Mon May 25 2026

Logo

હિન્દી ફિલ્મોમાં નર્સના વિવિધ ચહેરા

2 days ago
Author: Henry Shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી

ફ્લોરેન્સ નાઈટિંગેલ... તબીબી વિજ્ઞાનમાં માનવ સારવારનું એક અમર પાત્ર. સંતાન માટે જેટલું મમત્વ માને હોય છે એટલું કહેવામાં અતિશયોક્તિ થઈ શકે છે, પણ એ પ્રકારનું મમત્વ નર્સને દર્દી માટે હોય છે-  હોવું જોઈએ. 1853થી 1856 દરમિયાન બ્રિટન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધ સમયે ઘાયલ સૈનિકોની સારવારમાં કરુણામૂર્તિ બનેલી અને ‘લેડી વિથ ધ લેમ્પ’નો ખિતાબ બ્રિટિશ નર્સ ફ્લોરેન્સને મળ્યો હતો. યુદ્ધ પત્યા પછી ફ્લોરેન્સે નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી અને મોડર્ન નર્સિંગ નો પાયો નાખ્યો. આજની તારીખમાં હોસ્પિટલમાં અને જરૂર પડ્યે ઘરમાં પણ મમત્વ સાથેની નર્સ ની સારવારનો લાભ મેળવી શકીએ છીએ એ ફ્લોરેન્સ નાઈટિંગેલને આભારી છે. 

12 મેના ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મ દિવસ હોય છે અને આ દિવસ ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિન’ તરીકે મનાવવામાં આવે છે. તબીબી સમસ્યા-સારવારને કેન્દ્રમાં રાખી ઘણી હિન્દી ફિલ્મો બની છે, જેમાં ડોક્ટર અને નર્સનાં પાત્રો વિવિધ કલાકારોએ કુશળતાથી નિભાવ્યા છે. આજે આપણે નર્સનાં પાત્રોની એક ઝલક જાણીએ.

ગયા વર્ષે રિલીઝ થયેલી આદિત્ય ધર દિગ્દર્શિત ‘ધુરંધર’ની સિક્વલ ‘ધુરંધર: ધ રિવેન્જ’ આ વર્ષે રિલીઝ થઈ અને પહેલી ફિલ્મ કરતાં વધુ સફળ થઈ. આ ફિલ્મ વિશે અને એના કલાકારો વિશે ઘણી વાત થઈ. આદિત્યની પત્ની અને કુશળ અભિનેત્રી તરીકે કાઠું કાઢનારી યામી ગૌતમના નાનકડા પણ મહત્ત્વના રોલની પણ ચર્ચા થઈ. 

ફિલ્મમાં અભિનેત્રીએ શાઝિયા બાનો નામની નર્સનો રોલ કર્યો છે, જે હકીકતમાં એક છૂપા વેશમાં એજન્ટ છે અને હમઝા અલી જેને મારી નાખવા ધારે છે એ પૈકી એકને ખતમ કરી નાખે છે. જોગાનુજોગ તો નહીં હોય, પણ આદિત્ય ધરએ ચોક્કસ કારણસર એ નર્સનું નામ શાઝિયા બાનો રાખ્યું છે, જે ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘હક’માં યામી ગૌતમના પાત્રનું નામ હતું. 

‘ધુરંધર: ધ રિવેન્જ’માં યામી ખરા અર્થમાં નર્સ નથી પણ નર્સના ઓઠા હેઠળ કામ કરતી જાસૂસ છે. હિન્દી ફિલ્મોમાં નર્સનાં જૂજ પાત્રો યાદગાર બની ગયા છે, જેમકે ...

મીનાકુમારી- દિલ અપના ઔર પ્રીત પરાઈ 
સહન કરતી ભારતીય સન્નારીનાં પાત્રો મીના કુમારીએ સાકાર કરવાના શરૂ કર્યા એ દોરની આ પ્રારંભિક ફિલ્મના નિર્માતા મીનાજીના પતિ કમાલ અમરોહી હતા. લગ્નજીવનમાં પડેલી તિરાડો પહોળી થઈ રહી હતી અને અભિનેત્રીનું અંગત જીવન કરુણાથી છલકાઈ રહ્યું હતું. કિશોર સાહુ (‘ગાઈડ’માં રોઝી- વહિદા રેહમાનના પુરાતત્વવિદ પતિ માર્કો યાદ છે?) લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મીના કુમારી નર્સ કરુણાના રોલમાં છે. 

હોસ્પિટલમાં ફરજ બજાવતી કરુણા અને ડોક્ટર સુશીલ (રાજકુમાર) લાગણીના પુલ બંધાય છે, પણ સુશીલના લગ્ન અન્ય યુવતી સાથે થાય છે અને ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ ટાઈટલ સાર્થક થાય છે. કારુણ્યમૂર્તિ તરીકે મીના કુમારી દર્શકોની અનુકંપા મેળવવામાં સફળ રહે છે. નર્સ કરુણા પર પિક્ચરાઈઝ થયેલું ‘અજીબ દાસ્તાં હૈ યે’ ગીત અમર બની જાય છે.

વહિદા રેહમાન- ખામોશી

ચિત્રપટના ક્લાઈમેક્સમાં મનોરુગ્ણની હોસ્પિટલમાં કામ કરતાં લલિતા પવાર કેદીઓના નંબર બોલે છે : નંબર બાઈસ, નંબર તેઈસ... નંબર ચોવીસ લલિતા પવાર નથી બોલી શકતાં અને એમની આંખો સજળ થાય છે. કેમેરા ઘૂમે છે અને માનસિક સંતુલન ખોઈ બેઠેલી - પાગલ થઈ ગયેલી નર્સ રાધા (વહિદા રેહમાન) પર ફોકસ થાય છે અને થિયેટરમાં બેઠેલા અનેક દર્શકો ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે. માનસિક રીતે અસ્થિર દર્દીઓની સારવારમાં કુશળ ગણાતી નર્સ રાધા જ દર્દી બની જાય છે અને ચિત્રપટ પર પડદો પડે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હોય કે નર્સ કે બીજી કોઈ વ્યક્તિ, છેવટે તો એક માનવી જ છે. એને પણ સંવેદના હોય, એનું પણ ભાવવિશ્વ હોય એ વાત નર્સ રાધાના પાત્ર દ્વારા વેધક રીતે વ્યક્ત થાય છે.

ઐશ્વર્યા રાય- ગુઝારિશ

સંવેદનશીલ ફિલ્મો સંજય લીલા ભણસાલીનો ટ્રેડ માર્ક છે. વિધુ વિનોદ ચોપડાના યુનિટમાં સહાયક દિગ્દર્શક તરીકે કામનો અનુભવ મેળવ્યા બાદ સંજય ભાઈ 1996માં ‘ખામોશી: ધ મ્યુઝિકલ’થી સ્વતંત્ર દિગ્દર્શક બન્યા. ‘બ્લેક’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ સંજય ભણસાલીએ ભણસાલી પ્રોડક્શન્સનું બેનર શરૂ કરી ‘ગુઝારિશ’ (2010) ફિલ્મ બનાવી. બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ નીવડેલા આ ચિત્રપટમાં ઐશ્વર્યા રાય નર્સ સોફિયાના રોલમાં જોવા મળી. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં પોતે ફક્ત રૂપાળી હિરોઈન નથી પણ એક કુશળ અદાકારા પણ છે એ ઐશ્વર્યાએ સિદ્ધ કર્યું છે. શેરનાઝ પટેલ સાથેના તેમજ આદિત્ય રોય કપૂર સાથેના વારાફરતી આવતાં દૃશ્યોમાં ઐશ્વર્યાએ નર્સની કડકાઈ તેમજ એના મૃદુ હૃદયને આબાદ વ્યક્ત કર્યું છે.

લલિતા પવાર- આનંદ

હોસ્પિટલમાં નર્સ સ્ટાફની અધ્યક્ષ અંગ્રેજીમાં મેટ્રન તરીકે ઓળખાય છે. હિન્દી ફિલ્મોમાં જે જૂજ મેટ્રનના પાત્ર જોવા મળ્યાં છે એ આકરા-કડક સ્વભાવની અને શિસ્તની અતિ આગ્રહી વ્યક્તિ તરીકે નજરે પડ્યા છે. આ બધામાં સૌથી યાદગાર મેટ્રનનું મિસિસ ડિસાનું પાત્ર લલિતા પવારનું ૠષિકેશ મુખર્જીની અવિસ્મરણીય ફિલ્મ ‘આનંદ’ ફિલ્મમાં જોવા મળ્યું. 

ફિલ્મમાં એન્ટ્રીની થોડી ક્ષણો પછી મેટ્રન આનંદ (રાજેશ ખન્ના)ને ‘શટ અપ’ ધમકાવતી અને પોતાનો રૂઆબ દેખાડતી અને ‘હું કહું એમ જ કરવાનું છે’ એમ જાણે કે ઠસાવવા માગતી હોય એવું દેખાડે છે. 

થોડી વાર પછી આવતા એક સંવાદમાં આનંદ જ્યારે લલિતા પવારને ‘મધર મેટ્રન’ કહીને સંબોધે છે આકરા સ્વભાવની ચાડી ખાતા ચહેરા પર હેતાળ સ્મિત ફરકે છે એ રૂપાંતર લલિતાજીએ આબાદ ભજવ્યું છે. ફિલ્મ દિગ્દર્શક-એક્ટરની જુગલબંદી પાત્રનો પ્રભાવ દર્શકોના દિલ દિમાગ સુધી પહોંચાડી દેવામાં સફળ રહે છે. શિસ્ત માટે કડક આગ્રહ રાખતી મેટ્રન પાસે કેવું કોમળ હૃદય પણ હોય છે એ લલિતા પવારે સરસ રીતે દર્શાવ્યું છે.

આ સિવાય પણ હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી (હીરોઈન અથવા અન્ય એક્ટ્રેસ) નર્સના રોલમાં જોવા મળી છે, પણ મોટાભાગના એ રોલ કથાની જરૂરિયાત અનુસાર ખાલી જગ્યા પૂરવા માટેના હોવાથી દર્શકોના સ્મરણમાં નથી રહ્યા. ‘સત્તે પે સત્તા’માં હેમા માલિની નર્સના પાત્રમાં છે, પણ અમિતાભ બચ્ચન સાથે રોમેન્સમાં નિમિત્ત બનવા માટે છે. 

‘અગ્નિપથ’માં માધવી (મેરી મેથ્યુ) સુધ્ધાં નર્સ છે, પણ માત્ર વિજય દીનાનાથ ચૌહાણ (અમિતાભ)ની સારવાર માટે અને વિજયના જીવનમાં સૌમ્યતા લાવવા માટે. 2020માં આવેલી અનુરાગ બાસુની ફિલ્મ ‘લ્યુડો’માં બે નર્સ છે જે સારસંભાળ કે માવજતનું પ્રતીક કરતા વિચિત્ર સ્વરૂપને દર્શાવે છે. રૂઢ અર્થમાં નર્સ નથી.