Sun Apr 19 2026

Logo

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સઃ ભેદ

4 weeks ago
Author: Tina Doshi
Article Image

 

ટીના દોશી 

નવા ઘરમાં રહેવા આવ્યાને અરુણ અને ઈલાને અઠવાડિયું થઈ ગયેલું. પાંચ વર્ષ ભાડાના ઘરમાં રહ્યા બાદ પોતાનું કહેવાય એવું ઘર લઈ શકેલા. સઘળી કમાણી ઘરમાં સમાણી. પણ ઘરનું ઘર થઈ ગયું. સપનાનું ઘર. ઈલાને નવું ઘર ખૂબ ગમી ગયેલું. ફર્નિચર સાથેનું બેઠા ઘાટનું ચાર કમરાનું ઘર. દીવાનખંડ, બે બેડરૂમ અને રસોડું. ઘરમાં દાખલ થઈએ એટલે નાની ઓસરી આવે. ઓસરીમાં જ બધા કમરાના બારણાં ઉઘડે.

ભીતરથી પણ કમરા એકમેક સાથે જોડાયેલા. સામેનું બારણું દીવાનખંડમાં ખૂલે. જમણી બાજુનાં બે બારણાં બે શયનખંડમાં ખૂલે. ડાબી બાજુનું બારણું રસોડામાં ખૂલે. દીવાનખંડમાં જમણીડાબી બાજુના બારણાં બેડરૂમમાં અને રસોડામાં ખૂલે. બે બેડરૂમને જોડતો એક દરવાજો. બધા કમરામાં પાછલી બાજુ ખૂલતો દરવાજો પણ ખરો. પાછળના દરવાજા પાછલા આંગણામાં ખૂલતા.  

ઘરની ચારેબાજુ પ્રદક્ષિણા કરી શકાય એવી ખુલ્લી જગ્યા. આગળ નાનકડું આંગણું. ફરતે ક્યારીઓમાં ફૂલછોડ  રોપી શકાય. ઘરની પાછલી બાજુ પણ આંગણું. શાકભાજી ઉગાડી શકાય. માથે અગાસી. ઠંડીના દિવસોમાં આંગણામાં તાપણું કરીને શરીર શેકી શકાય. ગરમીમાં આંગણામાં તો બેસી જ શકાય, પરંતુ અગાસીનો આનંદ પણ લઈ શકાય. અગાસીમાં ગાદલાં નાખીને ખુલ્લા આસમાન નીચે તારા ગણતાં ગણતાં સૂઈ શકાય. 

ઘરની દીવાલે નેમપ્લેટ લગાવેલી: અરુણ- ઈલા. એના પર સંતોષની નજર ફેરવીને ઈલાએ આંગણામાં તુલસીક્યારો રોપ્યો. દીવો કર્યો. ભીના વાળમાં આંગળાં ફેરવી લઈને સમગ્ર ઘરને બાથમાં ભરી લેવા માગતી હોય એમ ઈલાએ બંને હાથ પહોળા કર્યા. એટલામાં અરુણની બૂમ સંભળાઈ. ઈલા ઘરમાં દોડી ગઈ. રસોડાનો સરસામાન તો ગોઠવાઈ ગયેલો. પણ ઘરનું થોડુંઘણું રાચરચીલું ગોઠવવાનું બાકી હતું. ચા પીતાં પીતાં અરુણ અને ઈલાએ મળીને ઝટપટ સામાન ગોઠવી દીધો. ગેલેક્સી કોર્પોરેટ કંપનીમાં કામ કરતા અરુણની રજા પૂરી થઈ ગયેલી. એટલે તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયો.  

અરુણના ગયા પછી પણ ઈલા પગ વાળીને બેઠી નહીં. નાનુંમોટું કામ આટોપી લીધું. ઈલા એક એક કમરામાં ઘૂમી વળી. ઘરમાં લગભગ બધું જ ગોઠવાઈ ગયેલું. હવે કાંઈ બાકી રહ્યું નથી. ઈલાએ રાહતનો શ્વાસ લીધો. ચા પીવાની શોખીન ઈલાએ ફરી ગરમાગરમ કડક ચા બનાવી. ચાનો પ્યાલો લઈને ઓસરીમાં આવી. ઝૂલા પર ગોઠવાય ત્યાં તો એની નજર આંગણામાં પડેલાં પરબીડિયાં પર પડી. 

ઈલાને નવાઈ લાગી. પોતે તુલસીક્યારે દીવો કર્યો ત્યારે તો આંગણામાં કાંઈ નહોતું. ક્યાંથી હોય? ગણતરીના સગાંસંબંધીઓ અને મિત્રો સિવાય કોઈને નવા ઘર વિશે જણાવ્યું જ નહોતું. વળી આજના મોબાઈલ ફોનના જમાનામાં તો લેન્ડલાઇન પણ બંધ થઇ ગયા છે. ફોનથી જ વાતચીતનો વ્યવહાર પતી જાય છે. એવા સંજોગોમાં આ પરબીડિયું કોણ નાખી ગયું હશે... કોઈ ભૂલથી તો નહીં નાખી ગયું હોય ને ?

ઈલાએ પરબીડિયું ઉઠાવ્યું. પરબીડિયાં પર ગરબડિયા અક્ષરોમાં નામ લખેલું. અરુણકુમાર. બસ, બીજું કાંઈ જ નહીં. ઈલાએ પરબીડિયું આગળપાછળ ફેરવી ફેરવીને જોયું. ન મોકલનારનું નામ, ન સરનામું. ન પોસ્ટખાતાનો સિક્કો. એનો અર્થ એ થયો કે કોઈ બીજું જ આંગણામાં પરબીડિયું નાખી ગયું છે. કોણ નાખી ગયું હશે એ વિચારતાં વિચારતાં ઈલાએ પરબીડિયું ખોલ્યું. ભીતરથી કાગળની ગડી કરેલી કાપલી સરકી પડી. ઈલાએ કાપલી ખોલી. એમાં માત્ર ત્રણ લાઈનનું લખાણ હતું : આ ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે. જીવ વહાલો હોય તો બને એટલી ઝડપથી ઘર ખાલી કરી નાખો. નહીંતર ભૂતના પરચા માટે તૈયાર થઈ જજો..

લખાણ થોડું ડરામણું હતું, પણ ઈલા ડરી નહીં. એ ભણેલીગણેલી હતી. અંધશ્રદ્ધામાં માનતી નહીં. ભૂતપ્રેતમાં એને વિશ્વાસ નહોતો. કોઈએ મજાક કરવા કે પછી ડરાવવા આવું પરબીડિયું મોકલ્યું હોવું જોઈએ એવું એને લાગ્યું. દિવસ દરમિયાન તો કામકાજમાં ગૂંથાઈને એ પરબીડિયાં વિશે ભૂલી જ ગઈ, પણ સાંજે અરુણ ઘેર આવ્યો ત્યારે વળી પરબીડિયું યાદ આવ્યું. ઈલાએ અરુણને પરબીડિયાંની વાત કરી. લખાણ વાંચીને અરુણે વાત હસવામાં ઉડાડી દીધી. આવું બધું મન પર નહીં લેવાનું. ઈલાએ આમેય મન પર નહોતું લીધું. ગમતા ઘરને છોડીને એ ક્યાંય જવાની નહોતી. 

ઘટનાને બેત્રણ દિવસ વીતી ગયા. ખાસ કાંઈ બન્યું નહીં. પણ ચોથી રાત્રે અરુણને ભૂતનો પરચો મળી ગયો. બન્યું એવું કે અડધી રાત્રે અરુણની આંખ ખૂલી ગઈ. બેડરૂમની બત્તી બંધ હતી, પણ બહાર રસ્તા પર થાંભલે થાંભલે વીજળીના દીવા બળતા હતા. એ દીવાનો પ્રકાશ બેડરૂમની બારી પર પડી રહેલો. બારી પર અરુણની નજર પડતાં જ એ ચમકી ગયો. બારીના કાચ પર ખોપરી અને પંજાના નિશાન સાથે ઊપસી આવેલા લખાણમાં લખેલું: અંતિમ ચેતવણી. જીવ વહાલો હોય તો ઘર છોડીને ચાલ્યા જાવ... અરુણ હેબતાઈ ગયો. એની ઊંઘ ઊડી ગઈ. રાતભર પાસાં બદલતો રહ્યો. આવી તે મજાક કરાય. કાચોપોચો માણસ તો ડરીને ઘર છોડી દે. પણ પોતે ક્યાં ડરે છે?

સવારે અરુણે ઈલાને વાત કરી. એ ગભરાઈ નહીં. એને તો ઘરનું વળગણ થઈ ગયેલું. એણે લખાણ ભૂંસીને  અરુણને કહ્યું : આપણે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. જરૂર પડશે તો પોલીસમાં ફરિયાદ કરીશું. અરુણ સંમત થયો. રાત ગઈ. વાત ગઈ. ઈલા અને અરુણ પોતપોતાના કામમાં પરોવાયાં. ચારપાંચ દિવસ વીતી ગયા. બધું યથાવત ચાલતું રહ્યું. અઠવાડિયાં પછી ફરી એક ઘટના બની. 

બન્યું એવું કે બપોરના સમયે ઈલા ઘરનું કામકાજ આટોપીને મેગેઝિન વાંચવામાં પરોવાયેલી, ત્યારે સેલફોનની ઘંટડી રણકી. ઈલાએ જોયું તો મોબાઈલ સ્ક્રીન પર અજાણ્યો નંબર. ફોન લેવો ન લેવાની ગડમથલમાં ગૂંથાઈ. પણ ફોન રણકતો બંધ ન થયો. આખરે ઈલાએ ફોન ઉઠાવ્યો. સામે છેડેથી કોઈ કહી રહેલું: `કોન્ગ્રેચ્યુલેશન્સ ઈલામેડમ...હું લોટરી એન્ટરપ્રાઈઝમાંથી બોલું છું. અમારા લકી ડ્રોમાં તમને બે વ્યક્તિ માટેની ત્રણ દિવસ અને બે રાતની ગોવા પ્રવાસ માટેની લોટરી લાગી છે. તો બોલો, ક્યારે ગોવા ટ્રીપ માટે જવાનું પસંદ કરશો ?'

`એ હું પછી જણાવીશ.' ઈલા આવા ટેલિફોનિક ફ્રોડ વિશે જાણતી હતી: `પહેલાં તો એ કહો કે મારો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો ?'

`ઓહ મેડમ...' સામો છેડો મધુર સ્વરે ગૂંજી રહ્યો: `આ ડિજિટલ વર્લ્ડ છે. એમાં દરેક માહિતી આંગળીને ટેરવે મળી જ રહે છે. આપ જણાવો કે આપનું બુકિગ આજનું કરું કે કાલનું ?'

`આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ..' ઈલાએ ફોન બંધ કરી દીધો ને પછી મેગેઝિન વાંચવામાં પરોવાઈ ગઈ.

સાંજે અરુણ સાથે વાત કરી. ગોવા ટ્રીપ વિશે સાંભળીને અરુણ વિચારમાં પડ્યો. નવા ઘરમાં રહેવા આવ્યાને મહિનો પણ પૂરો થયો નહોતો. એટલામાં તો કેટલા વિચિત્ર બનાવ બની ગયેલા. પરબીડિયું, બારીના કાચ પર લખેલી ધમકી અને હવે ગોવા ટ્રીપ... કોણ જાણે હજુ કેવા કેવા અનુભવ થશે!

ગોવાવાળા ફોનને દસેક દિવસ વીતી ગયેલા. બીજો કોઈ નોંધપાત્ર અનુભવ થયો નહોતો.પણ અગિયારમે દિવસે વળી અનોખો અનુભવ થયો. એ દિવસે રવિવાર હતો. અરુણ અને ઈલા સાંજે પાંચેક વાગ્યાના સુમારે ઘરની આગળના આંગણામાં નેતરની ખુરસીઓ ઢાળીને ચા પીતાં બેઠેલાં. સાથે સ્વાદિષ્ટ ઉપમા. ચાનાસ્તો કરી રહ્યાં એટલામાં એક માણસ મકાનના ઝાંપામાંથી ભીતર દાખલ થયો. બ્લુ ચેક્સના શર્ટ સાથે ડાર્ક બ્લુ પેન્ટ. આંખે બ્લેક ફ્રેમનાં ચશ્માં. જમણા હાથમાં ગ્રે રંગની એટેચી. ઝાંપો ખોલીને સીધો જ અરુણ પાસે આવીને સામે પડેલી નેતરની ખુરસીમાં ગોઠવાઈ ગયો. ઈલાએ કીટલીમાંથી પ્યાલામાં ચા રેડી. પ્યાલો મહેમાન સામે ધર્યો. એક પ્લેટમાં ઉપમા. 

`હું સુનીલ શર્મા...' મહેમાને ચાનો પ્યાલો લઈને કહ્યું: `આપ મને નહીં ઓળખતા હો, અરુણભાઈ. પણ હું આપને સારી પેઠે ઓળખું છું. હું આપની પ્રતિસ્પર્ધી કંપની ગ્લોબલ કોર્પોરેશનનો મેનેજર છું. છેલ્લા ઘણા વખતથી હું આપની કામગીરી નિહાળી રહ્યો છું. આપની મહેનતે ગેલેક્સીને ખરેખર ગેલેક્સીમાં પહોંચાડી દીધી છે. કંપનીનો નફો અનેકગણો વધી ગયો છે.'

`આભાર...' અરુણે પ્રશંસાનો સ્વીકાર કર્યો. દરમિયાન ઈલા અજાણ્યા મહેમાનને નિહાળી રહી. વ્યક્તિત્વ પ્રભાવી કહી શકાય એવું તો નહોતું જ. સાધારણ દેખાવ. ઘેરા બદામી વર્ણના સુનીલે ચીબા નાક પર ચડાવેલાં ચશ્માં પાછળ છુપાયેલી કાળી આંખોમાંથી ખંધાઈ ટપકી રહેલી. ચિબાવલો નહીં તો. માથા પરના પાંખા વાળમાં ડાય કરેલી અથવા તો કલર કરેલો. કલર જ કર્યો લાગે છે. 

મોં પર આછાં દાઢીમૂછ. નકલી તો નહીં હોય ! ઈલાને આ માણસ ન ગમ્યો. કમસે કમ મેનેજર જેવો તો નથી જ લાગતો. ઈલા મનમાં જ ગણગણી. બિલો એવરેજ! એટલામાં સુનીલ બોલ્યો : `અરુણભાઈ, આપની કામગીરીથી પ્રભાવિત થઈને આજે હું આપની સમક્ષ એક ઓફર લઈને આવ્યો છું..'

`ઓફર...' અરુણ ચોંક્યો : `શેની ઓફર ?' 

`અમારી કંપનીમાં જોડાવાની ઓફર...' સુનીલ બોલ્યો. અચાનક ઈલાને ભાન થયું કે એનો અવાજ જરાય કર્ણપ્રિય નહોતો. એ કહી રહેલો: `તમારી કંપનીમાં તમારી કદર થતી હોય એવું લાગતું નથી. અમે તમને જનરલ મેનેજરનો હોદ્દો આપીશું. સેલેરી પણ ડબલ. શોફર ડ્રીવન કાર અને રહેવા માટે આલીશાન બંગલો.'

`અમે આ ઘર છોડીને ક્યાંય જવાના નથી...' ઈલાના સ્પષ્ટ બોલમાં અણગમો ઉપસી આવ્યો. 
`મેડમ, હું આ ઘર છોડીને જવાનું કહેતો પણ નથી....' સુનીલે વાતને વાળી લેતાં કહ્યું: `હું તો માત્ર અમારી ઓફર વિશે કહી રહેલો. તમારે ક્યાં રહેવું એ તો તમારે જ નક્કી કરવાનું છે. મારૂ એટલું જ કહેવું છે કે અમારી કંપનીમાં તમાં ભવિષ્ય ઉજ્જવળ છે. ઉજ્જવળ કરતાં પણ સોનેરી શબ્દ વધુ યોગ્ય છે.'

`મને વિચારવા માટે સમય આપો..' અરુણે બલા ટાળતો હોય એમ સંયમિત સ્વરે કહ્યું.
`ઠીક છે. તમે વિચારી લ્યો. હું બે દિવસ પછી તમારો સંપર્ક કરીશ...' સુનીલે ઊભા થતાં કહ્યું : `પણ હા, એક વાત છે. તમારે ફોર્માલિટી ખાતર ઈન્ટરવ્યુ માટે અમારા હેડક્વાટર્સ આવવું પડશે. હેડક્વાટર્સ બીજા શહેરમાં છે. એટલે તમારે બંનેએ માત્ર એક દિવસ માટે આવવું પડશે. બોસ બંનેને મળશે. એ માને છે કે બોસે એના કર્મચારીઓને પણ મળવું જોઈએ. આવવાજવા માટેની રેલવે ટિકિટનો બંદોબસ્ત હું કરી દઈશ. એક દિવસ જવાનો. બીજે દિવસે પાછા. તમે કંપનીમાં જોડાઈ જાવ એટલે આ શહેરની ઓફિસમાં તમે કામ કરી શકશો. આ જ ઘરમાં રહીને.' 

`હું વિચારીને કહીશ..' અરુણે ઊભા થઈને સુનીલને વિદાય આપી. 
સુનીલ ઝાંપામાંથી બહાર નીકળ્યો કે તરત જ ઈલા બોલી: `અરુણ, મને આ માણસ જરાય ગમ્યો નથી. તું એને ના કહી દે. આપણે નથી કરવી એની નોકરી.'

`મારે પણ એની નોકરી કરવી નથી, ઈલા...' અરુણ કહી રહ્યો : `પણ મને લાગે છે કે એની ઓફર પાછળ કોઈ મોટો ભેદ છુપાયેલો છે. એ ભેદ જાણવો જોઈએ. હું તેજસ્વી છું, એ મને ખબર છે. પણ એ કહે છે એટલો નહીં. છતાં એ આવી રીતે સીધો જ ઓફર લઈને ચાલ્યો આવે એ મારે ગળે ઊતરતું નથી. તેલ જોઈએ, તેલની ધાર જોઈએ. બાકી તો પડશે એવા દેવાશે!'

અરુણની વાત પૂરી થઈ ત્યાં તો ફરી ઝાંપો ખખડ્યો. ઈલા અને અરુણે આવનાર સામે જોયું અને ખુશીથી ઝૂમી ઊઠ્યાં. અરુણ તો મહેમાનને ભેટી જ પડ્યો : `અરે યાર.. વ્હોટ એ સરપ્રાઈઝ. તું અચાનક ક્યાંથી ?

એ બીજું કોઈ નહીં, ઈન્સ્પેક્ટર કરણ બક્ષી હતો. અરુણ અને ઈલાનો કોલેજકાળનો મિત્ર. ઘણા દિવસે મળ્યાં એટલે મિત્રત્રિપુટી અલકમલકની વાતો કરવામાં ગૂંથાયાં. તને સાંભરે રે મને કેમ વીસરે રે...નો દોર ચાલ્યો. કરણ કહી રહ્યો : `તેં નવા ઘરનું સરનામું ટેક્સ્ટ કરેલું. એટલે તને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. વળી આજે મારી ડ્યૂટી નહોતી. બસ, આવી પડ્યો.'

