દાનાપૂર: બિહારના દાનાપૂરમાં ફિલ્મી સ્ટાઇલે 17 કિલો સોનાની રૂપિયા 25 કરોડની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગુનેગારોએ કસ્ટમ અધિકારીઓના સ્વાંગમાં સોનાના વેપારીના સ્ટાફ પાસેથી લૂંટ ચલાવી હતી. જેના પગલે પોલીસે ગુનેગારોને શોધવા સીસીટીવી કેમરાની તપાસ શરૂ કરી છે. રાજકોટના સોનાના વેપારીના સ્ટાફને ગુનેગારોએ દાનાપૂરમાં ઓવરબ્રિજ પર ઘેર્યા હતા. તેની બાદ કસ્ટમ અધિકારીની ખોટી ઓળખ આપીને તેમને લુંટી લીધા હતા.
ઓવરબ્રિજ પાસે ઘેરી લીધા
આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકોટના રહેવાસી મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરિયા તેમના સ્ટાફ સાથે અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં દાનાપુર પહોંચ્યા હતા. તેઓ બાકરગંજ સ્થિત કેવીએસ એન્ડ સન્સ જઈ રહ્યા હતા. દાનાપુર જંકશનથી તેમણે એક ઓટો-રિક્ષા ભાડે કરી હતી. જોકે, થોડે દૂર એક ઓવરબ્રિજ પાસે તેમને એક વાહન અને મોટરસાયકલ સવાર બે ગુનેગારોએ ઘેરી લીધા હતા.
ગુનેગારોએ કસ્ટમ અધિકારીઓ તરીકે ઓળખ આપી
જેમાં ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલ સાત ગુનેગારોએ કસ્ટમ અધિકારીઓ તરીકે ઓળખ આપી અને તપાસ કરવાના બહાને ત્રણ બેગ કબજે કરી હતી. આ બેગ લીધા બાદ બધા ગુનેગારો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ સ્ટાફે તેમના માલિકને જાણ કરી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો નથી
પોલીસનું કહેવું છે કે હજુ સુધી ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો નથી પરંતુ હાલમાં તપાસ ચાલી રહી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે