નવી દિલ્હી : નવી દિલ્હીમાં આયોજિત પાંચ દિવસીય ઇન્ડિયા AI સમિટ 2026માં 88 દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતના AI ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 86 દેશો અને બે આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને માનવ-કેન્દ્રિત AI તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. આ પગલું વૈશ્વિક સ્તરે એઆઈ ટેકનોલોજીના સલામત, સમાન અને જવાબદેહી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. જેનો મુખ્ય ધ્યેય AI સંસાધનોએ એવી રીતે ઉપલબ્ધ કરાવવાનો છે જેનાથી અદ્યતન ટેકનોલોજી અને તેના આર્થિક લાભો સમાજના દરેક વર્ગને મળી શકે.
પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા
ઈન્ડિયા એઆઈ સમિટના એક્ઝિબિશનમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાને એક મોટી સફળતા ગણાવતા વૈષ્ણવે કહ્યું કે આ કાર્યક્રમમાં માળખાગત સુવિધાઓ સંબંધિત 250 અમેરિકન ડોલરથી વધુના રોકાણનું વચન આપવામાં આવ્યું છે. આ સમિટ 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમે અનેક મુખ્ય મોરચે વૈશ્વિક નીતિઓને આકાર આપવા માટે મજબૂત પાયો નાખ્યો છે.
ગ્લોબલ સાઉથમાં આયોજિત આ વિશ્વનું પ્રથમ વૈશ્વિક AIસમિટ હતું.
માનવતા માટે AIના વૈશ્વિક સિદ્ધાંતને આગળ વધારવા પર કેન્દ્રિત
આ સમિટ વિશ્વભરના સરકારી નીતિનિર્માતાઓ AI ઉદ્યોગ નિષ્ણાતો, શિક્ષણવિદો, ટેકનોલોજી સંશોધકો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને એક મંચ પર લાવી. આ સમિટ AI ની પરિવર્તનશીલ સંભાવનાને ધ્યાનમાં લેતા અને માનવતા માટે AI ના વૈશ્વિક સિદ્ધાંતને આગળ વધારવા પર કેન્દ્રિત હતી.