(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અનેક દિવસોથી મુંબઈમાં રસ્તા તથા ફૂટપાથને ગેરકાયદેસર રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓથી મુક્ત કરવા તથા ગેરકાયદે બાંધકામનો સફાયો કરવાની ઝુંબેશ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધરી છે. પાલિકાની કાર્યવાહી બાદ બીજા દિવસે ફરી ફેરિયાઓ જગ્યા પર ગેરકાયદે રીતે કબજો જમાવી બેસતા હોવાનું સામાન્ય થઈ ગયું છે ત્યારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી ખુદ મુંબઈમાં ઊભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામ તથા અતિક્રમણને હટાવવા રસ્તા પર ઉતર્યા હતા હતા. સોમવારે કમિશનરે દાદર પશ્ર્ચિમમાં સ્ટેશન બહારના પરિસરમાં ઈન્સ્પેકશન કરવાની સાથે જ સ્થાનિક નાગરિકો સાથે અતિક્રમણ તથા ફેરિયાઓને મુદ્દે ચર્ચા કરી હતી.
કોર્ટના આદેશ મુજબ છેલ્લા અનેક દિવસોથી મુંબઈમાં ઠેર-ઠેર રસ્તા પર તથા ફૂટપાથ પર અતિક્રમણ કરનારા ફેરિયાઓ અને ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ દાદર પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન બહારના પરિસરમાં ઈન્સ્પેકશન કર્યું હતું અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. આ દરમ્યાન કમિશનરે કહ્યું હતું કે મુંબઈને ગેરકાયદે ફેરિયાઓ તથા તથા અતિક્રમણથી મુક્ત કરવાની યોજના પાલિકાએ હાથ ધરી છે. આ ફક્ત દંડાત્મક કાર્યવાહી નથી પણ નાગરી સુવ્યવસ્થા જાળવી રાખવાની સાથે જ રાહદારીઓના હકનું સંરક્ષણ કરવાનો પણ ઉદ્દેશ્ય છે.
કમિશનરે કહ્યું હતું કે મુંબઈમાં વધતી લોકસંખ્યા, ટ્રાફિકની સમસ્યા અને ફૂટપાથ પરના અતિક્રમણને કારણે રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. તેથી પાલિકા દ્વારા ગેરકાયદે ફેરિયાઓ મુક્ત રસ્તા અને ફૂટપાથ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય ઉદેશ્ય મહત્ત્વના રસ્તા, સાંકડી ફૂટપાથ, ફ્લાયઓવરની નીચેની જગ્યા, હૉસ્પિટલ, સ્કૂલ, રેલવે પરિસરની જગ્યાને અતિક્રમણ મુક્ત કરીને નાગરિક માટે ખુલ્લી કરવામાં આવી રહી છે. જોકે તેઓ ફેરિયાઓને હટાવીને પ્રશાસન તેમની રોજગારી છીનવી લેવા માગતું નથી. નિયમ અંતર્ગત તેમને રોજગારી મળે અને પાત્ર તથા પાલિકા પાસે રજિર્સ્ટડ થયેલા ફેરિયાઓના હક સુરક્ષિત રહે તે માટે પણ પાલિકા પ્રયાસ કરી રહી છે.