પહેલી નજરે જોઈને તો કોઈ પણ આત્મહત્યામાં જ ખપાવી દે, પણ ઈન્સ્પેક્ટર કરણ બક્ષીનું મન કેદારના મૃત્યુને આપઘાત માનવા તૈયાર નહોતું. કરણથી વિપરીત એના જુનિયરો જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત સુધ્ધાં કેદારના અવસાનને આત્મહત્યા જ માની બેઠેલાં. વિન્ટેજ વિલાની પહેલી મંજિલ પર ઈન્સ્પેક્ટર કરણ બક્ષી, જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત પ્રસિદ્ધ નાટ્યકલાકાર કેદારના મોતની તપાસ કરી રહેલાં ત્યારે ત્રણેય વચ્ચે મૃત્યુના પ્રકાર અંગે જ વાદવિવાદ થઈ ગયો. કરણ બક્ષી કેદારના મોતને આત્મહત્યા માનવા તૈયાર નહોતો, પણ જયરાજ અને દેવકી એક જ વાતને વળગી રહેલાં કે કેદારનું મૃત્યુ આપઘાત જ છે !
એનું કારણ હતું કેદારના મૃત્યુનું દૃશ્ય. કેદારનું મૃત્યુ જે કમરામાં થયેલું એનો દરવાજો ભીતરથી બંધ હતો. વિલાના માલિક કેદારસાહેબ કમરાનું બારણું ખોલી નથી રહ્યા એવો ઘરનોકર કેશવનો રડમસ અવાજે ફોન આવ્યેથી ઈન્સ્પેક્ટર કરણ બક્ષી અને જુનિયરો તાબડતોબ વિન્ટેજ વિલા પહોંચી ગયેલાં. વિલાને દરવાજે જ એકવડિયો કહી શકાય તેવો સામાન્ય કદકાઠીનો છતાં કસાયેલા બાંધાનો કેશવ ઊભેલો. એ આગળ થયો ને પાછળ પોલીસ ત્રિપુટી.
વિલાની ઓસરી વટાવીને, દીવાનખંડમાં થઈને ત્રણેય ઝડપથી સીડીનાં પંદર પગથિયાં ચડીને પહેલી મંજિલે પરસાળમાં પહોંચી ગયાં. મંજિલના ઉપલા પગથિયાની બરાબર સામે કેદારનો કમરો હતો. કમરાની બારીઓ અને કમરાનો દરવાજો પરસાળમાં પડતાં. પણ દરવાજો ભીતરથી બંધ હતો.
પહેલાં તો પોલીસ ત્રિપુટીએ દરવાજો ખખડાવ્યો. પણ ભીતરથી કોઈ જવાબ ન મળતાં ત્રણેયે કમરાનાં દ્વાર ધણધણાવી નાખ્યાં. છતાં અંદરથી કોઈ સળવળાટ સંભળાયો નહીં. આખરે કરણ અને જયરાજે મળીને કમરાનો દરવાજો તોડી નાખ્યો. અંદરનું દૃશ્ય જોઈને પોલીસ ત્રિપુટીની આંખો પહોળી થઈ ગઈ. કમરામાં કેદાર...ના, કેદારનો મૃતદેહ પડ્યો હતો ! રંગમંચની દુનિયાનો મશહૂર સિતારો ધૂમકેતુના તારાની માફક ખરી પડેલો !
કેશવ તો પહેરણ પરના ખેસનો છેડો મોંએ દાબીને રડી પડ્યો. કરણ બક્ષીએ એને ખભે હાથ મૂકીને સાંત્વન આપ્યું ને કમરાનું નિરીક્ષણ કરવા લાગ્યો. કમરાની એક દીવાલે અડીને ઢાળેલા ઢોલિયા પર કેદારનો મૃતદેહ પડેલો. કેદારના લંબાયેલા જમણા હાથની નજીક એક કાગળ પડેલો. કરણના સંકેતથી દેવકીએ કાગળ ઉપાડ્યો.
