Fri May 15 2026

Logo

હવે અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે 'કાર પુલિંગ' અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરજિયાત

4 hours ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ સહિતની બચત કરવાની અપીલને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા પેટ્રોલ અને ડીઝલ જેવી રાષ્ટ્રીય સંપત્તિનો બચાવ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, હવેથી કોર્પોરેશનના તમામ ઝોનલ ઓફિસ અને વિવિધ ખાતાના વડાઓ તેમજ કર્મચારીઓએ ઈંધણનો લઘુત્તમ ઉપયોગ થાય તે માટે ખાસ આદેશોનું પાલન કરવાનું રહેશે. 

મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની ઓફિસમાં ફરજ બજાવતા હોય અને કાર કે ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા હોય, તેમણે સાથે મળીને ‘કાર પુલિંગ’ અથવા ‘વ્હીકલ શેરિંગ’ દ્વારા ઓફિસ આવવાનું રહેશે. આ ઉપરાંત, ફિલ્ડ વિઝિટ પર જતા અધિકારીઓને પણ સાથી કર્મચારીઓ સાથે વાહન શેરિંગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા કર્મચારીઓને ખાનગી વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હાલમાં શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસની 1350 જેટલી બસો કાર્યરત છે, જ્યારે આગામી સમયમાં વધુ 1405 નવી બસો સેવામાં ઉમેરવાનું આયોજન છે. કમિશનરે અપીલ કરી હતી કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ આવવા-જવા માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરે.