ગાંધીનગરઃ રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફાર કરાયા છે. ગાંધીનગર મુખ્યમથક દ્વારા બહાર પાડવામાં આવેલા એક હુકમ અનુસાર રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં તથા અન્ય યુનિટમાં બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની CID ક્રાઈમના જુદા જુદા વિભાગમાં બદલી તથા નિયુક્તિ કરવામાં આવી છે.
કોની બદલી અને કોની નિયુક્તિ?
આર.ડી. સાગર જેઓ ACBમાં હતા એમને CID ક્રાઈમના તપાસ યુનિટ આણંદ ખાતેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કે.આર. દરજીની અરવલ્લીથી બદલી કરવામાં આવી છે અને સાયબર સેલ, CID ક્રાઈમ ગાંધીનગર ખાતેની જવાબદારી આપવામાં આવી છે. એસ.એમ. પટેલની આણંદથી બદલી કરી એમને પણ સાયબર સેલ, CID ક્રાઈમ ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. એન.બી.ડોડિયાની આણંદથી બદલી કરીને ડી.પો.ઈ. સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઈમ ખાતે નિમણૂંક કરાયા છે.
ગાંધીનગર અને અમદાવાદમાં સોંપાઈ જવાબદારી
એમ.બી.પઢીયાર જેઓ મહેસાણા હતા અને બીમારીની રજા પર હતા એમને ફ્રોડ સેલ, CID ક્રાઈમ, ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વી.જે.ચાવડા જેમની અમદાવાદ શહેરથી બદલી પામી સી.આઈ.સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર ખાતે તેઓની નિમણૂંક થઈ છે. એસ.એ.કરમુર જેમની અમદાવાદ શહેરથી બદલી કરી તેઓને તપાસ એકમ વલસાડ, CID ક્રાઈમની જવાબદારી સોંપાઈ છે. એ.ડી.ગામીત જેઓ અમદાવાદ શહેરથી બદલી થયા બાદ તેઓની નિમણૂક ડાંગ, સી.આઈ.ડી. ક્રાઈમ તપાસ એકમમાં કરવામાં આવી છે. એચ.બી.ચૌધરી જેઓ સુરત શહેરથી બદલી પામી તેઓ હવે સાયબર સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર ખાતે ફરજ બજાવશે.
સૂચનાનું પાલન કરવું પડશે.
વહીવટી કારણોસર એમની બદલી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓએ ચાર્જની લેતી-દેતી અંગે અગાઉ કચેરી દ્વારા વર્ષ 2020માં જાહેર કરેલ સૂચનાનું કડકપણે પાલન કરવાનું રહેશે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે અને આ નિર્ણયથી પોલીસબેડામાં પણ અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જેવા મહાનગરમાં અધિકારીઓની બદલીને લઈને પોલીસ લોબીમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે.