Fri Apr 17 2026

Logo

ભુજ RTOમાં ટેકનોલોજીનો નવો અધ્યાય: ડ્રાઇવિંગ લાઈસન્સ માટે હવે AI લેશે પરીક્ષા

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

ભુજ: કચ્છના વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભુજ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા હવે વધુ કડક અને પારદર્શક બનવા જઈ રહી છે. ભુજ આરટીઓ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટ્રેકનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં અહીં માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણપણે એઆઈ દ્વારા ડ્રાઇવિંગ લાઈસન્સની કઠિન પરીક્ષા લેવાનું શરૂ થશે.

અત્યાર સુધી આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કોમ્પ્યુટરની મદદથી ટ્રેક પર પરીક્ષા લેવામાં આવતી હતી. જોકે, આ પદ્ધતિમાં અમુક તત્વો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની અને 'સેટિંગ' દ્વારા લાઈસન્સ મેળવી લેવાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે કમિશનર કક્ષાએથી પણ અનેકવાર તપાસના આદેશો અપાયા હતા. આ તમામ અટકળો અને ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં એઆઈ આધારિત ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો.

ભુજ અને અંજાર આરટીઓ કચેરીઓમાં એઆઈ આધારિત પરીક્ષા માટેનું માળખું તો અગાઉથી જ તૈયાર કરી દેવાયું હતું, પરંતુ અમુક ટેકનિકલ કારણોસર આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હતો. હવે ભુજમાં તેનું સફળ પરીક્ષણ શરૂ થતાં લાઈસન્સ મેળવવાની આશા રાખતા ઉમેદવારોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

આ નવી વ્યવસ્થા અંગે ભુજ આરટીઓ કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,"ભુજ આરટીઓ ખાતે એઆઈ આધારિત ટ્રેકનું પરીક્ષણ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડી સંપૂર્ણ પારદર્શકતા લાવવાનો છે. હવે લાઈસન્સ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ટેસ્ટ પાસ કરવા માટે પૂરતી પ્રેક્ટિસ અને ટ્રાફિક નિયમોનું જ્ઞાન હોવું અનિવાર્ય બનશે. ટૂંક સમયમાં જ આ સિસ્ટમ દ્વારા કાયમી ધોરણે પરીક્ષા લેવાનું શરૂ કરાશે, જે માર્ગ સલામતીની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે.

ટ્રેક પર લાગેલા હાઈ-ટેક સેન્સર્સ અને કેમેરા ઉમેદવારની ડ્રાઇવિંગ કરવાની રીત પર સતત નજર રાખશે. જો વાહનચાલક ટ્રેક પરની લાઇન ટચ કરશે અથવા નિયમ વિરુદ્ધ ડ્રાઇવિંગ કરશે, તો એઆઈ સિસ્ટમ તેને તુરંત જ પકડી પાડશે. પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પરિણામ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે, જેમાં કોઈ પણ અધિકારી ફેરફાર કરી શકશે નહીં.


(ઉત્સવ વૈદ્ય)