સિદ્ધાર્થ છાયા
‘ધર્મા’એ ટિકિટની કિંમતનો ધર્મ બદલ્યો...
આમિર ખાને નવી ફિલ્મોના ફર્સ્ટ ડે માટે નિયમો બદલવાનો પ્રયાસ કર્યો અને તેને જરાક જેટલી સફળતા પણ મળી. આ જરાક જેટલી સફળતા કેમ મળી એની પાછળનું કારણ એ છે કે તેણે શો ટાઇમમાં ફેરફાર કરાવ્યા, નહીં કે ટિકિટની કિંમતમાં.
હવે કરન જૌહરનું ‘ધર્મા પ્રોડક્શન’ ટિકિટની કિંમતનો આખો ધર્મ બદલવા તૈયાર થયું છે. આજે ‘ધર્મા’ની ‘ચાંદ મેરા દિલ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે ‘ધર્મા’એ પહેલા દિવસની ટિકિટના ભાવ ઐતિહાસિક કહી શકાય એવા રાખ્યા છે.
રુકો ઝરા, ઐતિહાસિક શબ્દનો અર્થ કાયમ વધારા તરફ જ ઇશારો નથી કરતો. કરન જોહરના પ્રોડક્શન હાઉસે પોતાની આ ફિલ્મ માટે ફક્ત પહેલા દિવસે સાંજે પાંચ વાગ્યાના શોઝ માટે ફક્ત 149 રૂપિયાની ટિકિટ રાખી છે તો પાંચ વાગ્યા પછીના શોમાં આ ફિલ્મ ફક્ત 199માં... આમ આપણા બધાનાં ખિસ્સાંને પોસાય એવી કિંમતમાં જોઈ શકાશે.
સ્વાભાવિક છે કે આ ભાવ પ્રિમિયમ સ્ક્રીન્સ અને પ્રિમિયમ સીટ્સ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ફિલ્મનો ટોન યંગ છે અને જો યુવાનોને ફિલ્મ તરફ આકર્ષવા હોય તો આ પ્રકારનો ભાવ રાખવાથી છેવટે તો કલેક્શનમાં વધારો જ થવાનો છે. ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ ‘ધર્મા’ના આ નિર્ણયથી આશ્રર્ય સાથે આનંદમાં ડૂબેલા છે. એક તરફ બોલિવૂડની ફિલ્મો ઓવર બજેટ હોય છે અને પછી ટિકિટના ભાવ વધુ હોય એટલે બૉક્સ ઑફિસ પર ટકી શકતી નથી. આથી, આ પ્રકારે બજેટ ફ્રેન્ડલી ટિકિટ રાખવાથી છેવટે તો ઇન્ડસ્ટ્રીને જ ફાયદો છે.
સફળતાનો જાદુ... બધા મતભેદ ગાયબ!
લગભગ સોળ વર્ષ અગાઉ ‘બેન્ડ બાજા બારાત’ દ્વારા ‘યશરાજ’ ફિલ્મ્સે રણવીર સિંહને લૉન્ચ કર્યો હતો. રણવીરમાં એ ટૅલેન્ટ હતું કે ધીરેધીરે તેણે અન્ય પ્રોડ્યુસર્સ સાથે પણ કામ કર્યું અને સફળતા મેળવી. જોકે ઘણીવાર એવું બને છે કે કલાકારને એમ લાગે છે કે ફક્ત તેના ટૅલેન્ટને લીધે તેને સફળતા મળી છે. તો બીજી તરફ પ્રોડક્શન હાઉસને એવું લાગે છે કે, અમે ન હોત તો આનું પાંચિયું પણ ન આવત. આવી સ્થિતિ ‘યશરાજ’ અને રણવીર સામે પણ એક સમયે આવી હતી. એ સમયે બંનેના મન ખાટાં થઈ ગયાં હતાં. આથી આદિત્ય ચોપરા અને રણવીરે એકબીજા સાથે કામ ન કરવાનું નક્કી કર્યું.
પછી, સમયનું ચક્ર ‘ધુરંધર’ની બૉક્સ ઑફિસ તોડી નાખતી સફળતા સાથે ફર્યું. ફક્ત ચાર મહિનાની અંદર રણવીરે બે બ્લૉક બસ્ટર ફિલ્મો આપી, જેણે નહીં નહીં તો ત્રણ હજાર કરોડનો બિઝનેસ કર્યો. પછી તો આદિત્ય ચોપરા માટે ‘હા, સફળતા વિપુલ ઝરણું ધુરંધરમાંથી ઊતર્યું છે’ જેવી સ્થિતિ થઈ. એક વ્યાપારી તરીકે આદિત્ય ચોપરાને સમજાઈ ગયું કે જંગલમાં રહીને સિંહ સાથે વેર ન કરાય.
આ અઠવાડિયાની શરૂઆતમાં રણવીર અને આદિત્ય ચોપરા બંને ‘યશરાજ’ની ઑફિસમાં મળ્યા ને બંનેએ કલાકો સુધી ‘બંધ બારણે’ ચર્ચા કરી હતી. આ લાંબી ચર્ચાનું ફળ એવું આવ્યું છે કે છ મહિનાની અંદર આદિત્ય ચોપરા રણવીર સિંહને ‘લાયક’ એવી એક સ્ક્રિપ્ટ બનાવશે અને તેને દેખાડશે. પછી જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો વર્ષો પછી રણવીર ‘યશરાજ’ના બૅનર હેઠળ કામ પણ કરશે, આ છે સફળતાનો પાવર!
અમારી સ્ટોરી ‘ઓરિજિનલ’ છે હોં!
ડેવિડ ધવન અને જૂની ફિલ્મોની રીમેક આ બંને વચ્ચેનો સંબંધ ખૂબ પુરાણો છે. ડેવિડભાઈની ‘આંખે’ મહેમૂદની ‘દો ફૂલ’ પરથી ‘પ્રેરિત’ હતી તો ‘હીરો નંબર વન’ હૃષીકેશ મુખર્જીની ‘બાવર્ચી’ની મૉડર્ન આવૃત્તિ હતી. ટૂંકમાં ડેવિડ ધવન બીજી સ્ટોરીમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવે તેમાં કોઈને નવાઈ લાગવી ન જોઈએ.
જોકે આ અઠવાડિયે એક મજાની ઘટના બની ગઈ.
ડેવિડ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ માટે તેના પ્રોડ્યુસર્સ ‘ટિપ્સ’ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે કે માર્કેટમાં જે વાતો ફેલાઈ રહી છે કે અમારી આ ફિલ્મની વાર્તા કોઈ જૂની ફિલ્મની વાર્તા સાથે મૅચ ખાય છે તો તે માત્ર અફવા જ છે...
અમે આ ખુલાસામાં થોડું ખોદકામ કર્યું અને ખબર પડી કે જે વાતો ફરી રહી છે એ એમ છે કે ડેવિડ ધવને પોતાની જ ફિલ્મ ‘બીવી નંબર વન’ની વાર્તામાં થોડો ફેરફાર કરીને આ નવી ફિલ્મ બનાવી નાખી છે.
માર્કેટમાં ફરી રહેલી આ વાર્તા કેટલી સાચી, કેટલી ખોટી એમાં ન પડીએ તો ડેવિડ ધવનની ફિલ્મોની ‘રિમીક્સ’ કરવાની જૂની લતને કેમ ભૂલી શકાય? બની શકે કે બીજાની રિમેક કરવાને બદલે પોતાની જ ફિલ્મ ‘બીવી નંબર વન’ પરથી આ નવી ફિલ્મ તો નહીં બનાવી નાખી હોય ને... ક્યા બોલતી હૈ પબ્લિક?!
કટ એન્ડ ઓકે...
આ વર્ષે આવનારી ‘રામાયણ’માં રામની ભૂમિકા અદા કરનારા રણબીર કપૂરે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ઊભા થઈ રહેલા ‘સરયુ પ્રોજેક્ટ’માં લગભગ સાડાત્રણ કરોડ રૂપિયાની જમીન ખરીદી છે....