બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
માર્ચ મહિનો પૂરો થવાની આરે છે. વેપારીઓ આ વર્ષ દરમિયાન કેટલું આગળ વધ્યા, ક્યાં પાછા પડ્યા તેનું વિશ્ર્લેષણ કરતા હશે. એકાઉન્ટન્ટ સાથે બેસી કેટલું કમાયા તેની નોંધ ચોપડે તપાસતા હશે. કહેવાય છે કે ગયું તેની વાતો વધારે ના કરતા આવનારા સમયમાં શું કરીશું તેની વાતો કરો.
આપણા દેશમાં ફાઇનાન્શ્યલ વર્ષ એપ્રિલથી માર્ચ ગણાય છે, જયારે બીજા બધા દેશોમાં જાન્યુઆરીથી ડિસેમ્બર ગણવામાં આવે છે. માર્ચ મહિનાનો આ તે સમય છે જયારે નાના-મોટા વેપારી કે પછી કંપની આવતા વર્ષના આયોજનમાં લાગી જાય છે. પાછલાં વર્ષોના આંકડાને જાણી, હયાત પરિસ્થિતિને સમજી આવતા વર્ષનું આયોજન અને બજેટ તૈયાર થાય છે. આપણે તેવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ઓનલાઇન વેપાર મહત્ત્વનું પાસુ છે અને તેના માટે માર્કેટિંગની વ્યૂહરચના અને બજેટનું આયોજન ઘણું જરૂરી છે. વ્યૂહરચના ઘડાતી હોય ત્યારે વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોએ સાથે આવી બિઝનેસ પ્લાનને મધ્યમાં રાખી માર્કેટિંગ અને બ્રાન્ડ કઇ રીતે તેને હાંસલ કરવામાં મદદ કરશે તેની વિચારણા થવી જોઈએ.
માર્કેટિંગ પ્લાન મૂળભૂત રીતે એક બ્લુપ્રિન્ટ છે જે તમારી માર્કેટિંગ વ્યૂહરચના, યુક્તિઓ, માર્કેટિંગ પ્રવૃત્તિઓ, ખર્ચ અને અપેક્ષિત પરિણામોની સમજ આપે. સૌથી મહત્ત્વનું, શું કરવાનું છે તેના કરતાં માર્કેટિંગ પ્લાન એ સુનિશ્ર્ચિત કરે છે કે શું નથી કરવાનું તેની સ્પષ્ટતા રાખો. આયોજન શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બંને રીતે કરી શકાય. તેને એક મહિના, ક્વાર્ટર અથવા આખા વર્ષ માટે બનાવી શકો છો અથવા એમ કહી શકાય કે એક વાર્ષિક લક્ષ્ય નક્કી કરો અને તેને હાસિલ કરવા ક્વાર્ટર પ્રમાણે વિભાજિત કરી શકો.
માર્કેટિંગના આયોજનમાં બજેટની સાથે છેલ્લાં ત્રણ વર્ષના ઉત્પાદન અને કયા સ્થાને અર્થાત્ કઈ સિટીમાં વેચાણ થયું તેની વિગતો, નવાં ઉત્પાદનો અથવા સેવાઓ, તેમજ તેમના ટાર્ગેટ ગ્રાહકોની સૂચિ, વિવિધ માર્કેટપ્લેસની વિગતો, જેમ કે સ્પર્ધકોની સૂચિ, પ્રાદેશિક સીમાઓ, કયા ગ્રાહકો ખરીદી શકશેની યાદી, વર્તમાન વિતરણ / ડિસ્ટ્રિબ્યુશન ચેનલો, વસતિ વિશે ડેટા અને સૌથી અગત્યનું માર્કેટ ટ્રેન્ડ, બજારનું વલણ કઈ તરફ છે ની માહિતી હોવી જરૂરી છે.
આ ઉપરોકત જણાવેલી મહત્ત્વની વાતો ઉપરાંત નવી તકો અને મુશ્કેલીઓની નોંધ લો. તમારી તરફેણમાં અને વિરુદ્ધ કયાં કયાં પરિબળ છે તેના પર ફોકસ કરો. તમે તમારા કયા વ્યવસાયિક ધ્યેયો કેટલી ચોક્કસ સમયમર્યાદામાં (ત્રણ મહિને, છ મહિને, વર્ષે વગેરે) હાંસલ કરવા માંગો છો એની સ્પષ્ટતા રાખો. દરેક ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવું જરૂરી છે. યાદ રાખો માર્કેટિંગ પ્લાન તમારા બિઝનેસ પ્લાનને ધ્યાનમાં રાખીને બનાવો છો, કારણ અંતે તમારે નક્કી કરેલું ટર્ન ઓવર કે નફો પ્રાપ્ત કરવાના છે. આને હાંસિલ કરવા તમારા પ્લાનમાં કઈ માર્કેટિંગ પ્રવૃત્તિઓ અને યુક્તિઓ કરી શકાય તેના આયોજનનો સમાવેશ થવો જોઈએ.
ઉદાહરણ તરીકે:
તમારો ધ્યેય છે નવા પ્રોડક્ટ માર્કેટમાં રજૂ કરી અથવા હયાત પ્રોડક્ટના સહારે અમુક કરોડની કુલ આવક માટે અમુક એકમોનું વેચાણ કરવું... તો આના માટે તમારા ઉદ્દેશ્ય અને યુક્તિ હોઈ શકે આઇટમનો પ્રચાર કરો અને ઈમેલ માર્કેટિંગ અથવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ઓનલાઇન વધુ ગ્રાહકો સુધી પહોંચો, સ્થાનિક અખબારમાં જાહેરાતો ચલાવો, સ્થાનિક સ્ટેશનમાં રેડિયો જાહેરાત કરો કે પછી રિટેલ સ્ટોરમાં પોસ્ટર રાખો વગેરે. આ સ્પષ્ટતા મળ્યા બાદ પ્લાનિંગનું મહત્ત્વનું અંગ એટલે બજેટ, હવે માર્કેટિંગ બજેટ સેટ કરો. આને તમારા ટર્નઓવર સાથે સાંકળો, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલું અપેક્ષિત છે તે નક્કી કરી બજેટ નક્કી કરો. અહીં તમારા પાછલાં વર્ષોના અનુભવ આમાં કામે લગાડો અને ચોક્કસ બજેટ નક્કી કરો જેથી તમારી ટીમને ખબર હોય કે તેે દરેક પ્રમોશન માટે કેટલી ફાળવણી કરી શકે છે.
દરેક માર્કેટિંગ પ્રવૃત્તિમાં KPI (કી પર્ફોર્મન્સ ઈન્ડીકેટર) નક્કી કરો. ત્યારબાદ આ KPIહાસિલ કરવા તમારી ક્રિએટિવ અને મીડિયા વ્યૂહરચના નક્કી કરો. ઉદાહરણ તરીકે; એડનું ક્ધટેન્ટ, બ્લોગ રાઇટિંગ, સોશ્યલ મીડિયા પોસ્ટ ક્ધટેન્ટ, TV સ્ક્રિપ્ટ વગેરે જે તમારી બ્રાન્ડ પોઝિશનિંગના સહારે બને. અને બીજી તરફ મીડિયા માર્કેટિંગ યોજના જે તમારા પ્રેક્ષકો સુધી પહોંચવા માટે કયા મીડિયાનો ઉપયોગ કરશોની માહિતી આપશે.
આ સોશ્યલ મીડિયા, PR, SEO, PPC, ટેલિવિઝન, રેડિયો, પોડકાસ્ટિંગ વગેરે હોઈ શકે છે. વાર્ષિક માર્કેટિંગ યોજના તે એવી વસ્તુ છે જેની દર છ મહિને સમીક્ષા થવી જોઈએ અને જ્યારે જરૂરી હોય ત્યારે અપડેટ પણ કરો.
આમ તમારા નિશ્ર્ચિત કરેલા બજેટની અંદર કામ કરવા અને જોઈતાં પરિણામો લાવવા બાંધે છે, તમારા ટાર્ગેટ ગ્રાહકોને સારી રીતે સમજી શકો છો અને તમારા વિશે તેમને પૂરતી માહિતી આપી શકો છો, તમને તમારી કંપનીની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરે છે, તમારી ટીમમાં નવો ઉત્સાહ ભરે છે અને નવા ઉદ્ેશ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે.
આજના સમયમાં જયારે લોકો ઇન્વેસ્ટમેન્ટને પ્રાધાન્ય આપે છે ત્યારે સુનિયોજિત માર્કેટિંગ પ્લાન ઇન્વેસ્ટરને આકર્ષે છે તમારા વેપારમાં રોકાણ કરવા માટે આવનારા વર્ષમાં પાંચ ગણો વેપાર વધારવા માટે આને પ્રાથમિકતા આપી કૂદી પડો.