ટીના દોશી
જૂની ઢબછબની બાંધણીવાળી ખડકી. મહેલ કહો તો મોટી લાગે ને હવેલી કહો તો નાની લાગે. ઘર કે મકાન કહો તો રણમલજીને માઠું લાગે. એવી જૂનીપુરાણી છતાં જર્જરિત નહીં એવી ખડકી. સમયની અનેક થપાટો ખાઈ ચૂકેલી ખડકીને પણ ઉંમરની અસર તો થયેલી, તોય કડેધડે હતી. રણમલજી બોંતેર વર્ષે જેટલા અડીખમ હતા એટલી જ અડીખમ હતી ખડકી. કમાનાકારનું પ્રાણીઓ ને પક્ષીઓ કોતરેલું પ્રવેશદ્વાર.
દીવાલે ફૂલછોડની નયનરમ્ય મનોહર ચિત્રકારી. સૂર્યચંદ્રની કોતરણી કરેલાં કમાડ. હવાઉજાસ માટે નકશીદાર જાળિયાં. ખડકીમાં દાખલ થતાં જ સામે ખુલ્લો વિશાળ ચોક. કે ઓપન ટુ સ્કાય. ચોકમાં સંગેમરમરની ચાર થાંભલી. થાંભલીએ થાંભલીએ આરસના હાથી ઝૂલે. ચોકની ચારેકોર ઓસરી. ઓસરીમાંથી જ ફરતેના નવ વિશાળ ઓરડામાં જઈ શકાય. એક બાજુના ઓરડાઓમાંથી સૂર્યોદય જોઈ શકાય. બીજી બાજુના ઓરડાઓમાંથી સૂર્યાસ્ત.
ખડકીની ચારેબાજુ નાનકડો ફૂલછોડથી મહેકતો બાગ. રંગરંગી ફૂલોથી શોભતો રળિયામણો બાગ ધ્યાનાકર્ષક હતો, એમાંય સૂરજમુખીનાં ફૂલ તો ઊડીને આંખે વળગતાં. બાગમાં ઠેકઠેકાણે કિલકિલાટ કરતાં સૂરજમુખી લહેરાતાં. રણમલજીનાં માતા લીલાબાએ પોતાના હાથે આ સૂરજમુખી વાવેલાં. દરેક ફૂલ લીલાબાને ગમતું, પણ સૂરજમુખી એમને વિશેષ પ્રિય હતું. એ જ વારસો રણમલજીમાં સાંગોપાંગ ઊતરેલો. એમને સૂરજમુખી પ્રત્યે ગજબનું ખેંચાણ હતું.
સૂર્યપ્રકાશમાં પીળાં સૂરજમુખી સોનેરી આભા પ્રસરાવતાં. રણમલજી સૂરજની લાલિમા અને સૂરજમુખીની સોનેરી આભા નિહાળવા ઉત્સુક રહેતા. ઢોલિયો પણ એ જ રીતે ઢાળેલો કે ઊગતા સૂર્યને નમસ્કાર કરી શકાય ને સૂરજમુખીને ખીલતાં જોઈ શકાય ! મન ભરીને મનગમતું દ્રશ્ય નિહાળે ને પછી નિત્યક્રમમાં પરોવાય.
વર્ષો થયાં. સમયના વહેણ સાથે ઘણુંબધું બદલાયું, રણમલજીનાં શારદા સાથેનાં લગ્ન, દીકરા જયંત અને દીકરી જયમતીનો જન્મ, જયંતનાં સરિતા સાથે અને જયમતીનાં પ્રવીણ સાથે લગ્ન, પૌત્ર બબલુ ને દોહિત્રી બબલી, લીલી વાડી જોઈને પાંચ વર્ષ પહેલાં શારદાનો સ્વર્ગવાસ...ઘણી તડકીછાંયડી ને જીવનના પ્રત્યેક રંગ જોઈ ચૂકેલા રણમલજી પણ બોંતેરના થયા, આંખે ચશ્માં આવ્યાં, વાળમાં સફેદી ચમકવા માંડી, પણ ઊગતો સૂર્ય અને ખીલતાં સૂરજમુખી નિહાળવાનો ક્રમ યથાવત જળવાઈ રહેલો.
