ટીના દોશી
શ્યામલાલ જન્માષ્ટમીએ જન્મેલા એ ખં, શ્યામલાલના નામનો અર્થ કૃષ્ણ થાય એ પણ ખં, પણ જો કોઈ એમ કહે કે એમનામાં નામ જેવા ગુણ હતા તો એ સાવ ખોટું. જોકે એ પરમ કૃષ્ણભક્ત હતા એ સાચું. શ્યામલાલે પોતાના મેજ પર શ્રીકૃષ્ણની મનોહર મૂર્તિઓ સજાવેલી. એમાં ત્રણ વિશાળ કદની મૂર્તિઓ અત્યંત ધ્યાનાકર્ષક જણાતી. એક મૂર્તિમાં કૃષ્ણની સાથે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ રાધા. વચ્ચેની બીજી મૂર્તિમાં વાંસળી વગાડતા શ્રીકૃષ્ણ. ત્રીજી મૂર્તિમાં બાળ સ્વરૂપમાં કૃષ્ણ ગરવામાંથી માખણ ખાઈ રહેલા. નિરંતર કૃષ્ણભક્તિ કરતા શ્યામલાલ.
શ્યામલાલ મૂળે તો વેપારી હતા. પરણેલા નહોતા. એકલા જ હતા ને એકલપેટા પણ. સિમેન્ટ, કાગળ ને કાપડથી માંડીને અનેક કારોબાર હતા એમના. શ્યામલાલને કોઈ વાતની ખોટ નહોતી. પણ જો કોઈ એક બાબતની ઊણપ હતી તો એ હતી પ્રતિષ્ઠા. આબરૂને નામે મોટું મીંડું હતું શ્યામલાલની ઝોળીમાં. એમને જાણનારાઓ એમની પીઠ પાછળ શ્યામલાલને કંસનો અવતાર જ કહેતા.
વેપારજગતમાં શ્યામલાલનું નામ બદનામ હતું. કારણ ધંધા પ્રત્યે એ વફાદાર નહોતા. ગ્રાહકોને એક માલ દેખાડતા ને બીજો માલ પધરાવતા. સિમેન્ટમાં ભેળસેળ કરવામાં એમને જરાય સંકોચ થતો નહોતો. મુલાયમ રેશમી કાપડ દેખાડીને માદરપાટ પધરાવવામાં એમની હથોટી હતી. માલ વેચવામાં ઘાલમેલ કરવી એ એમનો વેપારમંત્ર હતો. કોઈ ફરિયાદ કરે તો ફરિયાદીને જ આરોપીના કઠેડામાં ખડો કરી દેતા. ફરિયાદીની ફરિયાદને હાથી પાછળ ભસતા શ્વાન જેટલું મહત્ત્વ આપતા. આખરે ફરિયાદી કકળાટ કરતો પગ પછાડતો ચાલ્યો જતો. શ્યામલાલ તો જળકમળવત. પાણીમાંથી નીકળીને પણ કોરાધાકોર જાણે.
શ્યામલાલનો વેપાર આ રીતે ચાલતો રહ્યો, પણ ઘાલમેલિયો ને ભેળસેળિયો ધંધો આખરે ક્યાં સુધી ચાલે? સોનાનું મૂલ ચૂકવીને પિત્તળિયો માલ મળે તો કોઈ ક્યાં સુધી ચૂપ રહી શકે રહે... એમના પાપનો ઘડો ભરાતો રહ્યો.. છેતરાયેલા ગ્રાહકોના ક્રોધનો પારો ઊંચે ને ઊંચે ચડી રહેલો. એમનો ગુસ્સો ધીમે ધીમે જ્વાળામુખીમાં રૂપાંતરિત થઇ રહેલો. વેપારી આલમમાં ક્યાંક દબાયેલા સૂરે ને ક્યાંક ઊંચા અવાજે ગપસપ થઇ રહેલી કે કોણ જાણે એ જ્વાળામુખી ક્યારે ફાટશે ને શ્યામલાલને ભરખી જશે!
શ્યામલાલ સુધી પણ આ ગણગણાટ પહોંચી ગયેલો, પરંતુ એમને એની કાંઈ પડી નહોતી. એ કહેતા કે, હું તો નિરંતર મારા શ્રીકૃષ્ણનું રટણ કં છું. એથી કૃષ્ણ મારો વાળ પણ વાંકો નહીં થવા દે..જેને શ્યામ રાખે એને કોણ ચાખે ! પણ કાળો કારોબાર કરનાર પાપી ભક્તને શરણ આપે તો કૃષ્ણને કૃષ્ણ કેમ કહેવાય... શ્યામલાલ ભૂલી ગયેલા કે શ્રીકૃષ્ણે સો અપરાધ માફ કર્યા પછી શિશુપાળનો વધ કરેલો. અરે, સગ્ગા મામા કંસનો પણ કૃષ્ણે જ વધ કરેલો. તો પછી શ્યામલાલ તો કઈ વાડીનો મૂળો.
શ્રીકૃષ્ણની ગીતા મુજબ કરેલાં કર્મોનું ફળ તો શ્યામલાલે ભોગવવાનું જ હતું. એના પાપનો ઘડો ભરાય એટલી જ વાર હતી. અને એક દિવસ શ્યામલાલના પાપનો ઘડો ભરાયો. ગ્રાહકોનો જ્વાળામુખી ફાટ્યો. એમાંથી વહી નીકળેલા લાવાએ શ્યામલાલને ભરખી લીધો. એનું ખૂન થઈ ગયું...!
સાયરન વગાડતી પોલીસ જીપમાં ઇન્સ્પેક્ટર કરણ બક્ષી આવી પહોંચ્યો. સાથે જુનિયર જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત. પાછળ પાછળ પોલીસ ફોટોગ્રાફર શ્રીધર અને ફિગરપ્રિન્ટ નિષ્ણાત મેઘા. ટોળે વળેલા લોકોને એક બાજુએ ખસેડીને કામે વળ્યાં. ઇન્સ્પેક્ટર બક્ષીએ શ્યામલાલનું નિરીક્ષણ કર્યું. મેજ પર એક બાજુ ત્રણ ફોન પડેલા. સફેદ, કાળો અને લાલ. શ્યામલાલનો ધંધો ફોન પર જ ચાલતો હોય એવું લાગ્યું. શ્રીકૃષ્ણની મનોહર મૂર્તિઓ ને એની વચ્ચોવચ ઊંધે મોઢે ઢળી પડેલો.
સફેદ શર્ટ પહેરેલો શ્યામલાલ બેઠેલો તો રિવોલ્વિંગ ચેર પર પણ શરીરનો ઉપરનો ભાગ મેજ પર ઢળેલો. શ્યામલાલના ઢળેલા માથાની બરાબર સામે કૃષ્ણની ત્રણ નયનરમ્ય મૂર્તિઓ હતી. જાણે કૃષ્ણના પગ પકડીને માફી માંગતો હોય એમ શ્યામલાલનો જમણો હાથ એ ત્રણ મૂર્તિઓની વચ્ચોવચ લંબાયેલો. હાથની વચલી ત્રણ આંગળીઓમાં સોનાની મૂલ્યવાન વીંટીઓ. ચેરના હાથા પરથી નીચેની બાજુ લબડી રહેલો ડાબો હાથ લોહીથી ખરડાયેલો. લોહી જામવાની શરૂઆત જ થયેલી. ખૂન થયાને દોઢ-બે કલાકથી વધુ સમય નહીં થયો હોય.
દરમિયાન પોલીસ ફોટોગ્રાફર શ્રીધરે જુદા જુદા એન્ગલથી મૃતદેહની તસવીરો લીધી. મેઘાએ મેજ પરથી અને ચાકુ પરથી આંગળાંની છાપ લીધી. પછી કરણના સંકેતથી જયરાજે શ્યામલાલનું ઢળેલું શરીર ઊંચું કરીને રિવોલ્વિંગ ચેરની પીઠ પર અઢેલી દીધું. જોયું તો શ્યામલાલની છાતીમાં ધારદાર છરો હુલાવવામાં આવેલો. છાતીમાંથી લોહીનો ફુવારો છૂટેલો. શ્યામલાલનું સફેદ શર્ટ આગળના ભાગે લોહીઝાણ થઈ ગયેલું. લોહીની ધાર વહેવાથી સફેદ રંગનું પેન્ટ પણ ખરડાયેલું. એના મોં પર પીડાની લકીરો અંકાયેલી. ચહેરો ખેંચાઈ ગયેલો. એની આંખો અધબીડેલી હતી. કણસી કણસીને મર્યો હશે !
ફોરેન્સિક કાર્યવાહી પૂરી થયા ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ ટોળે વળેલા લોકો ભણી નજર કરીને પૂછ્યું: `તમારામાંથી પોલીસ સ્ટેશને ફોન કરીને ખૂનના ખબર આપનાર રામલાલ કોણ છે?'
ટોળામાં આગળ ઊભેલો પ્રમાણમાં ઠીંગણો કહી શકાય એવો એક માણસ આગળ આવ્યો. વ્યાકુળ જણાતો ચહેરો. ગભરાટને કારણે મોં પર અમથા અમથા જ હાથ ફેરવી રહેલો. કરણ બક્ષીએ એના મોં પર આંખો ટેકવીને લાગલું જ પૂછ્યું : `તમને ઘટના અંગે ક્યારે ને કેવી રીતે ખબર પડી ?'
`ઈન્સ્પેક્ટર સાહેબ..' રામલાલે હાથ વડે જ મોં લૂછતાં કહ્યું: `શ્યામલાલની ઓફિસમાં હું એક જ કર્મચારી હતો. કારકુન પણ હું, પટાવાળો પણ હું અને એમનો સેક્રેટરી પણ હું જ હતો. રોજ સવારે નવ વાગ્યે આવીને હું ઓફિસ ખોલતો. પણ આજે સાહેબ સવારે સાડા સાત વાગ્યે આવી જવાના હતા. મને એમણે નવ વાગ્યે જ આવવાનું કહેલું. હું આવીને ઓફિસમાં પેઠો. સાહેબની ચેમ્બરમાં ગયો. રિવોલ્વિંગ ચેર પર સાહેબને ઢળી પડેલા જોયા. એમના હાથમાં લોહી જોઈને હું ગભરાયો. કાંઈક અજુગતું થયાની આશંકા મારા મનમાં જાગી. અને મેં તરત જ પોલીસ સ્ટેશને ફોન કરી દીધો.'
`હવે તમે એ જણાવો કે શ્યામલાલ સવારે સાડા સાત વાગ્યે કેમ આવેલા?'કરણ બક્ષીએ પૂછ્યું.
`હું નોકર માણસ તો શું કહી શકું...' રામલાલ રડું રડું થઈ ગયો: `સાહેબ ઘણી વાર વહેલા ઓફિસે આવતા. એ વખતે મને આવવાની કે કોઈ પ્રશ્ન પૂછવાની છૂટ નહોતી. એક વાર પૂછવાનો પ્રયત્ન કરેલો તો મને પાણીચું પકડાવવાની ચેતવણી આપેલી. ત્યારથી મેં ગાંઠ વાળી કે કામ કરતી વખતે આંખકાન ખુલ્લા રાખવા પણ મોં બંધ રાખવું.'
`પણ તમને થોડો ઘણો અણસાર તો આવ્યો જ હશે ને કે શ્યામલાલ વહેલા કેમ આવતા ને તમને હાજર રહેવાનું કેમ ન કહેતા ?' કરણ બક્ષીએ વેધક પ્રશ્ન કર્યો.
`સાહેબ, પેટછૂટી વાત કરું તો શ્યામલાલની શાખ બજારમાં જરાય સારી નહોતી...' રણછોડનો ડર એકાએક ગાયબ થઈ ગયો હોય એમ એ કહી રહ્યો: `મારા સાહેબથી છેતરાયેલાઓ એમને અવારનવાર જોઈ લેવાની ધમકી આપતા. સાહેબ એ લોકોનો ગુસ્સો શાંત કરવા વહેલા બોલાવતા એવું મને લાગે છે.'
રામલાલ પાસે વધુ જાણકારી નહોતી. ટોળે વળેલાઓ આજુબાજુની ઓફિસોમાં કામ કરતા, પણ કોઈને કાંઈ ખબર નહોતી. એટલે કરણ બક્ષીએ માર્કેટમાં પૂછપરછ આદરી. જાણવા મળ્યું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી શ્યામલાલ સાથે ત્રણ વેપારીઓની દુશ્મનાવટ થઇ ગયેલી. ત્રણેયે શ્યામલાલને પતાવી દેવાની ઉઘાડી ધમકી પણ આપેલી. ઇન્સ્પેક્ટર બક્ષીએ ત્રણેયની પૂછતાછ કરવાનું નક્કી કર્યું.
