(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત ગણાતા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આડોડાઈ કરનારા ડિફોલ્ટરો સામે પાલિકાએ આંખ લાલ કરી છે. પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા કુલ ૬,૯૨૨ મિલકતને ફ્રીઝ કરવામાં આવી છે, તો ૪૮૩ મિલકત પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. તો કુલ ૨૧૦ મિલકતની લિલામીની પ્રક્રિયા પ્રસ્તાવિત છે. આ દરમ્યાન જપ્તની કાર્યવાહી શરૂ થવાની સાથે જ કુલ ૨,૮૮૮ મિલકતધારકોએ ટેક્સ ચૂકવી દીધો છે. તો અત્યાર સુધી ટેક્સ નહીં ભરનારાને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ટેક્સ ભરવો અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પાલિકા પ્રશાસને આપી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે અત્યાર સુધી પાલિકા ૮૨.૦૫ ટકા ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી છે અને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ૧૦૦ ટકા કર ભેગો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે ડિફોલ્ટરો વિરુદ્ધ તાત્કાલિક જપ્તીની કાર્યવાહી કરવી તેમ જ જપ્ત કરેલી મિલકતના ઠેકાણે સુરક્ષારક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જપ્ત કરેલી મિલકતનો ટેક્સ ચૂકવ્યા સિવાય તે મિલકતનો ઉપયોગ કરતા જણાયો તો પ્રોપર્ટ ટેક્સ ધારક સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવશે.
આ દરમ્યાન ૧૦ માર્ચ, ૨૦૨૬ સુધીમાં મુંબઈમાં કુલ ૬,૯૨૨ મિલકતને ફ્રીઝ કરવામાં આવી હતી. તેમની પાસેથી ૬,૦૮૯ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવાનો બાકી છે. કાર્યવાહી ચાલી રહી છે એ દરમ્યાન જ કુલ ૨,૮૮૮ મિલકતધારકો ૭૮૪ કરોડ ૩૨ લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવી દીધો હતો. અત્યાર સુધી કુલ ૪૮૩ મિલકત પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી ૪૮૫ કરોડ ૬૨ લાખ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી છે. તેમાંથી ૨૯૩ મિલકતધારકોએ ૬૭ કરોડ ૭૪ લાખ રૂપિયા ભરી દીધા છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ ૨૧૦ મિલકતની લિલામીની પ્રક્રિયા પ્રસ્તાવિત છે. આ મિલકત પર કુલ ૮૮૪ કરોડ ૨૪ લાખ રૂપિયાનો ટેક્સ બાકી છે. તેમાંથી ૩૪ મિલકતના વેચાણ માટે દીર્ધ મુદતની નોટિસ ફટકારવામાં આવી હોઈ તેમાંથી પાંચ મિલકતધારકોએ ૧૦ કરોડ ૪૫ લાખ રૂપિયાનો ટેક્સ ભરી દીધો છે.