Fri Apr 17 2026

Logo

અમદાવાદમાં ડિસેમ્બર 2025માં કેટલા દિવસ AQI 300થી વધુ નોંધાયો ? વિધાનસભામાં સરકારની ચોંકાવનારી કબૂલાત

1 month ago
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમદાવાદના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં ડિસેમ્બર 2025માં વાયુ પ્રદૂષણ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો.

ઈમરાન ખેડાવાલાએ શું પૂછ્યું

ઈમરાન ખેડાવાલાએ પર્યાવરણ પ્રધાનને પૂછ્યું, અમદાવાદ શહેરના કયા વિસ્તારોમાં 2025ના કુલ કેટલા દિવસો એવા નોંધાયા હતા કે જમાં પ્રદૂષણની વાયુ ગુણવત્તાનો સૂચકાંક (AQI) 300 કરતાં વધારે હતો અને વાયુ પ્રદૂષણ ઓછું કરવા સરકારે શું ઉપાયાત્મક પગલાં લીધા છે? જેનો જવાબ આપતાં પર્યાવરણ પ્રધાને કહ્યું ,અમદાવાદ શહેરમાં ડિસેમ્બર 2025માં એક પણ દિવસ AQI 300થી વધારે નોંધાયો હતો.

રાજ્યના ચાર મહત્ત્વના શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) - સ્વચ્છ વાયુ અભિયાન અંતર્ગત હવા પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે હેતુસર એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં છે. આ એક્શન પ્લાન અંતર્ગત ઔદ્યોગિક હવા પ્રદૂષણ નિયંત્રણના પગલાં, વાહનોના ધૂમાડાથી થતા હવા પ્રદૂષણ નિયંત્રણના પગલાં, બાંધકામની પ્રવૃત્તિથી થતા હવા પ્રદૂષણ નિયંત્રણના પગલાં, માર્ગ ઉપરના Road Dustથી થતા હવા પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં, ઘરગથ્થુ ગંદા કચરાના દહનને નિયંત્રણના પગલાંનો મુખ્યત્વે વિષયો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ફેક્ટરીઓમાં શ્રમિકોને લઘુત્તમ વેતન મુજબ મહેનતાણું ન મળવાની ફરિયાદ વધી

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાનને અમદાવાદ તથા બનાસકાંઠા જિલ્લામાં આવેલી ફેક્ટરીઓમાં શ્રમિકોને લઘુત્તમ વેતન મુજબ મહેનતાણું ન મળતું હોવાની ફરિયાદો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 01-01-2024 થી 31-12-2024 સુધી અમદાવાદમાં 22 અને બનાસકાંઠામાં 0 ફરિયાદ મળી હતી. જ્યારે 01-01-2025 થી 31-12-2025 સુધી અમદાવાદમાં 32 અને બનાસકાંઠામાં 0 ફરિયાદ મળી હતી. 2025માં અમદાવાદ જિલ્લામાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતાં શ્રમિકોને લઘુત્તમ વેતન મુજબ મહેનતાણું ન મળતું હોવાની ફરિયાદમાં વધારો થયો હતો.