સૌથી પહેલાં કરણ બક્ષી જુનિયરો સાથે પહોંચ્યો કેશવકુમાર પાસે. એ સિમેન્ટના જાણીતા વેપારી હતા. ઈન્સ્પેક્ટરને જોઇને એ ઊભા થઈ ગયા. આવકાર આપ્યો. ચા પાણીનો આગ્રહ કર્યો, પણ નમ્રતાથી ઇનકાર કરીને કરણ બક્ષીએ સીધું ને સટ પૂછી લીધું : `મિસ્ટર કેશવકુમાર... તમારી શ્યામલાલ સાથે દુશ્મની હતી, એ વાત સાચી ?'
`હા, ઈન્સ્પેક્ટર..સોળ આના સાચું.' કેશવકુમારે આનાકાની કર્યા વિના કરણની વાત સ્વીકારીને વિના પૂછ્યે કહેવા માંડ્યું : `સાહેબ, દુશ્મની ન થાય તો બીજું શું થાય... શરૂઆતમાં ત્રણચાર વાર એણે સારો ગુણવત્તાવાળો માલ મોકલેલો. સારા અનુભવને કારણે ત્રણેક મહિના પહેલાં મેં એને સિમેન્ટનો મોટો ઓર્ડર આપ્યો. પણ એ વખતે મોરલાએ કળા કરી. મિલાવટવાળો માલ મને મોકલ્યો શ્યામલાલને ફરિયાદ કરી તો એણે હાથ ઊંચા કરી દીધા. ઊલટો ચોર કોટવાલને દંડે એમ એણે તો મને જ ખરીખોટી સંભળાવી દીધી. એની સાથેના કરારમાં પણ હું થાપ ખાઈ ગયેલો. અત્યંત સિફતથી એણે મારા કાંડા કાપી લીધેલા. અદાલતે જવાથી પણ કાંઈ વળે એમ નહોતું. મારા વહાણ વિશ્વાસે ડૂબ્યા. પછી દુશ્મની થાય જ ને?
`હં, એટલે તમે શ્યામલાલને ઉઘાડી ધમકી આપી અને આજે સવારે એને પતાવી પણ દીધો.' કરણ બક્ષીએ તલવારની ધાર જેવા અવાજે પૂછ્યું : `બદલો લેવા તમે શ્યામલાલનું ખૂન કરી નાખ્યું, કેમ ?'
`ખૂઉઉ..ન... શું શ્યામલાલનું ખૂન થઈ ગયું ?'કેશવકુમારના સ્વરમાં બોદો રણકો જણાયો : `સાહેબ, મેં શ્યામલાલને ગુસ્સામાં આવીને પતાવી દેવાની ધમકી આપેલી એ સાચું છે. આજે સવારે હું શ્યામલાલને મળવા ગયેલો એ પણ સાચું છે. એણે સારો માલ આપશે એવી ખાતરી આપેલી. માધવ મહેતા અને મુરલીધર શેઠને પણ એવી જ ખાતરી આપી. અમે ત્રણેય શ્યામલાલની ઓફિસેથી સાથે જ બહાર નીકળી ગયેલા. તમે એમની પૂછપરછ પણ કરો. એ બેય તમને કહેશે કે મેં શ્યામલાલનું ખૂન કર્યું નથી !'
કેશવકુમારનું નિવેદન નોંધી લેવામાં આવ્યું. તપાસને અંતે જ ખબર પડશે કે એ સાચું બોલે છે કે ખોટું. એમણે કેશવકુમારને નગર છોડીને ન જવાની સૂચના આપી અને ત્યાંથી નીકળ્યા. પછી પહોંચ્યા કાગળનો કારોબાર કરતા માધવલાલ મહેતા પાસે. આડીઅવળી વાતોમાં સમય બગાડવાને બદલે જુનિયર જાડેજાએ સીધું પૂછી લીધું: `તમારી શ્યામલાલ સાથે એવી તે શું દુશ્મની થઈ ગયેલી કે આજે સવારે તમે એનું ખૂન કરી નાખ્યું?'
સીધો આરોપ સાંભળીને પણ માધવલાલના પેટનું પાણી ન હાલ્યું. કુનેહબાજ વેપારી જણાયા. શ્યામલાલનું ખૂન થયાનું સાંભળીને એના ચહેરા પર સળ પણ ન પડી. ન મુખમુદ્રા બદલાઈ, ન હાવભાવ. ટાઢાબોળ અવાજે ઠાવકાઈથી બોલ્યા : `તમને સાચું કહું? શ્યામલાલ એવડો મોટો ઠગ હતો કે આજે સવારે એનું ખૂન કરવાના ઈરાદાથી જ હું એની ઓફિસે ગયેલો. શ્યામલાલથી છેતરાનારો હું એકલો નહોતો. કેશવકુમાર અને માધવલાલ મહેતા પણ હતા જ. અમે ત્રણે શ્યામલાલની ઓફિસમાં ભેગા થઈ ગયેલા. મેં એને જોઈ લેવાની ધમકી આપી, પણ એણે મને ખાતરી આપી કે મને આપેલો ભેળસેળિયો ને જૂનો કાગળનો જથ્થો એ બદલી આપશે.
એ સાંભળીને મારો ક્રોધ ઓસરી ગયો. ને એને એક તક આપવાનું નક્કી કર્યું. માધવલાલ મહેતા અને કેશવકુમારને પણ એણે માલ બદલી આપવાની ખાતરી આપી. એથી અમે ત્રણેય એની ઓફિસેથી સાથે જ બહાર નીકળ્યા. પણ જાણીને આનંદ થયો કે શ્યામલાલનું ખૂન થઈ ગયું. એક દહાડો તો એનું ખૂન થવાનું જ હતું. થઈ ગયું. પત્યું. ધરતી પરથી બોજ હળવો થયો. બાકી મેં એનું ખૂન કર્યું નથી. તમે કેશવકુમાર અને માધવલાલને પૂછી જોજો. એ પણ કહેશે કે મેં ખૂન કર્યું નથી.'
માધવલાલના બોલ રૂક્ષ હતા. કરડા હતા. પણ એમાં સચ્ચાઈ કેટલી હતી એ કળી શકાય એમ નહોતું. છતાં માધવલાલને નગર છોડીને ન જવાનું કહીને પોલીસત્રિપુટી કાપડના વેપારી મુરલીધર શેઠને આંગણે જઈ પહોંચી. શેઠે પોલીસત્રિપુટીને ઉમળકાભેર આવકાર આપ્યો. ને અવાજમાં મીઠાશ ઘોળીને કહ્યું: `બોલો, હું આપની શું સેવા કરી શકું ?'
`સેવામાં તો એવું છે શેઠ, કે પોલીસને શંકા છે કે તમે શ્યામલાલનું ખૂન કર્યું છે...' દેવકીના સ્વરમાં ગજબની ઠંડક હતી: `તમારે તમારા બચાવમાં શું કહેવું છે?'
`પહેલાં તો મારા પર શંકા કરવાનું કારણ જણાવો.' મુરલીધર શેઠે ખંધાઈથી કહ્યું: `હું તો ખુદ શ્યામલાલથી પીડિત હતો. સારૂ કાપડ દેખાડીને એણે મને કચરો જેવો પધરાવેલો. મને લાખ્ખોના ખાડામાં ઉતારી દીધેલો. એટલું ઓછું હોય એમ તમે પાછા મારા પર શંકા કરો છો.'
`તમારા પર શંકા કરવાનું પહેલું કારણ એ કે તમે શ્યામલાલને પતાવી દેવાની ધમકી જાહેરમાં આપેલી...' કરણ બક્ષીએ સંયમિત સ્વરે કહ્યું: `બીજું કારણ એ કે આજે સવારે તમે શ્યામલાલની ઓફિસે ગયેલા, એ વખતે કેશવકુમાર અને માધવલાલ પણ ઉપસ્થિત હતા. તમે ત્રણેયે મળીને શ્યામલાલને ધમકાવેલો. ને પછી..'
`ઈન્સ્પેક્ટર, અમે શ્યામલાલને ધમકાવેલો એ વાત સાવ સાચી છે...' મુરલીધર ટાઢા ડામ દેવાની શૈલીમાં કહી રહ્યા :`પણ મેં શ્યામલાલનું ખૂન કર્યું નથી. તમે કેશવકુમાર અને માધવલાલને પૂછી જોજો. અમે ત્રણેય શ્યામલાલની ઓફિસમાંથી સાથે જ બહાર નીકળેલા. એ બેય સાક્ષી આપશે કે મેં એનું ખૂન કર્યું નથી !'