જીવનમાં એમને જો કોઈ વળગણ હતાં તો ત્રણ : ખડકી, ઊગતો સૂરજ અને સૂરજમુખીનાં ફૂલ... આ ત્રણ વિષયમાં દખલ દેવાની કે દલીલ કરવાની કોઈની હિંમત નહોતી. ન જ હોય ને ? રણમલજી ખડકીના રણીધણી હતા !
એ સાચું કે કોઈ રણમલજીને કાંઈ કહેવાની હિંમત ન કરતું, પણ કહી શકે તો એમ જરૂર કહેવા માગતા હતા કે હવે આ ખડકીનો, સૂરજનો અને સૂરજમુખીનો મોહ છોડો... કહું કહું થતાં હોય પણ કહી ન શકે એટલે મનોમન સહુ કોચવાતાં. કારણ કે ખડકીનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાતું. રણમલજીના પરિવારજનો માટે ખડકી એ ખડકી નહીં, રૂપિયાની રેલમછેલ કરનાર ખજાનો હતો.
પરિવારજનો ખડકી વેચીને કરોડોની કમાણી કરવા ઉતાવળા થયેલાં. એમાં રણજીતને પણ ગણવાનો. રણજીત એટલે રણમલજીના મોટા સ્વર્ગવાસી ભાઈ તખ્તમલજીનો દીકરો. રણમલજીનો ભત્રીજો. એ પણ ખડકીમાં જ રહેતો. સહુએ એકાદબે વાર રણમલજીને આડકતરી રીતે એ વિશે કહી જોવાનો પ્રયત્ન કરેલો, પણ ત્યારે રણમલજીએ ફૂંફાડો મારેલો: `ખબરદાર... ફરી કોઈએ ખડકી વેચવાની વાત કરી છે તો ! આ ખડકી મારી મા છે મા.. ને આ બાગ છે તે મારી માનો ખોળો છે...થોડાક રૂપિયા ખાતર માને વેચવાની વાત કરતાં શરમ નથી આવતી?'
`પણ, તમે સાંભળો તો ખરા...' પરિવારજનોને રણમલજીમાં ખજાના પર ફેણ માંડીને બેઠેલો કાળોતરો દેખાયો. સહુ સાગમટે કંઈક કહેવા મથી રહ્યાં પણ રણમલજીએ ઘાંટો પાડ્યો : `આ વખતે તો માફ કં છું, પણ ફરી ખડકી વેચવાની વાત મારી સામે કરી તો કોઈની ખેર નથી. કાન ખોલીને સાંભળી લ્યો... આ ખડકી મારા નામે છે. જો ફરીથી એને વેચવાનો વિચાર સુદ્ધાં કર્યો છે તો તમને સહુને વારસામાંથી રદબાતલ કરી દેતાં મને વાર નહીં લાગે. સમજ્યા ?'
સહુ સમજી ગયેલાં... ના, સમજવાનો દેખાવ કરી રહેલાં. બહારથી શાંત જણાતાં. પણ ભીતર જ્વાળામુખી ભભૂકી રહેલો. રણમલજીની પીઠ પાછળ બેઠકોનો દોર ચલાવતાં. ખડકી વેચવા માટે નવી નવી યોજના બનાવતાં. કરોડોમાં આળોટવાના સપનામાં રાચતાં. આવી જ એક બેઠકને અંતે રણમલજીને અંતિમ વાર સમજાવવા સહુએ સાથે જવાનો નિર્ણય કર્યો. જો એ ન જ માને તો... કોઈ મોઢેથી કશું બોલ્યું નહીં, પણ રણમલજી ન માને તો શું કરવું એનો દ્રઢ નિશ્ચય આંખમાં આંજી નાખેલો.
બીજી સવારે.... આઠેક વાગ્યે પરિવારજનો વાવાઝોડાની માફક રણમલજીના ઓરડામાં ધસી આવ્યાં. એમને જોઈને રણમલજીએ વ્યંગ કર્યો : `આજે તો સહુ મોરચો લઈને આવ્યા છો ને કંઈ.. બોલો, એવું તે શું કામ પડ્યું ?'
`બાપા, અમે સહુ અમારી વેદના જણાવવા આવ્યા છીએ...' જયંત દયામણો બનીને બેબાકળા અવાજે બોલ્યો : `મારી નોકરીમાં કંઈ મળતર નથી. ઘરનું ગાડું જેમતેમ ગબડે છે. પણ હવે મારે મારો પોતાનો ધંધો કરવો છે. પણ આરંભે રોકાણ માટે મૂડી જોઈએ. ને મારી પાસે મૂડી નથી.'
`તો એમાં હું શું કં ?' રણમલના પેટનું પાણી પણ ન હાલ્યું : `હું ક્યાંથી મૂડી લાવું ?'
`મૂડી તમે જ ઊભી કરી શકો એમ છો, બાપા..' જયંત કરગરતો હોય એમ બોલ્યો : `બાપા, હું તમારા પગમાં પડું છું. આજીજી કં છું કે અમને ખડકી વેચવા દો. ખડકી વેચાશે તો સહુનું ભવિષ્ય સુધરી જશે.'
`સહુનું એટલે ?' રણમલજીની આંખ ઝીણી થઈ.
`બાપા, સહુનું એટલે તમાં, ભાઈનું અને માં...' કહેતાં જયમતીની આંખે અશ્રુનાં તોરણ બંધાયાં. ગળે ડૂમો ભરાયો. સાડીના પાલવથી આંસુ લૂછીને બે હાથ જોડીને કહી રહી : `અમારે ધંધામાં ઘણી નુકસાની વેઠવી પડી છે. જલદી નાણાં ઊભાં નહીં થાય તો અમારે ઝેર પીવાનો વખત આવશે. તમે ખડકી વેચીને અમારી નાણાંભીડ ભાંગો તો અમાં જીવન બદલાઈ જશે. અમે જીવનભર તમારા પગ ધોઈને પીશું.'
`રણજીત, તારે કાંઈ નથી કહેવાનું ?' રણમલજીએ ભત્રીજાના ચહેરા પર નજર ટેકવી.
`કાકા, મારી પાસે વધુ સારો પ્રસ્તાવ છે....' રણજીત બોલ્યો : `હું એમ વિચારતો હતો કે ખડકી તોડીને આ વિશાળ જગ્યામાં સોસાયટી કે શોપિંગ મોલ બનાવવો...તમેય બે પાંદડે થઈ જશો.'
`હજુ કોઈએ કાંઈ કહેવાનું બાકી છે ?' રણમલજીના અવાજમાં કરડાકી ભળી : `આ ખડકી હું કોઈ કાળે વેચવા તૈયાર નથી. અને મારી ચિંતા તમારે લોકોએ કરવાની જરૂર નથી. મેં એવી રીતે બચત અને રોકાણો કર્યાં છે કે મારો નિર્વાહ સુખેથી થઈ જશે. પણ જયંત, તારે ધંધો કરવો હોય તો મૂડીરોકાણ કરવાની તાકાત અને આવડત તારામાં હોવી જોઈએ. નાણાં ન હોય તો સપનાં નહીં જોવાનાં. ચાદર જેટલી હોય એટલા જ પગ પહોળા કરવાના. જે હોય એમાં ખુશ રહેવાનું. સરિતાવહુ, તમે પણ જે હોય એમાં ખુશ રહેતાં શીખો.'