`અમારી તો સાંજ સુધરી ગઈ...' ઈલા રસોડામાં જતાં જતાં બોલી. એણે ઝટપટ કરણને ભાવતી પાઉંભાજી તૈયાર કરી દીધી. ત્રિપુટી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ. જમતાં જમતાં વાતોનો દોર સંધાયો. વાતવાતમાં ઈલા અને અરુણે પોતાને થયેલાં અનુભવોની વાત કરી. પેલા પરબીડિયાંની, કાપલીમાં લખેલી ધમકીની, બારીના કાચ પર લખેલી અંતિમ ચેતવણીની, ગોવા ટ્રીપની લોટરીની અને ગ્લોબલ કંપનીની ઓફરની...વાત પૂરી કરીને અરુણે સહજતાથી કહ્યું : `કરણ, મને લાગે છે કે કોઈ અમારી સાથે મજાક કરી રહ્યું છે...તું શું માને છે?'

`અરુણ, આ મજાક નથી...' કરણ બક્ષીના સ્વરમાં ગંભીરતા ભળી ગઈ: `મને લાગે છે કે કોઈ તમને આ ઘરમાંથી બહાર કાઢવા માગે છે.'

`અમે પણ પહેલાં એમ જ માનતાં હતાં...' ઈલા બોલી : `પરબીડિયામાંની ધમકી અને અરુણે બારી પર જોયેલી અંતિમ ચેતવણી બાદ કહી શકાય કે કોઈ આ ઘર ખાલી કરાવવા માગે છે. પણ પછીનો ત્રીજો ગોવા ટ્રીપનો અને ચોથો નોકરીની ઓફરનો અનુભવ તો તદ્દન જુદો જ છે. એમાં તો ઘર ખાલી કરાવવાની વાત જ નથી. તો કરણ, તું શેના આધારે કહે છે કે કોઈ ઘર ખાલી કરાવવા માગે છે?'

`મેં કહ્યું કે કોઈ તમને બંનેને ઘરમાંથી એક રાત પૂરતા પણ બહાર કાઢવા માગે છે...' કરણનો અવાજ ધીરગંભીર જ હતો : `પહેલી બે વાર તમને સીધેસીધા ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું, પણ પછી જુદી રીતે સારી ભાષામાં કહેવાયું. ત્રીજી વારની ગોવા ટ્રીપમાં બે દિવસ અને ત્રણ દિવસ માટે તમને બંનેને ઘરથી દૂર રાખવાં હતાં. 

નોકરીની ઓફરમાં એક દિવસ માટે તમારે કંપનીના હેડ ક્વાટર્સ જવાની શરત મુકાઈ. એક દિવસ જવાનું. બીજે દિવસે આવવાનું. એટલે કે એક રાત માટે ઘરની બહાર રહેવાનું....એનો અર્થ એ કે જે કોઈ છે એને તમે ઘર ખાલી ન કરો તો વાંધો નથી. એને માત્ર એક રાત પૂરતું ઘર ખાલી જોઈએ છે. અર્થાત આ ઘરમાં કોઈ એવી ચીજ છે જે એને જોઈએ છે.'

`એવું તે શું હોઈ શકે?' અરુણ અને ઈલા પણ ગંભીર બની ગયાં. 

`સોનું, ચાંદી, કોઈ ખજાનો કે પછી બીજું કંઈ પણ હોઈ શકે...' કરણ કહી રહ્યો: `આ ઘર તમે જેની પાસેથી ખરીદેલું એનો નંબર આપો.' અરુણે ગોરધનદાસ બ્રોકરનો નંબર આપ્યો. કરણે નંબર જોડ્યો. સ્પીકર ઓન કર્યું. ફોનનું સંધાણ જોડાયું એટલે પોતાનો પરિચય આપીને કરણે કહ્યું: `ગોરધનદાસ, તમે અરુણકુમારને જે ઘર વેચ્યું તેમાં પહેલાં કોણ રહેતું હતું?'

`સાહેબ, પહેલાં તો ચમનલાલ નામનો ભાડૂઆત રહેતો હતો...' બ્રોકરે કહ્યું.: `કેમ કાંઈ થયું છે?'
`પહેલાં એ જણાવો કે ચમનલાલ કેટલો સમય ભાડે રહેલો?' કરણે પૂછ્યું.

`ભાડું તો એણે આખા વર્ષનું એકસાથે આપી દીધેલું..' બ્રોકર માહિતી આપી રહ્યો : `પણ છ મહિના પછી એ ક્યાંક જતો રહેલો. એનું છ મહિનાનું ભાડું જમા હતું એથી મેં એના પાછા ફરવાની રાહ જોઈ. પણ એ આવ્યો જ નહીં. છના બદલે આઠ મહિના રાહ જોયા પછી પણ એ ન આવ્યો. એટલે મેં ઘર વેચી નાખ્યું.'

`હં.. હવે માત્ર એક સવાલનો જવાબ આપો...' કરણ પૂછી રહ્યો : `ઘરમાં ભૂતપ્રેતનો વાસ હોય કે એવું બીજું કાંઈ ખરું ?'
`ના રે...' બ્રોકરના અવાજમાં આશ્ચર્ય ભળી ગયું : `હું તો આવું પહેલી વાર જ સાંભળું છું. એવો કોઈ અનુભવ થયો કે શું ?'

`ના, ના...આ તો અમસ્તું જ પૂછ્યું...' કરણે ફોન પૂરો કર્યો. પછી મનોમન ભાડૂઆતની રાહ જોયાના આઠ મહિના, અરુણ ને ઈલાને ઘરમાં પ્રવેશ કર્યાનો એક મહિનો અને વધારાનો એક મહિનો મનોમન જોડ્યો. દસેક મહિનાની ગણતરી માંડીને કરણે જયરાજ જાડેજાને ફોન જોડીને કામ સોંપ્યું : `જુનિયર, આજથી દસબાર મહિના પહેલાંનો ક્રાઈમ રેકોર્ડ તપાસી જા. બેંક લૂંટ, જ્વેલરીની લૂંટ કે પછી કોઈ મોટી ઘટના બની હોય તો એની માહિતી બને એટલી ઝડપથી મને જોઈએ છે.'

અરુણ અને ઈલા કરણની કામગીરી નિહાળી રહ્યાં. પૂછું પૂછું થઇ રહ્યાં પણ કરણનો હોઠ ભીડેલો ચહેરો જોઈને કશું પૂછવાનું માંડી વાળ્યું. અડધો કલાક વીત્યો, ત્યાં તો જયરાજે ફોનમાં માહિતી ઠાલવી : `સર, દસેક મહિના પહેલાં સરકારી બેંકમાં ત્રણ કરોડ રૂપિયાની લૂંટ થયેલી. લૂંટના એક-દોઢ મહિના પછી એનો માસ્ટરમાઈન્ડ ચમનલાલ પકડાયેલો. પણ પોલીસ એની પાસે લૂંટની કબૂલાત ન કરાવી શકી. વળી એની પાસેથી લૂંટની રકમ પણ મળી નહોતી. પુરાવાના અભાવે એને એકાદ મહિના પહેલાં છોડી મુકાયો છે.'

`હં, હવે તાળો મળ્યો ખરો...' કરણે કહ્યું : `અરુણ, આ ઘરમાં લૂંટની રકમ છુપાડવામાં આવી છે. લૂંટ કરનાર ચમનલાલ એ રકમ હાથ કરવા માગે છે. એટલે જ ભૂતપ્રેત, ગોવાની ટ્રીપ અને નોકરીની ઓફરનો ખેલ કરાઈ રહ્યો છે.'

`તો હવે..?' અરુણ ડઘાઈ ગયેલો. ઈલા સ્તબ્ધ. `મારા ઘરમાં લૂંટની રકમ ! ક્યાં છુપાવી હશે?'
`એ તો ચોર પોતે જ કહેશે..' કરણ ઈલાના મનની વાત જાણી ગયો: `હવે સુનીલ શર્માનો ફોન આવે એટલે ઓફર સ્વીકારી લેવાની. એક રાત માટે ઘર ખાલી કરી દેવાનું. બીજું બધું હું સંભાળી લઈશ.' 

અરુણ અને ઇલાએ એમ જ કર્યું. સુનીલનો ફોન આવ્યો ત્યારે હેડક્વાટર્સ જવાનું કબૂલ કરી લીધું. રાતની ટ્રેનમાં બેસી ગયાં. રાત્રે દોઢેક વાગ્યે ઘરનું તાળું તોડીને ચમનલાલ ભીતર પેઠો. ટોર્ચના અજવાળામાં દીવાનખંડમાં પાથરેલા ગાલીચાનો છેડો ઊંચો કર્યો. ફર્શ પરથી ચાર પોલી ટાઈલ્સ ઉખેડી. ટાઈલ્સ હેઠળના લાંબાપહોળા ખાડામાં પ્લાસ્ટિકમાં કેદ રૂપિયાના ઢગલા. ચમનલાલ રૂપિયા ઉઠાવે એટલામાં તો દીવાનખંડમાં ચારેકોરપ્રકાશ પથરાયો. ચમનલાલની આંખો સામે હાથકડી ઝૂલવા લાગી. ને કરણનો સત્તાવાહી અવાજ ગૂંજી રહ્યો: `ચમનલાલ, તારો ભેદ ખૂલી ગયો છે. યુ આર અન્ડર એરેસ્ટ!'

દરમિયાન અરુણ અને ઈલા પણ આવી ગયાં. એ બે ચમનલાલને ભ્રમમાં રાખવા દેખાવ ખાતર ટ્રેનમાં બેઠેલાં. પછી ઊતરી ગયેલાં. એમની સાક્ષીએ ચમનલાલે નિવેદન નોંધાવ્યું: `ત્રણ કરોડની લૂંટ ચલાવ્યા પછી હું આ ઘર છોડીને જતો રહેવાનો હતો. પણ એ પહેલાં પોલીસના હાથે પકડાઈ ગયો. છતાં રૂપિયાની હૂંફને સહારે પોલીસની મારપીટ મેં સહન કરી લીધી. લૂંટની કબૂલાત ન જ કરી. વળી મેં રકમ ક્યાં સંતાડેલી એ માત્ર હું જ જાણતો હતો. મારી વિદ્ધ કોઈ પુરાવો નહોતો. 

મને પુરાવાના અભાવે પોલીસે છોડી મૂક્યો ત્યારે હું સીધો જ અહીં આવ્યો. પણ ઘરમાં અરુણકુમાર રહેવા આવી ગયેલા. એથી મેં એમને ડરાવવા ભૂતપ્રેતની વાત ઉપજાવી, બારી પર ચેતવણી લખી. પણ ઈલાએ પોલીસમાં જવાની વાત કરી એટલે મેં યોજના બદલી નાખી. મારે તો લૂંટની રકમ જોઈતી હતી. બાકી ભલેને બેય અહીં રહેતાં. એથી ગોવા ટ્રીપ અને અંતે નોકરીની ઓફર આપવા વેશપલટો કરીને સુનીલ શર્માના નામે હું જ આવેલો. બાકી કોઈ સુનીલ શર્મા છે જ નહીં. મારે તો એક રાત પૂરતું ઘર ખાલી રહે એટલું જ જોઈતું હતું. પણ મારી યોજના પર પાણી ફરી વળ્યું. લટકામાં લૂંટની રકમ પણ મેં ગુમાવી.. ન રહ્યો ઘરનો, ન રહ્યો ઘાટનો !'
આવતા અઠવાડિયે નવી કથા