કરણ બક્ષી અને જુનિયરો સીધા પોલીસસ્ટેશને પહોંચ્યા. મેજ પર ઘટનાસ્થળના ફોટોગ્રાફ પડેલા. કરણ બક્ષીએ ફોટોગ્રાફ હાથમાં લીધા. દરમિયાન જયરાજે કહ્યું: `સર, ત્રણેય વેપારીઓએ સાથે મળીને અથવા તો એમાંના એકે શ્યામલાલનું ખૂન કર્યું હોય એવું લાગે છે. એથી તો પોતપોતાના બચાવમાં સાક્ષી તરીકે બીજા બેને ઊભા કરી દીધા છે.'
એટલામાં દેવકી બોલી: `સર, આ કેસમાં એક અનોખો સંયોગ છે. જેનું ખૂન થયું છે એ શ્યામલાલ અને શકમંદ ખૂનીઓના નામ કેશવકુમાર, માધવલાલ અને મુરલીધર. ચારેયના નામનો અર્થ કૃષ્ણ. મરનાર પણ કૃષ્ણ અને મારનાર પણ કૃષ્ણ. આ તે કેવો યોગાનુયોગ ! '
`આ યોગાનુયોગ જ આપણને ખૂની સુધી પહોંચાડશે...' કહીને કરણ એક ફોટોગ્રાફ જોઈ રહ્યો. ફોટામાં શ્યામલાલનો હાથ શ્રીકૃષ્ણની એક મૂર્તિ ભણી લંબાયેલો. કરણે આ ફોટો દેવકી અને જયરાજ આગળ ધર્યો : `જુઓ, આ ફોટામાં સ્વયં શ્યામલાલે ખૂની ભણી ઈશારો કર્યો છે ને શ્રીકૃષ્ણએ સાક્ષી આપી છે... મરતાં મરતાં શ્યામલાલે ખૂનીનો સંકેત આપવા વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની મૂર્તિ ભણી હાથ લંબાવ્યો છે. વાંસળીનો બીજો અર્થ મુરલી પણ થાય ને મુરલી વગાડતા શ્રીકૃષ્ણ એટલે.. હવે સમજાયું ?'
`અરે હા...' દેવકી અને જયરાજને સમજાઈ ગયું. પોલીસત્રિપુટી સીધી જ એક વેપારીને ઘેર જઈ પહોંચી. બોલી: `યુ આર અન્ડર એરેસ્ટ, મુરલીધર શેઠ !' `તમારી પાસે મારી વિદ્ધ શું પુરાવો છે, ઈન્સ્પેક્ટર ?' મુરલીધર બરાડ્યા.
`શાંત રહો, શેઠ..' કરણના અવાજમાં કઠોરતા ભળી: `શ્યામલાલે જ મરતી વખતે મુરલી વગાડતા કૃષ્ણ ભણી હાથ લંબાવીને ખૂનીની સાન આપી દીધી છે. એ ખૂની તમે છો, શેઠ ! વળી તમારા આંગળાંની છાપ લઈને છરા પરથી મળેલી છાપ સાથે સરખાવીશું એટલે તમે જ ખૂન કર્યાનું સાબિત થઈ જશે !'
`ઇન્સ્પેક્ટર, તમે ધારો છો એટલો કાચો ખેલાડી હું નથી...' મુરલીધર ઠેકડી ઉડાડતા અંદાજમાં બોલ્યા: `મેં છરા પરથી આંગળાંની છાપ ભૂંસી નાખેલી. એથી તમને મારા કોઈ ફિગરપ્રિન્ટ મળવાના નથી.' બોલતાં તો બોલી ગયા મુરલીધર શેઠ, પણ બોલ્યા પછી પસ્તાવો થયો. પોતે જ પોતાની પોલ ખોલી દીધેલી. પરંતુ હવે શું થાય ? તીર કમાનમાંથી નીકળી ગયેલું. પાછું વાળી શકાય એમ નહોતું. હાથકડી પહેરવા હાથ લંબાવતી વખતે મુરલીધર શેઠ બબડ્યા : હાથનાં કર્યાં હૈયે વાગ્યાં !
આવતા અઠવાડિયે નવી કથા