(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી સઈજ જીઆઈડીસીમાં ગત મોડી રાત્રિએ કરુણ અને કાળજું કંપાવનારી દુર્ઘટના ઘટી હતી. જીઆઈડીસીની કંપનીમાં ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસના ગળતરને કારણે ગૂંગળામણ થવાથી કરુણ મોત નિપજ્યાં હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીમાં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવતું હતું અને તે પ્રક્રિયામાંથી નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે બનાવેલી આરસીસી ટાંકીમાં રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટર પંપ વડે પાણી ખાલી કર્યા બાદ તળિયે જામી ગયેલા કાદવને દૂર કરવા માટે શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા અને ઝેરી ગેસની અસરમાં આવી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોમાં 32 વર્ષીય અમિત પ્રીતમ પરીહાર, ઉત્તર પ્રદેશના 33 વર્ષીય અમરકુમાર શ્રીવાસ્તવ અને 44 વર્ષીય શિવનાથ રામશંકર દુબેનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ અનિલ ભગવાન લોધી નામના અન્ય એક શ્રમિકને બચાવ કામગીરી દરમિયાન અસર થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ટાંકીમાં ઉતરતાની સાથે જ શ્રમિકો ગૂંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાઈ ગયા હતા.
આ ઘટનાને પગલે કલોલ પોલીસ દ્વારા કંપનીના સંચાલકો સામે સલામતીના સાધનો વિના શ્રમિકોને જોખમી કામમાં ઉતારવા બદલ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી હતી. જો કે આ અંગે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.