Mon May 25 2026

Logo

ક્લેપ એન્ડ કટ..! : નકલ ને અક્કલ વચ્ચે અંતર ખરું?

1 month ago
Author: Siddharth Chhaya
Article Image

શાહરુખ ખાન - અક્ષય કુમાર, રણબીર કપુર

જે ફિલ્મને લીધે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ને એક અઠવાડિયું મોડું આવવું પડ્યું એ જ ફિલ્મની તે કોપી કરવા જઈ રહ્યું છે. આ ફિલ્મના મેકર્સ અનુસાર 6 એપ્રિલે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. આમ તો 10   એપ્રિલે ‘ભૂત બંગલા’ આવવાની હતી, પણ હવે તે ‘ધુરંધર  ધ રિવેન્જ’ની અદભુત અને ઐતિહાસિક સફળતાને કારણે એને 17 એપ્રિલ પર ખસેડવામાં  આવી  છે, પરંતુ  ‘ભૂત બંગલા’ના મેકર્સ પોતાની રિલીઝને નડેલી ફિલ્મની જ  એક વાતની કોપી કરી રહ્યાં છે.  પોતાની ફિલ્મની થિયેટર રિલીઝનાં એક દિવસ પહેલાં તેનો પેડ પ્રિવ્યુ રાખવામાં આવ્યો છે... એકદમ ‘ધુરંધર સ્ટાઈલ!’. વાત જાણે એમ છે કે ‘ધુરંધર’નાં પહેલાં ભાગે દેશભરમાં ગજબની હલચલ મચાવી દીધી હતી. એને લીધે જ એનાં બીજા ભાગની બધા  અતિશય ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યાં હતાં. આ ઉત્કંઠાને રોકડી કરવા માટે જ આદિત્ય ધર આણી કંપનીએ ‘ધુરંધર’નાં બીજાં ભાગનો પેડ પ્રિવ્યુ ગોઠવ્યો હતો જેમાં તે સફળ રહ્યા. બીજી તરફ, ‘ભૂત બંગલા’ની આવી કોઈ હાઈપ આજે દેખાઈ નથી  રહી. અક્ષય કુમારની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર પાણી પણ નથી માગી શકી. એવામાં ક્યાંક આ ‘બ્રેવાડો’નો ‘ફિયાસ્કો’ ન થઇ જાય... 

બોલિવૂડ પર યુદ્ધનાં ઓછાયા

હાલમાં ચાલી રહેલાં અમેરિકા + ઇઝરાયલ વિરુદ્ધ ઈરાનનાં યુદ્ધમાં ભારત એક ટકો પણ સામેલ નથી, પરંતુ આપણે ઊંચે જીવે છીએ. આપણાં બધા પર ગેસ સિલીન્ડર કે પેટ્રોલ-ડીઝલની તંગી-તકલીફ ઝળુંબી રહી છે. આ કટોકટીમાંથી બોલિવૂડ કેમ બાકાત રહી જાય? આ યુદ્ધને કારણે ફક્ત બોલિવૂડ જ નહીં,  પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગને તકલીફ પડી છે.

આ યુદ્ધનો પ્રથમ ભોગ બની  યશની ‘ટોક્સિક’. યશનાં ફેન્સ આરબ દેશોમાં ઢગલાબંધ સંખ્યામાં છે. હવે યુદ્ધ ચાલુ થતાં જેવા દુબઈ, અબુધાબી વગેરે સ્થળો પર બોમ્બમારો શરૂ થયો કે યશની ‘ટોક્સિક’ પાછળ ખેંચાઈ ગઈ. આમ તો એ ‘ધુરંધર’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ યુદ્ધને લીધે હવે તે પછીથી રિલીઝ થશે એવું કારણ આ ફિલ્મને મળી ગયું.

એ જ રીતે  શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ‘કિંગ’નું ઘણું શૂટિંગ દુબઈમાં થવાનું હતું, પણ યુદ્ધને લીધે હવે ત્યાં શુટિંગ શક્ય નથી, આથી શાહરુખની કંપની ‘રેડ ચિલીઝે’  નિર્ણય કર્યો છે કે હવે જે કામ દુબઈમાં કરવાનું હતું એ હવે મુંબઈમાં કરી લઈશું. લાંબા સમયથી બની રહેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ આ યુદ્ધને કારણે હજી વધુ લંબાય એવી શક્યતા ઊભી થઇ છે. આ ફિલ્મનાં અમુક સિક્વન્સ અને એક ગીત દુબઈમાં શૂટ થવાનાં હતાં તેનાં પર બ્રેક લાગી ગઈ છે એટલે હવે આ ફિલ્મ વધુ મોડી થશે. પ્રશ્ન એ છે કે આ યુદ્ધ તો અત્યારે બંધ થવાનું નામ નથી લેતું, તો હજી કેટલી બધી રાહ ફિલ્મવાળા જોશે?

‘રામાયણ’ માટે રણબીરે ના પાડી હતી..! 

હાલમાં અમેરિકામાં ‘રામાયણ’ ફિલ્મને લગતી એક ઇવેન્ટ આયોજિત થઇ ગઈ. એમાં ફિલ્મનાં પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર અને ‘રામ’નો રોલ ભજવનાર રણબીર કપૂર હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત ‘જય શ્રી રામ’નાં જયઘોષ સાથે થઇ હતી. હવે આ પ્રકારની ઇવેન્ટ હોય એટલે કલાકારો અને ઓડિયન્સ સાથે તેમ જ ફિલ્મની ટીમ પણ એકબીજાં સાથે વાતચીત કરે.

આવી વાતચીતમાં અજાણતાં કે જાણીજોઈને અમુક એવી વાતો કરવામાં આવે છે જે ફિલ્મને લગતી હોય પણ ખરી અને જેને લીધે ફિલ્મનું માર્કેટિંગ પણ થઇ જાય. તો આવી જ એક વાત રણબીરે આ ફંક્શનમાં કરી હતી. રણબીરનું માનીએ તો લગભગ ચાર વર્ષ અગાઉ તેને ‘રામાયણ’નાં રામનાં રોલની ઓફર કરવામાં આવી ત્યારે રણબીરે  તુરંત જ ના પાડી દીધી. રણબીરને એ સમયે એવું લાગ્યું હતું કે તે આ રોલ માટે યોગ્ય નથી. વાત પણ સાચી કે પ્રભુ શ્રી રામનાં વ્યક્તિત્વને મેચ કરવું કોઈની માટે સરળ નથી. ઉપરાંત રણબીર પર રામાનંદ સાગરની ‘રામાયણ’  સિરિયલની પણ ઊંડી અસર હતી એટલે એ પણ ના પાડવા પાછળ એક મહત્ત્વનું કારણ હતું.

આમ છતાં, પુત્રી રાહાનો જન્મ થયો પછી  રણબીરનાં કહેવા અનુસાર ત્યારથી એ દુનિયાને સાવ અલગ નજરથી જોવા લાગ્યો, એટલે તેને પછી થયું કે તે હવે રામનાં રોલ માટે યોગ્યતા ધરાવે છે અને  તેણે આ ફિલ્મ સ્વીકારી લીધી. નીતીશ તિવારીની ‘રામાયણ’ આ દિવાળીએ રિલીઝ થવાની છે.

કટ એન્ડ ઓકે...

હોંગકોંગનાં એક મલ્ટિપ્લેક્સે ‘ધુરંધર’નાં બંને ભાગોને જોડીને એક મેરેથોન શો રાખ્યો છે. આ માટે અહીંના સેન્સર બોર્ડે અલગથી સર્ટીફિકેટ પણ આપ્યું છે...