`પણ બાપા...' જયંત કંઈ કહે એ પહેલાં રણમલજીએ સ્નેહ નીતરતી આંખે દીકરી સામે જોયું: `જયમતી, ધંધામાં પ્રવીણને ખોટ ગઈ તો એમાં મારો વાંક નથી. પછેડી પ્રમાણે સોડ તાણવી જોઈએ. મોટા નુકસાનનો અર્થ એ છે કે પ્રવીણને ધંધો કરતાં આવડતું નથી. તું મારી લાડકી દીકરી છે. તને લગ્ન સમયે જે આપવાનું હતું તે આપી દીધું છે. બાકી મેં કહ્યું એમ ખડકી તો હું કોઈ કાળે નહીં વેચું.'
જયમતી નીચું જોઈ ગઈ. એના ભણી અછડતી નજર કરીને રણમલજીએ ભત્રીજા પર શબ્દોનો સાટકો વીંઝ્યો : `રણજીત, તારો વિચાર તો અત્યંત બેહૂદો છે. તું તો ખડકી જ તોડી નાખવા માગે છે. એ કહેતાં તને શરમ પણ નથી આવતી. પણ તમે સહુ એક વાત ગાંઠે બાંધી લેજો કે હું જીવું છું ત્યાં સુધી ખડકી વેચવાનું શક્ય જ નથી. અને હવે તો મારા મર્યા પછી પણ તમે લોકો ખડકી ન વેચી શકો, ન તોડી શકો એની વ્યવસ્થા કરી નાખીશ. આજે જ હું વકીલને બોલાવીને વસિયત તૈયાર કરાવી લઈશ... હવે નીકળો બધાં બહાર. મને મારાં સૂરજમુખી સાથે સુખેથી રહેવા દો.'
રણમલજીનું વાઘ જેવું વિકરાળ સ્વરૂપ જોઈને સહુ દબાતે પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયાં. ચહેરા લાલઘૂમ. કાળઝાળ. આંખોમાં ખુન્નસ. કોઈ કાંઈ બોલ્યું નહીં, પણ મનમાં ઘૂંટાઈ રહેલું. સમય ઓછો છે. જે કરવાનું છે તે થોડાક કલાકોમાં જ કરવાનું છે... વકીલ આવે એ પહેલાં!
સાંજનો સાડા પાંચનો સમય...વકીલ ભાલચંદ્ર ભાલરિયા ખડકીમાં દાખલ થયા. કાળો કોટ. કાળું પેન્ટ. સફેદ શર્ટ. જમણા હાથમાં કાળી એટેચી. આંખે ચડાવેલા જાડા કાચનાં ચશ્માં પાછળથી એમણે ચારેકોર નજર ઘુમાવી. રણમલજીના પરિવારના સભ્યો... ના, અસભ્ય. ભાલચંદ્ર મનોમન જ બબડ્યા. સહુ ખડકીના આંગણામાં જ ઊભેલાં. વકીલને કતરાતી નજરે જોઈ રહેલાં. એમના તરફ આંખ આડા કાન કરીને ભાલચંદ્ર લાગલા રણમલજીના ઓરડાભણી ચાલ્યા.
ઓરડાના બારણે ટકોરો માર્યો ને હળવેથી બારણું ધકેલ્યું. પણ ભીતર દાખલ થતાંવેંત જ ચીસ પાડી ઊઠ્યા. ચીસ સાંભળીને સહુ રણમલજીના ઓરડા ભણી દોડી ગયાં. ઓરડામાં બાગ ભણીની બારી પાસેની ઝૂલણખુરસી પર રણમલજી ઢળી પડેલા. પ્રથમ નજરે જોતાં જ કોઈને પણ ખ્યાલ આવે કે એમનું મૃત્યુ થયું છે !
ભાલચંદ્રએ ડોક્ટર આલોકકુમારને ફોન કર્યો. પછી પોલીસ સ્ટેશને. દસ મિનિટ પૂરી થતાંમાં તો આલોકકુમાર આવી પહોંચ્યા. પછીની ત્રણ મિનિટમાં ઈન્સ્પેક્ટર કરણ બક્ષી અને જુનિયર જયરાજ જાડેજા.
