Fri May 15 2026

Logo

ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા બાદ અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની કતારો લાગી

2 hours ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
પેટ્રોલ ડીઝલની ઓછી બચત કરવાની વડા પ્રધાનની ભલામણને અપનાવીને દેશમાં વૈકલ્પિક વ્યવસ્થા શોધવામાં આવી રહી છે, તેવા સમયે દેશ સહિત ગુજરાતના મુખ્ય મહાનગરોમાં ગત મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જેનો માર સામાન્ય જનતા પર પડ્યો છે.

અહેવાલો અનુસાર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 2.99નો વધારો થતા નવો ભાવ રૂ. 97.43 થી રૂ. 97.50ની આસપાસ પહોંચ્યો  હતો, જ્યારે ડીઝલમાં રૂ. 3.09નો વધારો થતા ભાવ રૂ. 93.29 સુધી પહોંચી ગયા હતા. મધ્યરાત્રિએ તાત્કાલિક અસરથી ભાવ વધારો લાગુ કરી દેવાતા વહેલી સવારે પેટ્રોલ પુરાવવા આવેલા વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો હતો.

ભાવ વધારાની સ્થિતિની વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને વાવ અને થરાદ, બનાસકાંઠા જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણનો સંગ્રહ કરવા માટે વાહનચાલકો ઉમટી પડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક પેટ્રોલ પંપ પર લોકોને પ્લાસ્ટિકના કેરબા, ડ્રમ અને સીસામાં ખુલ્લેઆમ પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું હતું. જો કે અન્ય જિલ્લામાં પણ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. 

આ ભાવ વધારાને પગલે વાહનચાલકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "ચૂંટણી જીત્યા બાદ તરત જ મોંઘવારીનો ડોઝ આપી દેવામાં આવ્યો છે." ભાવ વધારાના સમાચાર વચ્ચે સુરતના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ તેવા બોર્ડ જોવા મળ્યા હતા, જ્યારે વડોદરામાં સરકારી વાહનો દ્વારા ઈંધણનો સંગ્રહ કરવાના દ્રશ્યો પણ બહાર આવ્યા હતા.

ગઇકાલે ગુજરાતના અમુક જિલ્લામાં પેટ્રોલપંપ બહાર નૉ સ્ટોકના બોર્ડ લાગ્યા હતા. મહીસાગર જિલ્લાના 60 કરતા વધારે પેટ્રોલપંપ બહાર આવા બોર્ડ લાગ્યા હોવાની વિગતો મળી હતી. જેના કારણે વાહનચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી અને એક પેટ્રોલપંપથી બીજા પેટ્રોલપંપ ધક્કા ખાધા હતા. પેટ્રોલ પંપ માલિકોએ  છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં  ઈંધણ પુરવઠો પહોંચ્યો નથી તેવો દાવો કર્યો હતો.