સિદ્ધાર્થ છાયા
‘કિંગ’ની પ્રાઈવસી ભંગ થઇ?
જમાનો માર્કેટિંગનો છે, તોલારામ... આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નેગેટિવ પબ્લિસિટીને પણ માર્કેટિંગનો જ એક ભાગ ગણે છે. જોકે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ની અલગ પ્રકારની પબ્લિસિટી થઇ છે, જેનાંથી ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ ગુસ્સે થયા છે.
બન્યું એવું કે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ સાઉથ આફ્રિકાનાં સુંદર શહેર કેપ ટાઉનમાં થઇ રહ્યું છે. બે-ત્રણ દિવસ અગાઉ આ શૂટ દરમિયાનનાં અમુક ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં લીક થઇ ગયાં હતાં. આ ફોટોગ્રાફ્સમાં શાહરુખ અને દીપિકા પાદુકોણ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં. જેવા આ ફોટા ‘વાઇરલ’ થયાં કે સિદ્ધાર્થ આનંદે સોશ્યલ મીડિયામાં જ પોતાનો ગુસ્સો ઠાલવતાં ફેન્સને વિનંતી પણ કરી નાખી કે ‘આ પ્રકારે ફિલ્મનાં સેટ પરથી બિનઅધિકૃત રીતે ફોટા લીક થાય તો ફિલ્મની ઓરિજિનાલિટી શું રહે? આથી ફેન્સ તેને સોશ્યલ મીડિયામાં વધુ ફેલાવાથી રોકે...
હવે જે રીતે આ ફોટોગ્રાફ્સ લેવાયા છે તેનાંથી સ્પષ્ટ છે કે આ ફિલ્મનાં કોઈ ક્રૂ મેમ્બર દ્વારા જ ખાનગી રીતે ક્લિક કરવામાં આવ્યાં હશે, નહીં કે શૂટ જોવા આવેલી પબ્લિકે એ શૂટ કર્યા હશે . આમ પણ ભારતની કોઈ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન વિદેશમાં બહુ પબ્લિક હોતી નથી ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન એ પણ થાય છે કે ફેન્સમાં થોડી ‘બઝ’ ક્રિએટ કરવા માટે ક્યાંક ‘કિંગ’ની ટીમે સિદ્ધાર્થ આનંદનાં ‘આશીર્વાદથી’ જ તો આ ફોટો લીક નથી કર્યાં ને? કારણ કે, આમેય , બોલિવૂડ માટે આવું કોઇ પણ પ્રકારનું માર્કેટિંગ એ વગર ખર્ચે સારું માર્કેટિંગ જ છે...!
ઘીના ઠામમાં અડધું ઘી...
સંતોષ કુમાર નામનાં એક ફિલ્મ મેકરે ‘ધુરંધર’નો બીજો ભાગ રિલીઝ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કર્યો હતો કે આ ફિલ્મની વાર્તા તેમની પોતાની વાર્તા ‘ડી સાહેબ’ પરથી બેઠી ઉઠાવવામાં આવી છે. સંતોષ કુમારે એમ પણ કહ્યું હતું કે તેમણે આ સ્ટોરી રજિસ્ટર કરાવી હતી. ‘ધુરંધર’ના નિર્માતા નિર્દેશક આદિત્ય ધરે આ દાવા બાદ મુંબઈ હાઈ કોર્ટમાં સંતોષ કુમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસમાં નિર્ણય આવી ગયો છે.
સંતોષ કુમારે જજ સમક્ષ આદિત્ય ધરની બિનશરતી માફી માગી લીધી છે. આ માફીને આદિત્ય ધરે પણ સ્વીકારી લીધી છે, પરંતુ આ તો હજી અડધી જ વાત છે. કોર્ટના કહેવા અનુસાર આદિત્ય ધરની પોતાની છબી પર પડેલી નેગેટીવ અસરવાળો કેસ તો આ માફામાફીથી ક્લોઝ થઇ ગયો છે. પરંતુ, જો સંતોષ કુમાર ઈચ્છે તો પોતાની વાર્તા ચોરાઈ ગઈ છે એવા આરોપ હેઠળ ધર પર કોર્ટમાં નવેસરથી અરજી કરી શકે છે. ટૂંકમાં હજી આ કેસ એમ પૂરો થયો નથી, પરંતુ જે રીતે ફિલ્મ સુપર હીટ થઇ છે એ જોતાં શક્ય છે કે સંતોષ કુમાર અને આદિત્ય ધર કોર્ટ બહાર જ સમાધાન કરી લે. જો આવું થશે તો જ આખેઆખું ઘી એનાં ઠામમાં પડ્યું ગણાશે...
વિકી કૌશલનો ‘મહાનિર્ણય’
અમર કૌશિકની ‘મહાવતાર’માં ભગવાન પરશુરામની ભૂમિકા વિકી કૌશલ ભજવવાનો છે. હવે વિકી કૌશલ જેવો વ્યસ્ત કલાકાર ફિલ્મમાં હોય અને ફિલ્મ આટલા મોટા સ્કેલ પર બની રહી હોય, તો વિકી સતત આ ફિલ્મનાં ‘મૂડમાં’ રહે તે ખાસ જરૂરી છે.
ઉપરાંત હિન્દી ફિલ્મોનાં ઇતિહાસમાં ભગવાન પરશુરામનં જીવન પર આટલા મોટા કેનવાસ પર બની રહેલી આ કદાચ પ્રથમ ફિલ્મ છે. આથી, અમર કૌશિક પણ કોઈ રિસ્ક લેવા માગતા નથી.
એક તાજા ઇન્ટરવ્યૂમાં અમર કૌશિકે જે વાત કરી છે એ મુજબ વિકી કૌશલ એક આખું વર્ષ ‘મહાવતાર’ને આપશે.
ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. આ જ સમયે વિકીની ‘લવ એન્ડ વોર’ પણ રિલીઝ થવાની છે. આથી સ્વાભાવિક છે કે ત્યારબાદ વિકી લાંબો સમય કોઈ એક ફિલ્મને ફાળવે.
અમર કૌશિકનાં જણાવ્યાં અનુસાર વિકી કૌશલ એણે કમીટ કરેલા એક વર્ષમાં છ મહિના તો ફક્ત ભગવાન પરશુરામ જેવું શરીર બનાવવામાં જ વિતાવશે...
આપણે ગ્રંથોમાં વાંચ્યું છે કે ભગવાન પરશુરામ એક યોદ્ધા હતા અને આથી એ પ્રકારનું શરીર વિકી પણ જાળવે એ જરૂરી છે. પ્લસ વિકી કૌશલ જાતે મેથડ એક્ટિંગમાં માને છે આથી એ પણ ઈચ્છશે કે તે ભગવાન પરશુરામ જેવો દેખાય આ ઉપરાંત વિકી કૌશલ માટે ફિઝીકલ અને ઈમોશનલ પ્રોગ્રામ પણ અમર કૌશિકે બનાવ્યો છે , જે મુજબ ધીમેધીમે વિકી પોતાને ભગવાન પરશુરામનાં રૂપ અને સ્વભાવમાં ઢાળશે. વાત તો મજા પડે એવી છે, પણ છેવટે તો નીવડે વખાણ, બીજું શું.?
કટ એન્ડ ઓકે...
સોહમ શાહ અને નવાઝુદ્દીન સિદ્દીકીની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘તુંબાડ ટુ’માં આલિયા ભટ્ટ એક ખાસ ભૂમિકા ભજવશે.