પોલીસ કાર્યવાહી અને દાકતરી તપાસ સાથે જ શરૂ થઈ. આલોકકુમાર રણમલજીની તપાસ કરી રહેલા ત્યારે કરણ અને જયરાજ પોતાના કામે વળી ગયેલા. એમણે જોયું કે રણમલજીની આંખોના ડોળા ફાટી ગયેલા. જીભ બહાર આવી ગયેલી. એક બાજુ ઢળી ગયેલી ગરદન પર ઉઝરડા અને આંગળીઓના નિશાન પડેલા. શરીર પર બીજે કોઈ ઠેકાણે કોઈ જ નિશાન દેખાતાં નહોતાં. ન કોઈ જખમ, ન લોહીના ડાઘ !
પોલીસ બેલડીને રણમલજીના ઓરડામાં સામેની ખુલ્લી બારીમાંથી બાગનું રળિયામણું દ્રશ્ય નજરે પડ્યું. રંગબેરંગી ફૂલો વચ્ચે પીળાં સૂરજમુખી આથમતા સૂરજના રંગે રંગાઈ રહેલાં. બારીની બાજુની દીવાલે એક અરીસો. બાજુમાં તારીખિયાવાળું કેલેન્ડર લટકી રહેલું. આ બારીની બરાબર સામેની દીવાલે ઘડિયાળ. એની વિશેષતા એ હતી કે એમાં સમય દર્શાવવા આંકડા નહોતા. બાર અંકને ઠેકાણે બાર પિત્તળના ચગદા જેવાં બટન હતાં. બાર, ત્રણ, છ અને નવનો અંક ઈંગિત કરતાં બટન થોડાં મોટાં હતાં, અન્ય અંક ઈંગિત કરતાં ચગદા નાના હતાં. આ ઘડિયાળના કાંટા પોણા છ વાગ્યાનો નિર્દેશ કરી રહેલા.
દરમિયાન દાકતરી તપાસ કરી ચૂકેલા આલોકકુમાર બોલ્યા : `આ થ્રોટલિંગનો કેસ છે. થ્રોટલિંગ એટલે ગળું દબાવવું. રણમલજીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. ગળા પર ભરપૂર દબાણ આવવાથી ગળામાં રહેલા હાયોઇડ નામનું નાનું હાડકું તૂટી ગયું હોય એવું લાગે છે. મૃત્યુ થયાને વધુમાં વધુ દોઢ કલાક થયો હશે. ફોરેન્સિક તપાસમાં ખબર પડશે કે એમની આંખોના સફેદ ભાગમાં રહેલી નાની રક્તવાહિનીઓ ફાટી ગઈ હશે. લોહી પણ ગંઠાઈ ગયું હશે.'
ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ ચકોર નજર પરિવારજનો પર ફેરવી. પહેલી પ્રતિક્રિયા ક્યારેક કેસ સોલ્વ કરવામાં ઉપયોગી પુરવાર થાય છે. સહુની આંખમાં આંસુ હતાં. જયંતે તો પોક જ મૂકી : `અરે મારા બાપા રે, હજુ સવારે આપણે મળેલાં. પછી બહારનું તો કોઈ આવ્યું પણ નથી. તો આ ...?' જયંતના રોવામાં સરિતા, જયમતી, પ્રવીણ અને રણજીત પણ જોડાયાં. પણ કરણે અને જયરાજે એક વાક્ય પકડી લીધું : બહારનું કોઈ ઘરમાં આવ્યું પણ નથી. એનો અર્થ એ થયો કે ખૂની ઘરનો જ છે!
`ખૂની જયંત જ હશે...' વકીલ ભાલચંદ્ર ધીમું ગણગણ્યા. એટલું ધીમું કે માત્ર કરણ અને જયરાજ સાંભળી શકે. કરણે પ્રશ્નાર્થ નજરે ભાલચંદ્ર સામું જોયું. કરણના સંકેતની પ્રતીક્ષા કરી રહ્યા હોય એમ વકીલે રણમલજી અને એમના પરિવારજનો વચ્ચેના ખડકી અંગેના કંકાસની વાત કહીને ઉમેર્યું : `આજે સવારે સાડાનવના અરસામાં રણમલજીએ મને ફોન કરેલો. એમના મૃત્યુ પછી પણ કોઈ ખડકીને વેચી કે તોડી ન શકે એવી વસિયત બનાવવા માટે મને બોલાવેલો. પણ હું આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું. ઘરનું જ કોઈ ઘાતકી બન્યું.'
કરણે ઘરના લોકો ભણી નજર ઘુમાવી. એના માટે સહુ ગુનેગાર પણ હતા અને નિર્દોષ પણ. જ્યાં સુધી કોઈ નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી ગુનેગાર. જ્યાં સુધી કોઈ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ... કરણે ખૂણામાં ઊભેલા એકવડિયા બાંધાના જયંત સામે જોયું. એની એક બાજુ સરિતા ઊભેલી અને બીજી બાજુ જયમતી. જયંત પોતે રડી રહેલો. બહેન અને પત્નીને સાંત્વના પણ આપી રહેલો. સામાન્ય કદકાઠી ધરાવતો પ્રવીણ નિર્વિકાર ચહેરે ઊભેલો. કરણે ઈશારો કર્યો. જયરાજે સહુનાં નિવેદન લીધાં.
`ખડકી વેચવા બાબતે મારી અને બાપા વચ્ચે ખટરાગ હતો એ ખં..' સહુ પહેલાં જયંતે નિવેદન નોંધાવ્યું : `અમારી રકઝક પણ થતી. હું એમને ખડકી વેચવા સમજાવતો, પણ એમણે ચોખ્ખી ના પાડી દીધી. હું મનોમન ગુસ્સે થયેલો, પણ એટલો ગુસ્સે નહોતો થયો કે એમનું ખૂન કરી નાખું. આખરે એ મારા બાપા હતા. એટલે જ સવારે સહુ છૂટાં પડ્યાં પછી હું ને સરિતા પાછાં બાપાને મળવા ગયેલાં. ધંધા માટે હું પોતે જ નાણાં ઊભાં કરીશ એવી ખાતરી મેં આપેલી. સાંભળીને બાપાએ મને આશીર્વાદ આપેલા.'
પછીના ક્રમે જયમતીએ કહ્યું : `એ મારા બાપા પણ હતા. મારી નાણાભીડ ભાંગવા મેં મદદની આશા રાખેલી. પણ પછી મને મારી ભૂલ સમજાઈ ગયેલી. એટલે સવારે સહુ છૂટાં પડયાં પછી હું અને પ્રવીણ બાપાને મળવા ગયેલાં. પગ પકડીને માફી
માંગી. એમણે પણ મોટું મન રાખીને અમને માફ કરી દીધેલાં.'
દરમિયાન ખડકીના ચોકમાંથી રણજીત ઓરડાની ભીતર ધસી આવ્યો. એને જોઈને સહુને ખ્યાલ આવ્યો કે એ તો અત્યાર સુધી હાજર જ નહોતો. બધાંને ટોળે વળેલાં જોઈને એ બોલી ઊઠ્યો : `અરે, કેમ બધાં અહીં એકઠાં થયાં...' પણ વાક્ય પૂં થાય એ પહેલા રણમલજીના મૃતદેહ પર એની નજર પડી. એ ચીસ પાડી ઊઠ્યો : કાકા...કાકાને શું થયું ?'
`તમારા કાકાનું ખૂન થયું છે. અને ખૂની ઘરનો જ છે.' કરણ રણજીતના કસાયેલા ને ખડતલ શરીરને મનોમન પ્રશંસી રહ્યો. પછી ટાઢા ડામ દેતો હોય એમ કહી રહ્યો : `તમે એ જણાવો કે અત્યારે તમે ક્યાંથી આવો છો ?'
`સાહેબ, હું તો અખાડામાંથી જ સીધો ચાલ્યો આવું છું. વ્યાયામ કં છું. નિયમિત દંડબેઠક પણ કં છું...' રણજીત પટપટ બોલવા માંડ્યો : `આજે બપોરે મારી એક મીટિગ હતી. પણ સવારે કાકા ખડકી બાબતે ગુસ્સે થયેલા. મારા કમરામાં આવીને વિચાર કરતાં મને લાગ્યું કે વાંક મારો જ છે. મને પસ્તાવો થયો. એટલે કાકાની માફી માગવા ગયેલો. હાથપગ જોડ્યા. પછી બે ત્રણ રમૂજી વાતો કરી. એટલે કાકા હસી પડ્યા. મને માફ કરી દીધો. મેં હસતા કાકાનો ફોટોગ્રાફ પણ લીધો. પછી નીકળી ગયો. તે ઠેઠ અત્યારે જ આવ્યો. જુઓ, મારા મોબાઈલમાં મઢાયેલો એ ફોટોગ્રાફ.'
કરણ બક્ષીએ ફોટોગ્રાફ જોયો. હસતા રણમલજીના અંગ પર એ જ વસ્ત્રો હતાં જે અત્યારે પણ એમના શરીરે હતાં. તારીખિયામાં આજની જ તારીખ હતી. ઘડિયાળમાં બપોરના બાર ને વીસ મિનિટનો સમય સ્થિર થઈ ગયેલો. બગીચામાં લહેરાતાં સૂરજમુખીનાં ફૂલ મોબાઈલ કેમેરા ભણી મોં કરીને કિલકિલાટ કરી રહેલાં...ફોટોગ્રાફમાં કાંઈ કહેવાપણું નહોતું. છતાં કરણની છઠ્ઠી ઇન્દ્રિય કહી રહેલી: ખૂનનું રહસ્ય આ જ ફોટોગ્રાફમાં હતું... પણ શું ?'
કરણ અને જયરાજ એક બાજુએ ખસીને ચર્ચા કરવા લાગ્યાં : આ ફોટામાં કાંઈક ખૂટતું લાગે છે. જોકે પહેલી નજરે તો ફોટામાં કશું વાંધાજનક દેખાતું નથી... હસતા રણમલજી, તારીખિયાની તારીખ, ઘડિયાળનો સમય, બાગમાં લહેરાતાં સૂરજમુખીનાં ફૂલ... જોકે આટલું કહેતાં જ બંનેની આંખમાં ચમક આવી ગઈ. પુરાવો મળી ગયો. ખૂની હાથવેંતમાં જ હતો. કરણ અને જયરાજ રણજીતની આંખમાં આંખ પરોવીને બોલ્યા : `યુ આર અન્ડર એરેસ્ટ...રણમલજીનું ખૂન કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે..!'
`પણ હું તો અત્યારે જ તમારી નજર સામે બહારથી આવ્યો છું...' રણજીતે ઘૂરકિયું કર્યું : `હું તદ્દન નિર્દોષ છું. એની ખાતરી કરાવતો આ ફોટોગ્રાફ પણ મેં તમને બતાડ્યો...'
`તમારા કમનસીબે રણજીત, આ ફોટોગ્રાફ જ પુરવાર કરે છે કે તમે ખૂની છો...' કરણ બક્ષીના અવાજમાં અંગારા વરસી રહ્યા : `રણમલજીએ પોતાના મૃત્યુ બાદ પણ કોઈ ખડકી વેચી કે તોડી ન શકે એ માટે વસિયત બનાવવાનું નક્કી કર્યું. પણ તમારે ખડકી તોડીને સોસાયટી કે મોલ બનાવવો હતો. તમે કાકાનું કાસળ કાઢવાની યોજના બનાવી. જયંત અને જયમતી પર પણ શંકા કરી શકાય, પણ આ ફોટોગ્રાફે તો સાબિત કરી જ દીધું છે કે તમે જ ખૂની છો...તમે પાણી પહેલાં પાળ બાંધી. રણમલજીનો ફોટો પાડીને નિર્દોષતાનો પુરાવો ઊભો કર્યો. પછી ખૂન કર્યું. પણ આ ફોટોગ્રાફ જ તમારા ગુનાની ચાડી ખાય છે. ફોટોગ્રાફમાં ઘડિયાળના સમય અને સૂરજમુખીનાં ફૂલે પોકારીને તમને ખૂની પુરવાર કરી દીધા છે.'
