Fri Apr 17 2026

Logo

જંગલ સફારી છે રોમાંચક, પણ... આવા વન્યસૃષ્ટિના પ્રવાસ દરમિયાન ઉત્સુકતા અને ઉત્તેજનામાં થઈ જતી કેટલી ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે

3 weeks ago
Author: Nidhi Bhatt
Article Image

 

પ્રકૃતિ -નિધિ ભટ્ટ

કોઈ પણ જંગલ સફારી એક રોમાંચક પરિમાણ ઉમેરે છે. તે આપણને પ્રકૃતિને નજીકથી અનુભવવાની પણ તક  આપે છે. જોકે, આવા પર્યટન દરમિયાન ઘણી સાવચેતીઓ રાખવી જરૂરી છે. જો તમે જંગલ સફારી ધરાવતા સ્થળની સફરનું આયોજન કરી રહ્યા છો તો ચોક્કસ સામાન્ય ભૂલો ટાળવાનું ભૂલશો નહીં.

સાહસિક ઉત્સાહીઓ માટે જંગલ સફારી એક ઉત્તમ અને ઉત્તેજક વિચાર છે. જ્યારે જંગલી પ્રાણીઓ નજીકથી પસાર થાય છે ત્યારે હૃદય રોમાંચિત થઈ જાય. પ્રાણી અને પક્ષીઓને સમીપથી જોવા- સાંભળવાનો લોભ એવો પ્રબળ હોય છે કે વધુ પડતો ઉત્સાહ જોખમી બની શકે છે. આવી ઉત્તેજનાથી એ ફક્ત વન્યજીવન જ નહીં, પરંતુ પોતાની જિંદગી માટે પણ જોખમ ઊભું કરી શકે છે... જંગલ સફારીમાં પર્યટક કુદરતી સૌંદર્યને તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા માગે છે. જોકે વન્યજીવનની એક ઝલક જોવા માટે ગાઢ જંગલોમાંથી પસાર થવું પડે અને એ દરમિયાન વિભિન્ન ભૂલો થઈ શકે, જેમકે... 

ફોટોગ્રાફી કરતી વખતે થતી ભૂલ...

લોકો ઘણીવાર જંગલ સફારી દરમિયાન વન્યજીવનના ફોટા અને વીડિયો કેપ્ચર કરવા માગે છે. પરિણામે વ્યક્તિ વારંવાર પોતાનાં વાહનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે અથવા વાહનમાંથી ખૂબ આગળ ઝૂકીને જોવાની ભૂલ કરે એ ટાળવી જોઈએ. વધુમાં, તમારા કેમેરા પરનો ફ્લેશ ખૂબ તેજસ્વી કે તીવ્ર ન હોવો જોઈએ, કારણ કે આ વન્યજીવનને ચોંકાવી શકે છે પછી એની પ્રતિક્રિયા પર્યટક માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મોટેથી બોલવું...

જંગલ સફારી દરમિયાન ઉત્સાહ અને ઉત્તેજનામાં પર્યટક ઘણીવાર મોટેથી બોલે કે બૂમો પાડવા લાગે છે અને એમના આવા વર્તનથી પ્રાણીઓ ડરી શકે છે, જેના કારણે પોતાના બચાવ ખાતર પણ એ સામે આક્રમણ કરી શકે,જે તમારા કે સાથી પર્યટકોના જીવ માટે ખતરો બની શકે છે.

તીવ્ર સુગંધિત પરફ્યુમનો ઉપયોગ

જંગલ સફારી વખતે તીવ્ર સુગંધવાળી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે જો પરફ્યુમ તીવ્ર હોય તો એની ગંધ-સુગંધ વન્ય જીવને અકળાવી મૂકે છે. પરિણામે એ તમને નુકસાન પહોંચાડી શકે છે.

પ્રાણીઓને ખોરાક આપવો

જંગલ સફારી દરમિયાન પ્રાણીઓને ખોરાક આપવો એ એક ભૂલ છે જે તમારે સંપૂર્ણપણે ટાળવી જોઈએ. સૌ પ્રથમ, આપણો માનવ ખોરાક પ્રાણીઓ માટે યોગ્ય નથી અને તે તેમના માટે હાનિકારક બની  શકે છે. બીજું, આમ કરવાથી પ્રાણીઓ તમારી ખૂબ નજીક આવી શકે, જે તમારી સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.

આ વધારાની સાવચેતીઓ પણ ધ્યાનમાં રાખજો...

વન્ય સફારી વખતે તમારા હાથ અને પગ સારી રીતે ઢંકાયેલા રહે તેવા ડ્રેસ પહેરો. માથા પર ટોપી કે ફેલ્ટ કેપ  પહેરવી જોઈએ.

વધુ પડતા તેજસ્વી અથવા વાઇબ્રન્ટ રંગોના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે  ચળકતો વાદળી અથવા લાલ કલર પણ વન્યજીવને અકળાવી શકે છે...

તમારા ગાઈડ- માર્ગદર્શક તમને સંવેદનશીલ વિસ્તારમાં શાંત રહેવાની સૂચના આપે ત્યારે તેમની સૂચનાઓને ધ્યાનથી સાંભળો અને તેનું કડક પાલન કરો...

તમારા મોબાઇલ ફોનને સાઇલન્ટ મોડ પર રાખો, કારણ કે પ્રાણીઓ અચાનક અવાજ અને હલનચલન પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે.