરકઝ તૈયબામાં ઈદની નમાડ પઢવામાં આવી રહી  હતી, ત્યારે અચાનક હુમલાખોરો ત્રાટક્યા હતા. તેમણે પહેલા બિલાલ આરિફ સલાફી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ત્યારબાદ તે જીવતો ન બચે તેની ખાતરી કરવા માટે તેના શરીર પર ચાકુથી અનેક વાર કર્યા હતા. હુમલાખોરો એટલી આસાનીથી આ હાઈ સિક્યોરિટી ઝોનમાં પ્રવેશ્યા અને હત્યા કરીને ફરાર થઈ ગયા, તે બાબત અનેક સવાલો ઉભા કરે છે. આ હત્યાની પદ્ધતિ જોઈને નિષ્ણાતો માની રહ્યા છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી પણ એક ટાર્ગેટેડ કિલિંગ છે.

કોણ હતો બિલાલ આરિફ સલાફી? 
બિલાલ આરિફ સલાફી માત્ર એક કમાન્ડર નહોતો, પરંતુ લશ્કર-એ-તૈયબાની કરોડરજ્જુ સમાન હતો. તે સંગઠનમાં નવા યુવાનોની ભરતી કરવા અને તેમને આતંકી તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. યુવાનોમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાની જવાબદારી પણ તેની પાસે હતી. મરકઝ તૈયબામાં તેની સતત હાજરી સંગઠન પર તેની મજબૂત પકડ દર્શાવતી હતી. તેના જવાથી લશ્કરના આખા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે, કારણ કે તે સંગઠનની ટ્રેનિંગ અને ઓપરેશનલ પાંખની મહત્વની કડી હતો.

આંતરીક દુશ્મની કે બાહ્ય હુમલો?
જો કો, હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, જેના કારણે રહસ્ય ઘેરાયું છે. સુરક્ષા નિષ્ણાતો ત્રણ શક્યતાઓ જોઈ રહ્યા છે: પહેલી, સંગઠનની અંદર સત્તા અને વર્ચસ્વ મેળવવા માટે ચાલી રહેલી આંતરિક ગેંગવોર. બીજી, કોઈ હરીફ આતંકી જૂથ સાથેની દુશ્મની. અને ત્રીજી શક્યતા એ છે કે આ કોઈ મોટા ગજાનું ગુપ્ત ઓપરેશન હોઈ શકે છે જેનો હેતુ આતંકી નેટવર્કને તોડી પાડવાનો હોય. ગમે તે હોય, પણ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં હવે આતંકીઓ પોતાના ગઢમાં પણ સુરક્ષિત નથી. આ ઘટનાની અસર આગામી દિવસોમાં આતંકી ગતિવિધિઓ પર પણ જોવા મળી શકે છે.