સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલકારોમાં કોઈ એવા વિશિષ્ટ કવિઓ છે જે બહુઆયામી છે. સાહિત્યના તમામ પ્રકારોમાં જેમની ગતિ રહી છે એવા થોડાક સર્જકોમાં એક નામ છે ચિનુ મોદી. દરેક ગુજરાતી ગઝલકારે ઉર્દૂ વાંચતા-લખતા શીખીને ઉર્દૂ ગઝલગોઈ જાણવી જોઈએ. ગઝલ લખવા માટે આ અનિવાર્ય નથી પણ પરંતુ વધુ સારી ગઝલ લખવા માટે જરૂરી છે. માત્ર છંદો જાણવાથી ગઝલ બનતી નથી. છંદો તો બાહ્ય દેહ છે, એના અંતરંગની જાણકારી હોવી જોઈએ.
ગુજરાતી ગઝલનું સદ્ભાગ્ય છે કે ઉર્દૂમાં ગઝલ લખતા શૂન્ય પાલનપુરી જેવા મોટા ગજાના કવિએ ગુજરાતીમાં માતબર પ્રદાન કર્યું છે. ઘાયલ સાહેબનો ગહન અભ્યાસ હતો. મરીઝ, બેફામ, સૈફ, ગનીભાઈથી લઈને નવી કેડી કંડારનાર આદિલ મન્સૂરી સુધીના ગઝલકારોને ઉર્દૂ ગઝલનો અભ્યાસ હતો. આદિલ અને ચિનુ મોદી બન્નેએ ગુજરાતી અને ઉર્દૂ ગઝલો લખી છે પણ ચિનુનું પ્રદાન વિશેષ છે. ઉર્દૂની બારીકાઈ સાથે ચિનુ મોદી ગુજરાતી ગઝલમાં સાદગી લાવ્યા, સરળતા સાધી અને કહેવાની રીત બદલાવી નાખી.
ચિનુ મોદી એક અચ્છા ગઝલકાર છે એટલા જ ઉમદા કવિ છે. નવલકથાકાર, નાટ્યકાર, નિબંધ લેખક એમ સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં ચિનુ મોદી છવાઈ ગયા છે. એ બોલતા હોય તો લાગે કે કવિ શિખરિણી છંદમાં બોલે છે. આટલો બધો સહજ છે એમનો આ છંદ.
ચિનુ મોદી ભાવકની અપેક્ષાને સારી રીતે સંતોષે છે. જ્યારે પરંપરાગત ગઝલમાં ફારસી. ઉર્દૂ શબ્દો સહજતાથી ગોઠવાઈ જતા હતા ત્યારે ચિનુ મોદી અને એમના સમકાલીનોએ ગઝલને નમણી ગુજરાતી ભાષાના સર્વાંગસુંદર જરકશી જામ પહેરાવ્યા. એ આધુનિક ગઝલના આંતરઅ: બાહ્ય સૌંદર્યને નિખાર આપીને ગઝલ સ્વરૂપને એક નવા મકામ તરફ લઈ જાય છે. ગઝલ એ શબ્દની રમત નથી. પણ શબ્દની ક્ષમતાને નાણી-પ્રમાણીને ગઝલના રંગમાં રંગવાની હોય છે. આને આકાર કહો કે સ્વરૂપ કહો પણ ચિનુ મોદીએ આ નકશીકામ બહુ સરસ રીતે કર્યું છે. શબ્દોની વાત ચિનુ આ રીતે કરે છે:
કદી આંસુઓનું લઈ રૂપ આવે,
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો.
કદી મૌનનો એક સાગર છલકતો,
કિનારે રહીને તરી જાય શબ્દો.
ગઝલકારની કસોટી દરેક શેરમાં થતી હોય છે. ગઝલિયત એટલે ગઝલના રંગની અને શેરિયત એટલે કાવ્ય તત્ત્વની - એવી રીતે ગઝલે સામાન્ય અને વિદગ્ધ ઊભય પ્રકારના ભાવકની રસવૃત્તિને સંતોષવાની બેવડી જવાબદારી અદા કરવાની હોય છે. ગઝલની વાત કરતી વખતે એક મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં રહેવો જોઈએ કે બહિરંગ અને અંતરંગ પૈકી માત્ર એકની સિફારસ કરવાથી એના સ્વરૂપનું અલગપણું સિદ્ધ થતું નથી. ઘાયલ સાહબે સાચે જ કહ્યું છે કે દેખાવે સરળ અને સ્વભાવે સુકુમાર લાગતી ગઝલ એ તો ભલભલા કવિનો કસ કાઢતી હોય છે. આ કસોટી આકરી છે. એ કવિ પાસેથી ઉચ્ચ કાવ્ય તત્ત્વની અપેક્ષા રાખે છે. ગઝલિયત અને શેરિયત ચિનુ મોદીના સર્જનમાં કેવી રીતે આકાર પામે છે એની વાત કરવી જરૂરી છે.
ચિનુ મોદી પાસે કહેવાની રીત નવી રીત મળે છે. આંતરિક રીતે એ ગઝલના તગઝ્ઝુલને નિભાવે છે. શેરિયત સાચવે છે. સંવેદનાને સંવારે છે અને સૌંદર્યને સંગોપે છે. રદીફ સાર્થક રીતે પ્રયોજે છે. લાગણીના પ્રાક્ટ્યમાં પરિપક્વત દાખવે છે. ભાષા સરળ, સચોટ અને વેધક બનીને અનુભવજન્ય સચ્ચાઈની ખાતરી કરાવે છે. વિચારોમાં બળકટતા જણાય છે. ઈશ્કે-મિજાજીની જેમ ઈશ્કે-હકીકીમાં આ શાયર તેજસ્વી ચિંતન આપે છે:
સાંજ છે સવારો છે,
શ્ર્વાસનો પથારો છે.
જિંદગી બીજું શું છે?
ઘેલીનો ગવારો છે.
ઝાંઝવા અસલમાં તો
પાણીનો ઠઠારો છે.
અહીં પાણીનો ઠઠારો અને ઘેલીના ગવારો જેવા બોલચાલના શબ્દોથી જિંદગીની વ્યાખ્યા કેવી સચોટ બને છે, આપણે સુગંધની પહેચાન છે અને સુગંધ શબ્દ વાંચ્યા પણ છે, ઘણી ગઝલોમાં સુગંધી શબ્દ ચિનુ મોદી પ્રયોજે છે. કારણ કે સુગંધીનું શીલ સુગંધ છે, વાયુ હોય તો મહેક વહે. વાયુ એટલે પવન વગર પમરાટનું વહેવું શક્ય નથી માટે વાયુ સાથે કોઈ સ્પર્ધા સુગંધી કરે નહીં. આ અતૂટ મૈત્રીનો મર્મ ચિનુ મોદી આ રીતે સમજાવે છે:
વાયુને હંફાવવા બળ ના કરે
એ સુગંધી છે, કદી છળના કરે.
આવી જ રીતે સવારે ઝાકળ પડે છે. પુષ્પ અને ઝાકળની મૈત્રી કાયમી છે પણ સૂર્યના પહેલાં કિરણ સુધીનું અસ્તિત્ત્વ લઈને આવેલું શબનમ, પુષ્પ પરના પોતાના સૌંદર્યને અંકે કરવા માગતું નથી એટલે ફૂલને પ્રફુલ્લિત કરીને પોતે વિલય પામે છે. શેર છે:
પુષ્પ પર ડાઘો પડ્યાની બીકથી
જીવવાની જીદ ઝાકળ ના કરે.
પ્રતીકોના યોગ્ય ઉપયોગથી અર્થગંભીરતા પ્રકટાવીને ચિનુ મોદીએ ભાવ અને વિષયને અનુરૂપ ગઝલો લખી છે. આધુનિક અભિગમ છતાં પરંપરા સાથેનો નાતો નિભાવવો સહેલી વાત નથી. ચિનુ મોદીએ આ કામ સારી રીતે કર્યું છે. ગઝલ લખવાનું કારણ આપે છે:
આ ગઝલ લખવાનું કારણ એ જ છે
આંખને ખૂણે હજીયે ભેજ છે.
ચિનુ મોદી ‘ઈર્ષાદ’ ઉપનામથી લખતા. ‘ઈર્ષાદગઢ’નો રાજવી કવિ ‘ઈર્શાદનામા’માં નામ અને ઉપનામને સાર્થક કરે છે. ઉપનામનો ઉપયોગ એ કેવી ખૂબીથી નિભાવે છે તે જોઈએ:
નામ-સરનામાં હવે ‘ઈર્શાદ’ના શા પૂછવા?
સાત સૂકાં પાંદડાં પર આંસુઓની છાપ છે.
સિત્તેરની એટલે કે સાત દાયકાની જીવનયાત્રાને ચિનુ મોદી સાત સૂકાં પાંદડાં કહે છે. આમ પણ મનુષ્યે પાંદડા જેમ ખરવાનું હોય છે અને ખરે ત્યારે આંસુઓની નિશાની અચૂક હોય છે.
ચિનુમાં આંતર-બાહ્ય ગઝલપદાર્થનું રસમિલન એટલું ઔચિત્યપૂર્ણ હોય છે કે એ ચોટ સિદ્ધ કરે છે. ચિનુની વેદના-સંવેદના મુખર નથી થતી. સહજતાથી બધું આવ્યા કરે છે. આ સ્વરૂપમાં જેટલી શક્યતાઓ છે તેને એ નાણ્યાં કરે છે. ચિંતન અને તત્ત્વશીલતા ચિનુની ગઝલોમાં અનાયાસે આવે છે:
શ્ર્વાસની ઈચ્છા જરા ટૂંકાવ જે
આમ અજરામર થવાનું ટાળજે.
ચિનુ મોદીની વિશેષતા એ છે કે પોતાના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતાં ચિંતનને કે વિચારોને કવિતા કે ગઝલ પર હાવી થવા નથી દેતા.
નવી એટલે કે આધુનિક ગઝલની વાત આવે ત્યારે બહુ સ્વાભાવિક છે. આપણે શરૂઆતમાં આદિલ મન્સૂરીને યાદ કરીએ. આદિલની સાથે સાથે જ કેટલાંક મહત્ત્વનાં નામો છે એમાં ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાને ભૂલી ન શકાય. મેં ગઝલ 101ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે એક જમાનો એવો હતો જ્યારે ફક્ત ગઝલ કહેનારા શાયરો હતા. તેઓ સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં કે કાવ્યના બીજા પ્રકારોમાં ગઝલ જેટલા કાર્યરત ન હતા. સૈફભાઈ જેવા એક બે અપવાદ હોઈ શકે. ત્યાર પછી એવો તબક્કો આવ્યો કે જેમાં કવિઓ ઉત્તમ ગઝલો પણ લખે પણ એમની પ્રતિભા ગઝલ પૂરતી સીમિત ન રાખે. ગીત, સૉનેટ, અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો આપે. ખંડકાવ્યો લખે, નવલિકા, નવલકથા અને નાટકમાં પણ એટલી જ સરળતાથી વિહાર કરે. આવાં થોડાંક નામો છે એમાં ચિનુ મોદી સહેલાઈથી સમાઈ શકે છે.
ચિનુ મોદી સારા વિવેચક હોવા ઉપરાંત નાટક પણ એમની અભિવ્યક્તિનું માધ્યમ રહ્યું છે. નાટક લખવાં અને ભજવવા એ એમની ખાસિયત છે. પ્રયોગો કરવાની એમની વૃત્તિ નિરામય છે, અને એટલે જ ‘રાઈનો પર્વત’ના આધારે એ ‘જાલકા’ લખી શકે છે. ચિનુ ખંડકાવ્યના અભ્યાસુ છે એટલું જ નહીં પણ એમણે આધુનિક રીતે ‘બાહુક’ જેવું ખંડકાવ્ય આપ્યું છે. કેટલાયે એકાંકી સંગ્રહો અને 11 નવલકથાઓનું માતબર સર્જન કર્યું છે. કુલ 18 જેટલાં નાટકો એમની કલમે મળ્યાં છે.
ચિનુ મોદીએ પરંપરાગત પ્રણાલિને કોરાણે મૂકીને પ્રયોગો કર્યા છે પણ પ્રયોગબાજી નથી કરી.
આવા જ એક પ્રયોગમાંથી નીપજેલા પાણીદાર શેરો જોઈએ:
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથપગ છે, એ વાત આજે જાણી
આ શ્ર્વાસની રમતમાં હારી ગયો છું તો પણ
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી.
આમાં રદીફ નથી ફક્ત કાફિયા છે. પ્રાસ છે, અનુપ્રાસ એટલે દરેક બીજી પંક્તિમાં આવતો રદીફ નથી. આ સંદર્ભમાં આ શાયરનો શેર યાદ આવે છે:
કાફિયા પેકે જીવન બદલી શકત
પણ રદીફ નક્કી કરી શકતો નથી.
દરેક કળીને ખીલીને ફૂલ બનવું છે. ઝાકળના મોતીઓનો શણગાર સજીને કળી સ્મિત કરે અને ફૂલ બની જવાની તૈયારી કરે ત્યાં સુધીમાં ઝાકળ ઊડી જાય છે. ઝાકળ ઝાંઝવાનું સ્વરૂપ ધારણ કરે તો શું થાય? અને આ ઝાંઝવા પાછાં સરોવર લાગે ત્યારે શું કરવું? આ વાત ચિનુભાઈના શબ્દોમાં:
તું મને મળતી ખરી પણ મન વગર
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર
- અપૂર્ણ