સારંગપ્રીત
ગત અંકમાં તામસ કર્મના ત્યાગની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કર્મફળના લોભને રાજસિક ગણાવે છે, તે સમજીએ.
માનવ જીવન કર્મ પર નિર્ભર છે. દરેક વ્યક્તિ પોતાના કર્મથી પોતાનું જીવન સુચારુ જીવે છે. હા, કર્મ કર્યા પછી ફળપ્રાપ્તિની ઇચ્છા સાહજિક છે. પરંતુ પ્રશ્ન તો ત્યારે થાય જયારે લોકો કર્મ કરતાં ફળની અપેક્ષા વધુ રાખે છે. તેઓ કામ કરે છે પણ તેમનું ધ્યાન કામની શુદ્ધતાથી વધુ તેના પરિણામ પર હોય છે. આ પ્રકારના લોકો કર્મ ફળના લોભી કહેવાય છે. આવા મનુષ્યને ક્યારેય અંતરશાંતિ મળતી નથી, કારણ કે તેનું મન હંમેશાં ફળની આશામાં ચિંતિત અને અશાંત રહે છે. આમાં, ગતિ અને પ્રગતિ કેવળ ભૌતિક સિદ્ધિ સુધી સીમિત રહે છે.
રાજેશ નામનો યુવાન એક મોટી કંપનીમાં કામ કરતો હતો. તે ખૂબ બુદ્ધિશાળી અને કાર્યકુશળ હતો, પરંતુ તેનું દરેક કાર્ય ફક્ત પોતાના સ્વાર્થ માટે હતું. તે જે પણ પ્રોજેક્ટ હાથ ધરતો, તેમાં તેનો એક જ ધ્યેય રહેતું મને પ્રમોશન મળે, વધારે પગાર મળે, લોકો મારી પ્રશંસા કરે. શરૂઆતમાં તેના પ્રયત્નો સફળ થયા. તેને પ્રમોશન પણ મળ્યું, સહકર્મીઓની આગળ તેની પ્રતિષ્ઠા પણ વધી.
પણ ધીમે ધીમે તે વધુ લોભી બનતો ગયો. કાર્ય કેવળ પરિણામ લક્ષી બનતું ગયું. દેખાડો કરવાની ભાવના બલવતી બનતી ગઈ. કોઈ સહકર્મી આગળ વધે તો તેને તરત જ ઈર્ષા થતી. તે બીજાના કામમાં ખામીઓ શોધતો અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બીજાને નીચા દેખાડતો. તેના મનમાં સતત તણાવ રહેતો હવે પછી શું કરું કે વધુ ફળ મળે? આ ચિંતા તેની શાંતિ છીનવી ગઈ. ઘરમાં પણ તે ચિડચિડો બનતો ગયો. અંતે એક દિવસ તેની ટીમના સભ્યો તેની વિરુદ્ધ થઈ ગયા અને બોસે તેની બદલી કરી દીધી. રાજેશ પાસે પૈસા હતા, પણ સંતોષ નહોતો. તેની સફળતા હવે ખાલીપા જેવી લાગતી હતી.
વસ્તુત: આવા લોકો કર્મફળના લોભી ગણાય છે. તેઓ કર્મને નિષ્ઠા કે સેવા નથી માનતા, પણ સ્વાર્થપૂર્ણ સાધન માને છે. ગીતા મુજબ આવી વૃત્તિ રાજસિક ગણાય છે કારણ કે રાજસિક કર્મ હંમેશાં ફળની આશાથી પ્રેરિત હોય છે. એમાં આત્મશાંતિ નહિ, પરંતુ અહંકાર અને લોભનો પ્રબળ પ્રભાવ હોય છે.
મહંત સ્વામી મહારાજ કહે છે કે રાજસિક કર્મનું ફળ તાત્કાલિક તો આકર્ષક લાગે છે, પણ અંતે તે દુ:ખરૂપ બની જાય છે. જીવનની સાચી સફળતા તો ત્યારે મળે છે જ્યારે મનુષ્ય નિષ્કામ ભાવથી, ફરજ સમજીને અને ભગવાનને સમર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરે એ જ કર્મને સાક્ષાત્ યોગ બનાવે છે.
જો આ ભાવના નહીં હોય તો કર્મ ફળના લોભી વ્યક્તિ માટે કર્મ એક સાધન ન રહે, પરંતુ એક સોદો બની જાય છે. તે આધ્યાત્મિક માર્ગે પણ વ્યાવહારિક દૃષ્ટિ રાખે છે. હું પૂજા કરું તો મને લાભ મળે, હું દાન આપું તો મારાં દુ:ખ દૂર થાય. આ ભાવના આધ્યાત્મિકતા નહીં પરંતુ વહેવાર છે. ફળનો લોભ માનવના વિચારને સંકુચિત બનાવે છે. તે સ્વાર્થી બને છે અને પોતાના લાભ માટે બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર થઈ જાય છે. આવો લોભ અંતે મનુષ્યને દુ:ખ, અશાંતિ અને અસંતોષ તરફ ધકેલે છે. કારણ કે લોભનો કોઈ અંત નથી એક ફળ મળતાં જ બીજું ફળ મેળવવાની ઇચ્છા જન્મે છે. આવા ફળના લોભી લોકો પોતાના કર્મને પોતે જ બંધનમાં ફેરવી દે છે.
અલબત, સાચું કર્મ નિષ્ઠાથી કરવામાં આવે તો તે પોતે જ ફળરૂપ બની જાય છે, ભલે તાત્કાલિક પરિણામ ન મળે. પણ અંતે તે સુખમય અને સંતોષકારક નીવડે છે. આમાં અંતે તેના કર્મમાં દૈવી શક્તિ ઉદ્ભવે છે. જીવનનું સૌંદર્ય નિષ્કામ કર્મમાં છે. જો માણસ ફળની આશા વિના કર્મ કરે, તો તેનું મન નિર્મળ રહે છે. તે જે પણ કરે છે તેમાં આનંદ અનુભવે છે, કારણ કે તેની અપેક્ષા કોઈ નથી. આ મુમુક્ષુ પ્રભુને પ્રિય બને છે, કારણ કે તે પોતાના કર્મ બ્રહ્મ અને પરબ્રહ્મને સાક્ષી સમજીને કરે છે.
આમ, સાચું સુખ તો ત્યાં છે જ્યાં કર્મમાં સમર્પણ છે અને ફળમાં વૈરાગ્ય છે. જ્યારે મનુષ્ય ફળની ચિંતા છોડીને કર્મને ભગવાન અને ગુરુને રાજી કરવા કરે છે, ત્યારે તેનાં સાધારણ કર્મ પણ ભક્તિરૂપ બની જાય છે. તે ભક્તની દરેક પલ ઉત્સવ બની જાય છે.