નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ હોવા છતાં રોકાણકારોનો ઈક્વિટીમાં વિશ્વાસ જળવાઈ રહેતાં ગત માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં આંતરપ્રવાહ આગલા ફેબ્રુઆરી મહિનાના રૂ. 25,978ની સરખામણીમાં 56 ટકા વધીને રૂ. 40,450 કરોડની સપાટીએ રહ્યો હતો.
ગત માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના આંતરપ્રવાહમાં મુખ્યત્વે ફ્લેક્સિકેપ, મિડકેપ અને સ્મોલકેપ ફંડોનો હિસ્સો બહોળો રહ્યો હતો. વધુમાં માસિક ધોરણે એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)નો હિસ્સો આગલા મહિનાના રૂ. 29,845 કરોડ સામે વધીને રૂ. 32,087 કરોડ રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત માર્ચ મહિના ઈક્વિટી સેગ્મેન્ટના આંતરપ્રવાહમાં સૌથી વધુ આંતરપ્રવાહ ફ્લેક્સિ કેપ ફંડમાં રૂ. 10,000 કરોડ કરતાં વધુ રહ્યો હતો, ત્યાર બાદ સ્મોલ કેપ ફંડમાં રૂ. 6263 કરોડનો અને મિડકેપ ફંડમાં રૂ. 6063 કરોડનો રહ્યો હતો. આ સિવાય ડિવિડન્ડ યિલ્ડ અને ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ જેવી સ્કીમોમાં પ્રોફિટ બુકિંગ અને પોર્ટફોલિય રિબેલેન્સિંગને કારણે સકારાત્મક આંતરપ્રવાહ રહ્યો હતો. વધુમાં ગત માર્ચ મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ આગલા ફેબ્રુઆરી મહિનાના રૂ. 5255 કરોડના આંતરપ્રવાહ સામે ઘટીને રૂ. 2266 કરોડનો રહ્યો હતો.
એકંદરે ગત માર્ચ મહિનામાં ઉદ્યોગમાં રૂ. 2.4 લાખ કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ અથવા તો ઉપાડ રહ્યો હતો, જ્યારે આગલા ફેબ્રુઆરી મહિનામાં રૂ. 94,530 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. જોકે, ડેબ્ટ ફંડમાં રૂ. 2.95 લાખ કરોડનો બાહ્યપ્રવાહ રહ્યો હતો. તેમ જ માર્ચના અંતે ઉદ્યોગની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ આગલા ફેબ્રુઆરીના અંતના રૂ. 82.03 લાખ કરોડ સામે ઘટીને રૂ. 73.73 લાખ કરોડની સપાટીએ રહી હોવાનું એમ્ફીએ આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.