કોઈ નોટબુકમાંથી ફડાયેલા હોય એવા એ સફેદ કાગળમાં પેન્સિલથી લખાણ લખાયેલું. દેવકીએ લખાણ વાંચવાનું શરૂ કર્યું : હું નાટકોમાં કામ કરવા ગામડેથી શહેરમાં આવેલો. ઘણો સંઘર્ષ કર્યા પછી વ્યવસાયિક જીવનમાં તો સફળતા મળી, પણ અંગત જીવનમાં હું નિષ્ફળ સાબિત થયો. પ્રેમના નામે મને દગો જ મળ્યો. દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા...બસ. આટલું જ. અલવિદા જિંદગી !
`હં, આપઘાતની ચિઠ્ઠી...' દેવકીની સાથે જયરાજ પણ બબડ્યો : `પ્રેમમાં નિષ્ફળ જવાથી કેદારે આત્મહત્યા કરી છે.' જુનિયરોએ ઈન્સ્પેક્ટર બક્ષી ભણી જોયું, પણ કરણ મૌન રહ્યો. એનું ધ્યાન કેદારના મૃતદેહ પર હતું. સોહામણા દેખાતા દેખાવડા કેદારના ઢોલિયાની બાજુમાં પડેલા મેજ પર બે ફોન પડેલા.
એક સેલફોન ને બીજો લેન્ડલાઇન ફોન. લેન્ડલાઇનનો કાળો વાયર ભૂંગળા સહિત કેદારના ગળા ફરતે ગાળિયો બનીને મજબૂતીથી વીંટળાયેલો. કોઈ મહાકાય અજગરના ભરડામાં ભીંસાવાથી માણસ તરફડીને મૃત્યુ પામે એ રીતે વાયરના ગાળિયાની ભીંસથી કેદારનું મૃત્યુ થયેલું. કેશવે ઠૂઠવો મૂક્યો : `અરેરે, ઓ મારા સાહેબ...'
`સર, આ તો ચોખ્ખો આપઘાતનો કેસ છે...' જયરાજ બોલ્યો: `મેં કેદારનું ઝંઝાવાત નાટક જોયેલું. શું ગજબનો અભિનય કરેલો એણે. મેં વિચારેલું કે એક વાર એને રૂબરૂ મળીને અભિનંદન આપીશ. પણ દુર્ભાગ્ય તો જુઓ. મળવાનું થયું ત્યારે એ દુનિયા છોડીને જ જતો રહ્યો. કેવી કરુણતા કહેવાય!'
જયરાજે બોલવાનું પૂરૂ કર્યું એટલે કરણ બક્ષીએ હોંકારો ભણ્યા વિના એટલું જ કહ્યું: `પહેલાં તપાસ પૂરી કરીએ. પછી બીજી વાત.'
પોલીસત્રિપુટીએ તપાસ આરંભી. કમરાનાં બંધ દ્વારની જેમ કમરાની ગુલાબી રંગના પરદા લાગેલી લાંબીપહોળી બારીઓ પણ ભીતરથી બંધ હતી. જયરાજ અને દેવકીએ એક એક બારી ચકાસી જોઈ. દેવકીએ એક બારી ખોલી. બારીમાં સળિયા જડેલા નહોતા. વળી બારી એટલી પહોળી હતી કે એક સાધારણ કાઠીનો માણસ આસાનીથી એમાંથી પસાર થઈને પરસાળમાં ઊતરી શકે. પરસાળમાંથી સીડી ઊતરીને સીધા ઘરની બહાર જઈ શકાય. દેવકીએ પરસાળમાં નજર ઘુમાવીને બારી બંધ કરી.
જયરાજ અને કરણ બક્ષીએ પણ બારીની તપાસ કરી. બધી બારીઓ અંદરથી બંધ હતી, પણ કરણ બક્ષીએ નોંધ કરી કે એક બારીની કડી થોડી ઢીલી થઈ ગયેલી. આ બારીમાંથી પણ પરસાળમાં જ ઊતરી શકાતું. કરણે ઢીલી કડી પર આંગળી મૂકીને ઊંચીનીચી કરી જોઈ. એ જોઈને ખેસના છેડાથી આંસુ લૂછતો કેશવ કહી રહ્યો: `ઈન્સ્પેક્ટર સાહેબ, છેલ્લા અઠવાડિયાથી આ કડી ઢીલી થઈ ગયેલી.
મેં મિસ્ત્રીને બોલાવેલો. પણ તમે તો જાણો છો ને કે આવા નાના કામ માટે કોઈ મિસ્ત્રી જલ્દી આવે જ નહીં..' કરણે કેશવની વાત સાંભળતાં જોયું કે એ બારી પણ બંધ જ હતી. કરણે આ મુદ્દો મનોમન નોંધ્યો. એને કંઈક ખટકતું હતું. કશુંક તો અજુગતું હતું. પણ શું એ કળાતું નહોતું. ખેર, એ પણ ખબર પડી જશે !
દરમિયાન જયરાજ અને દેવકીએ જોયું કે કમરાની સામેની દીવાલે બે જણા બેસી શકે એવડો મલમલી સોફો હતો. એક દીવાલે નકશી કરેલું આયનો જડેલું કબાટ. જુનિયરોએ કબાટ ખોલ્યું. એમાં માત્ર કીમતી બ્રાન્ડેડ વસ્ત્રો હતાં. કબાટના ડ્રોઅર્સમાં પણ ખાસ નોંધપાત્ર કહી શકાય એવું કશું જડ્યું નહીં. કબાટની બાજુમાં રાઈટિગ ટેબલ. ટેબલ પર શોભામાં અભિવૃદ્ધિ કરતી આછા સોનેરી રંગની ડાયરી. એવા જ સોનેરી રંગની પેન. સામે કાષ્ઠકલાના નમૂના સમી કાળા સીસમની ખુરસી.
જયરાજ અને દેવકી કમરાનો ખૂણે ખૂણો તપાસી રહેલાં, ત્યારે કરણે જોયું કે કેદારના મૃતદેહથી થોડેક દૂર ઢોલિયા પર જ ડાયરી મૂકી શકાય એવડી સાઈઝનું વોલેટ પડેલું. એણે વોલેટ ખોલ્યું. એમાંથી થોડીક રૂપિયાની નોટો નીકળી. પાંચેક હજારની હશે. થોડું પરચૂરણ નીકળ્યું. વિઝિટિગ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કાળી ને બ્લુ પેન, નાનકડી લાલ રંગની પોકેટ ડાયરી. પ્રત્યેક પાને કાળી કે બ્લુ પેનથી લખાણ લખાયેલું. એપોઇન્ટમેન્ટ્સ નોંધવા માટે અને નાટકના કાર્યક્રમો ક્યારે, કયા શહેરમાં યોજાવાના છે એની નોંધ કરવા માટે એનો ઉપયોગ થતો હોય એવું લાગ્યું.
એપોઇન્ટમેન્ટ્સ બ્લુ પેનથી લખાયેલી. બાકીનું લખાણ કાળી પેનથી. કરણે ડાયરી હાથમાં લીધી. ડાયરીમાં નોંધાયેલા છેલ્લા દિવસની એપોઇન્ટમેન્ટ્સ જોઈ. નાટકના રિહર્સલ્સના સમય નોંધવા ઉપરાંત માત્ર ત્રણ એન્ટ્રી હતી. બ્લુ રંગે રંગાયેલાં ત્રણ નામ. અંજલિ, શશાંક અને ભરત. ત્રણેય નામ સામે સમય નોંધાયેલો. અંજલિ સામે સવારના દસ. શશાંક સામે બપોરના બે અને ભરત સામે સાંજના ચાર.
`સર, તપાસ તો પૂરી થઈ...' જયરાજ અને દેવકી એકસાથે બોલી ઊઠ્યાં : `આ તો ચોખ્ખો આપઘાતનો જ કેસ છે..' પરંતુ કરણ બક્ષીને કરણ દાઢીએ હાથ પસવારતા ગણગણી રહ્યો. કહેવું પડશે, ખૂની અત્યંત ચતુર છે. અતિશય ચાલાકીથી ખૂન કર્યું છે એણે...
`સર, કેવું ખૂન ને કેવો ખૂની...' જયરાજ બોલી ઊઠ્યો. ઈન્સ્પેક્ટર કરણ બક્ષી પોતાના સાથીઓ પર ધોંસ જમાવવામાં ન માનતો. જુનિયરોને વિચારો વ્યક્ત કરવાની મોકળાશ આપેલી, એટલે જયરાજ કહી રહ્યો : `સર, કેદારનું મૃત્યુ ખૂન કેવી રીતે હોઈ શકે...' જયરાજ બોલી રહે ત્યાં જ દેવકીએ ટાપસી પૂરી : `હા સર, કમરાના કમાડ તો ભીતરથી બંધ હતાં. આપણે જ તો દરવાજો તોડેલો. વળી કેદારના આપઘાતની ચિઠ્ઠી પણ પડેલી છે. હવે તમે જ કહો કે આ બંધ બારીબારણાના કમરામાં ખૂની આવે ક્યાંથી ને જાય ક્યાંથી?'
`એ જ તો શોધવાનું છે...' કરણ બક્ષી કહી રહ્યો : `અત્યંત ચાલાક ખૂની સાથે આપણો પનારો પડ્યો છે. પણ ખૂની એ નથી જાણતો કે એ ચાલાક છે તો આપણે મહાચાલાક છીએ.'
ઈન્સ્પેક્ટર કરણ બક્ષીનું નિવેદન સાંભળીને જયરાજ અને દેવકી વિચારમાં પડ્યાં. ધીમે ધીમે બેયના મનમાં પ્રકાશનો ઝબકારો થયો. બંનેને કરણના નિવેદનનો અર્થ સમજાવા લાગ્યો. કોઈ વ્યક્તિ ટેલિફોનના વાયરનો ફંદો કચકચાવીને મૃત્યુ થાય ત્યાં સુધી પોતાના ગળા ફરતે ભીંસી શકે કે કેમ એ તપાસનો વિષય હતો. વળી કેદારની આપઘાતની ચિઠ્ઠી પેન્સિલથી લખાયેલી, પણ કમરાની તપાસમાં પેન્સિલ મળી નહોતી. એટલે જરૂર કોઈએ કેદારનું ખૂન કર્યું હતું !
દેવકી અને જયરાજ કંઈ બોલે ત્યાં તો કરણે કેદારના મોબાઈલમાંથી અંજલિ, શશાંક અને ભરતનો નંબર શોધીને ત્રણેયને કેદારને ઘેર બોલાવી લીધાં. થોડી જ વારમાં ત્રણેય આવી પહોંચ્યાં. કરણ બક્ષીએ ત્રણેયને ઝીણી નજરે જોઈ લીધાં. સપ્રમાણ દેહ ધરાવતી અંજલિ ખૂબસૂરત હતી. કચકડામાંથી કંડારી કાઢી હોય એવી. રંગમંચની દુનિયામાં નવી નવી પ્રવેશેલી. ચહેરા પર માસૂમિયત.
ભોળી આંખો ચકળવકળ ઘુમાવી રહેલી. કેદારના નવા નાટક ધુમ્મસનો દિગ્દર્શક શશાંક ગોળમટોળ ને ભરાવદાર બાંધાનો હતો. એના હોઠ પર સ્મિત રમી રહેલું. નાટકોમાં ખલનાયકની ભૂમિકા ભજવતા કદાવર, ઊંચાપહોળા ને પડછંદ ભરતનો ચહેરો લાકડામાંથી કોતરી કાઢ્યો હોય એવો જણાયો. એ શારીરિક રીતે ઉપસ્થિત હતો, પણ માનસિક રીતે ગેરહાજર હોય એવું પોલીસ ત્રિપુટીને અનુભવાયું.
`તમે ત્રણેય આજે કેદારને મળેલાં ?' ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ ત્રણેય સામે જોઈને ધારદાર અવાજે પૂછી લીધું : `સાચેસાચું બોલજો. મળેલાં કે નહીં ?'
`હા સાહેબ...' અંજલિ બોલી : `હું સવારે દસ વાગ્યે કેદારને મળવા આવેલી. પહેલી જ વાર કેદારને ઘેર આવેલી. અમે `ચક્રવ્યૂહ' નાટકમાં સાથે કામ કરી રહેલાં. એના રિહર્સલ માટે કેદારે મને બોલાવેલી... રિહર્સલ કરતાં કરતાં ત્રણચાર કલાક થઈ ગયા. એટલી વારમાં શશાંકજી આવી ગયા. એમને જોઈને હું નીકળી ગઈ...પણ તમે આ બધું અમને શેના માટે પૂછી રહ્યા છો ? કેદાર ક્યાં છે ?'
અંજલિનો સવાલ સાંભળ્યો, ન સાંભળ્યો કરીને કરણ બક્ષીએ શશાંક સામે જોયું. એ નજરનો અર્થ પારખીને શશાંકે જવાબ આપ્યો : `હા, ઈન્સ્પેક્ટર... હું બપોરના બે વાગ્યે આવેલો કેદારને મળવા. કેદાર સાથે હું ધુમ્મસ નામનું નાટક શરૂ કરી રહેલો. નાટક અંગે ચર્ચા કરવા માટે હું કેદારને મળવા આવેલો. લાંબી ચર્ચા કર્યા બાદ પછી ચારેક વાગ્યે ભરત આવી પહોંચ્યો ને હું વિન્ટેજ વિલામાંથી નીકળી ગયેલો.'
`તમારે શું કહેવું છે, ભરત?' ઈન્સ્પેક્ટર બક્ષીનો તલવારની ધાર જેવો સવાલ સાંભળીને ભરત સમસમી ઊઠ્યો. કડકાઈથી કહેવા લાગ્યો : `બસ, આટલું પૂછવા તમે અમને અહીં બોલાવ્યાં છે ? અમને પૂછવાને બદલે કેદારને જ પૂછી લ્યો ને. કેદાર, ઓ કેદાર... આ ઈન્સ્પેક્ટરને જણાવ ને કે તેં મને કેમ બોલાવેલો.'
`કેદાર મૃત્યુ પામ્યો છે !' કરણ બક્ષી બોલ્યો. જાણે કાન પાસે ધડાકો થયો હોય એમ અંજલિ, શશાંક અને ભરત હચમચી ઊઠ્યાં. શું ? કેદારનું મૃત્યુ થયું? ક્યાં, ક્યારે, કેવી રીતે ? કેટલાયે સવાલો ત્રણેયના મનને ઘેરી વળ્યાં. પણ કરણ બક્ષીના આંખના સંકેતને સમજીને ભરત પટપટ બોલવા માંડ્યો: `હું અને કેદાર `ભેદના ભરમ' નામનું નાટક કરી રહેલા. હું નાટકની પટકથા લઈને આવેલો.
પટકથામાં ફેરફાર કરવો હોય તો હું સાથે પેન્સિલ રાખતો. અમે ચર્ચા કરી રહેલાં ત્યારે મારી નોટબુકમાંથી પાનું ફાડીને મારી જ પેન્સિલથી કેદારે થોડાંક વાક્યો ઉતારી લીધેલાં. એ તો હજુ થોડું લખવા માગતો હતો, પણ એટલામાં કેશવ આવ્યો અને કેદાર પાસે રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યો. કેદારે એને ટાળવાની કોશિશ કરી, પણ એ હટ્યો નહીં. એથી હું જ નીકળી ગયો.'
`પત્યું. પેન્સિલવાળું રહસ્ય તો ખૂલી ગયું. આપઘાતની ચિઠ્ઠીના પેન્સિલવાળા લખાણ અંગે હવે કાંઈ કહેવાપણું રહેતું નથી...' દેવકી જયરાજને કહી રહી.
`હા, અને એ ચિઠ્ઠી પણ આપઘાતની નહોતી...' જયરાજે સૂર પુરાવ્યો : `એ તો નાટકનો સંવાદ હતો. એટલે કેદારનું ખૂન થયું છે એ નક્કી.'
દેવકી અને જયરાજની ગપસપ ચાલી રહેલી ત્યારે કરણ બક્ષીએ કેશવની આંખમાં આંખ પરોવીને પૂછ્યું : `તું કહે...આ ત્રણેય સાચું બોલે છે?'
`સાહેબ, આ ત્રણેય આજે આવેલાં એ વાત સાચી છે...' કેશવ જોખી જોખીને કહી રહ્યો : `શશાંકજી આવ્યા ત્યારે અંજલિને જતાં મેં જોયેલી, પણ શશાંક અને ભરત ક્યારે અહીંથી નીકળ્યા એ મને ખબર નથી. હું તો ચાનાસ્તા તૈયાર કરવા મોટા ભાગનો સમય રસોડામાં હતો.'
`અને કેશવ, કેદાર પાસે રૂપિયાની માગણી કરવા બાબત તારે શું કહેવું છે ?' જયરાજે પૂછ્યું.
`સાહેબ, હું ગામડેથી કેદારની સાથે જ આવેલો...' કરણે નોંધ્યું કે થોડી વાર પહેલાં કેદાર માટે સાહેબનું સંબોધન કરનાર કેશવ એના માટે તુંકારો કરી રહેલો. કેશવ કહી રહેલો : `એ નાટકમાં સફળ થઈ ગયો ને મને મિત્રમાંથી નોકર બનાવી દીધો. એના ઘરની દેખરેખ માટે રાખી લીધો.મજબૂરીનો માર્યો હું પણ અહીં જ રહી પડ્યો. સંપૂર્ણ વફાદારીથી હું મારૂ કામ કરતો. પણ હમણાં મારી માના ઈલાજ માટે મારે દસ હજાર રૂપિયાની જરૂર હતી.
બેત્રણ દિવસથી હું કેદાર પાસે રૂપિયાની માંગણી કરી રહેલો. પણ એણે મને ધરાર ના પાડી દીધી. પણ હું ગરજવાન હતો. ગરજવાનને અક્કલ ના હોય. ગામડેથી વારંવાર ફોન આવી રહેલા, એથી હું ફરી કેદાર પાસે રૂપિયા માગવા ગયો. પણ એ ટસથી મસ ના થયો.' `એટલે તેં એનું ખૂન કરી નાખ્યું ?' કરણ બક્ષીએ અંધારામાં જ તીર તાક્યું. લાગ્યું તો તીર નહીં તો તુક્કો! અંજલિ, શશાંક અને ભરત પર શંકા કરી શકાય એવું કોઈ કારણ દેખાતું નહોતું. વળી ત્રણેયને ખબર પણ નહોતી કે કેદારનું ખૂન થયું છે !
`સાહેબ, રૂપિયા માંગવાનો અર્થ એ નથી કે મેં એનું ખૂન કર્યું છે !' કેશવની આંખમાં રતાશ ફૂટી: `વળી કેદાર તો આપઘાત કર્યાની ચિઠ્ઠી પણ મૂકતો ગયો છે. તો તમે મારા પર ખૂનનું આળ કેવી રીતે મૂકી શકો?'
`કેદારે આપઘાત કર્યો નથી.' કરણ બક્ષીએ તીક્ષ્ણ સ્વરે કહ્યું : `એ ચિઠ્ઠી નાટકના સંવાદનો ભાગ હતી એ પુરવાર થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે કેદારનું ખૂન થયું છે. અંજલિ, શશાંક અને ભરત પાસે ખૂન કરવાનું કોઈ કારણ નથી. એટલે એ ખૂન તેં જ કર્યું હોઈ શકે, કેશવ.'
`તો તમે સાબિત કરો કે ખૂન મેં જ કર્યું છે !' કેશવના ચહેરા પર હિંસક પ્રાણી જેવા ભાવ ઊપસી આવ્યા. ઘુરકાટ કરતો હોય એમ એ બોલ્યો : `ઈન્સ્પેક્ટર સાહેબ, તમે જોયું છે કે કેદારના કમરાના બારીબારણાં ભીતરથી બંધ હતાં. તમે કહ્યું એમ જો હું ખૂની હોઉં તો ખૂન કરીને બંધ કમરાની ભીતરથી બહાર કેવી રીતે ગયો એ તમારે અદાલતમાં જણાવવું પડશે. એવામાં તમે સાબિત કેવી રીતે કરશો કે મેં એનું ખૂન કર્યું છે ?'
કરણ બક્ષી, જયરાજ અને દેવકીને કપાળે કરચલી ઊપસી આવી. કેશવનો મુદ્દો સાચો હતો. ખૂની નજર સામે હતો પણ પુરાવો નહોતો. પુરાવો મેળવવો જરૂરી હતું. માનસિક દબાણ હેઠળ માણસનું મગજ અત્યંત સક્રિય થઇ જાય છે. પોલીસ ત્રિપુટી સાથે પણ એવું જ થયું. ત્રિપુટીને થોડા સમય અગાઉ જોયેલી એક ફિલ્મનું દૃશ્ય યાદ આવ્યું. એ દૃશ્યનું સ્મરણ થતાં ધુમ્મસનું આવરણ ખસી ગયું.
કરણ બક્ષી સપાટ અવાજે કહી રહ્યો : `કેશવ, તારો ખેલ પૂરો થયો. તેં રચેલું ચક્રવ્યૂહ અમે ભેદી લીધું છે. હવે સાંભળ. કેદારના કમરાની એક બારીની કડી ઢીલી છે. જોરથી બંધ કરતાં એની કડી આપોઆપ જ બંધ થઈ જાય. એ બાબતને ધ્યાનમાં રાખીને તેં યોજના ઘડી. કેદારે રૂપિયા આપવાની ના પાડી.
એટલે ભરતના ગયા પછી તેં કમરાનાં કમાડ ભીતરથી વાસી દીધાં. ટેલિફોનના વાયરનો ગાળિયો બનાવીને એનું ખૂન કરી નાખ્યું. પેલા નાટકના સંવાદના લખાણને આપઘાતની ચિઠ્ઠી બનાવીને મૂકી દીધી. પછી પેલી બારીમાંથી બહાર નીકળ્યો ને ધડામ દઈને બારી વાસી સીધી. એ સાથે પેલી ઢીલી કડી નીચે પડી ને બારી ભીતરથી બંધ થઈ ગઈ...કહે, એમ જ કર્યું છે ને ?'
`સાહેબ, એ રીતે તો અંજલિ, શશાંક અને ભરત પણ ખૂન કરી શકે ?' કેશવ નમતું જોખવા તૈયાર નહોતો.
`જરૂર કરી શકે...' કરણ બક્ષી ઠંડકથી કહી રહ્યો : `પણ એ ત્રણેયે એવું કર્યું નથી. કારણ કે અંજલિ પહેલી જ વાર અહીં આવેલી. એટલે સ્વાભાવિક જ એને બારીની ઢીલી કડી વિશે ખબર નહોતી. શશાંક અને ભરત પણ આવી બાબત અંગે જાણતા હોય એ સંભવ નથી. છતાં માની લઈએ કે એ લોકો જાણતા હશે. પણ એ બેય પેલી બારીમાંથી પસાર થઈ શકે એમ નથી. કારણ એ બેય પડછંદ, કદાવર અને ભરાવદાર બાંધાના છે.
એ લોકો બારીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો એમાં ફસાઈ જાય. એટલે એમણે ખૂન કર્યું હોવાની શક્યતાનો છેદ ઊડી જાય છે. પણ તારો બાંધો એકવડો છે. તું બારીની ઢીલી કડી અંગે જાણતો હતો. ખૂન કરીને બારીમાંથી સહેલાઈથી બહાર નીકળી શકે એમ હતો. તેં એમ જ કર્યું. ખૂન કરીને એને આપઘાતનું રૂપ આપી દીધું. બોલ, ખં કે ખોટું?'
કેશવ નીચું જોઈ ગયો. ભેંસનાં શિંગડાં ભેંસને ભારે પડે એમ એની ચાલાકી એને જ ભારે પડી ગયેલી. ને કરણ બક્ષીનો તુક્કો તીર બનીને ધાર્યું નિશાન વીંધી શકેલું!
આવતા અઠવાડિયે નવી કથા