આ શું મજાક છે, ઇન્સ્પેક્ટર?' રણજીત રોષે ભરાયો : ઘડિયાળ અને ફૂલ..તમે કહેવા શું માગો છો ?'
`હું કાંઈ નથી કહેતો. ઘડિયાળ અને ફૂલ કહે છે છે...' કરણ બક્ષી ધારદાર અવાજે કહી રહ્યો : `એ બંને તમારા અપરાધના સાક્ષી છે. ફોટોગ્રાફમાં દેખાતી ઘડિયાળ હકીકતમાં એ દીવાલે નહીં, પણ એની સામેની રણમલજીના ઢોલિયાવાળી દીવાલે લગાડેલી છે. ફોટોગ્રાફમાં ઘડિયાળની મિરર ઈમેજ દેખાય છે. મિરર ઈમેજ સમય બતાડે છે બપોરના બાર ને વીસ. પણ હકીકતમાં એ સમય સાંજે ચાર વાગ્યાનો છે. ઘડિયાળમાં અંક નથી, માત્ર પિત્તળનાં ચગદાં છે. પહેલી નજરે આ ફરક ન પકડાય, પણ ધ્યાનથી જોતાં ખ્યાલ આવી જાય.'
`હવે સૂરજમુખીનાં ફૂલની સાક્ષી... સૂરજમુખીનાં ફૂલ સૂરજની ગતિને અનુસરે છે. તેને વિજ્ઞાનની ભાષામાં હેલિઓટ્રોપિઝમ કહેવામાં આવે છે. એ મુજબ સૂરજમુખીનાં ફૂલ સવારમાં સૂરજ તરફ ખીલે છે અને જેમ સૂરજ પશ્ચિમ તરફ જાય તેમ ફૂલ પશ્ચિમ તરફ જાય છે. રણમલજીના ઓરડામાંથી સૂર્યોદય દેખાય છે. એનો અર્થ એ કે તમે ફોટો પશ્ચિમમાંથી લીધો છે. જો આ ફોટો બપોરે બાર ને વીસે લેવાયો હોત તો ફૂલ તમારી વિરુદ્ધ દિશામાં લહેરાતાં હોત. પણ ફોટોગ્રાફમાં ફૂલ સૂરજની ગતિને અનુસરીને તમારી તરફ એટલે કે પશ્ચિમ દિશામાં જોઈ રહ્યાં છે.
એનો અર્થ એ થયો કે તમે આ ફોટો બપોરે નહીં, પણ સાંજે ચાર વાગ્યે લીધો છે. તમે બહારથી નથી આવ્યા, ખડકીના કોઈ ઓરડામાં જ ભરાયા હશો. ત્યાંથી જ આવ્યા છો.
`ત્રીજી વાત.. રણમલજીનું ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું છે. એ કાળું કામ તમે જ કરી શકો, રણજીત. કારણ, જયંતનો બાંધો એકવડિયો છે. ને પ્રવીણ સામાન્ય કદકાઠીનો છે. બંનેમાં કોઈનું ગળું દબાવવા જેટલું શારીરિક બળ નથી. તમે જ કહ્યું કે તમે વ્યાયામ ને દંડબેઠક કરો છો. એ બળ તમારામાં છે... હવે તો કબૂલ કરો છો ને કે રણમલજીનું ખૂન તમે જ કર્યું છે ?'
રણજીત પાસે કાંઈ બોલવાપણું રહ્યું નહીં. જયરાજ એને હાથકડી પહેરાવીને બોલ્યો : `તસવીર ક્યારેય ખોટું બોલતી નથી.' સાંભળીને રણજીત ગણગણ્યો : `કાકાનો ફોટો પાડીને મેં પગ પર કુહાડો નહીં, કુહાડા પર જ પગ ઠોકી દીધો !'
આવતા અઠવાડિયે નવી કથા