Fri May 15 2026

Logo

વિશ્ર્વાસઘાત: યેસ બૅંકના ભૂતપૂર્વ સીઇઓ રાણા કપૂર, અન્યો વિરુદ્ધ ગુનો દાખલ

1 hour ago
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: 1,000 કરોડ રૂપિયાની ગિરવે મૂકેલી મિલકતો ગેરકાયદે ટ્રાન્સફર કરવા પ્રકરણે મુંબઇ પોલીસે યેસ બૅંકના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂર તથા અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે બૅંકે 150 કરોડ રૂપિયાની લોન એસેટ રિક્ધસ્ટ્રકશન કંપનીને નોન-પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કર્યા વિના ટ્રાન્સફર કરી હતી. એચડીઆઇએલની ભગિની કંપની સફાયર લેન્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા લખમિંદર દયાલ સિંહે નોંધાવેલી ફરિયાદને આધારે વરલી પોલીસ સ્ટેશનમાં રાણા કપૂર, સુધીર વાલિયા અને બૅંકના અન્ય અધિકારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.

એફઆઇઆર અનુસાર એચડીઆઇએલ ગ્રૂપની બીજી કંપની પ્રિવિલેજ પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 2015માં યેસ બેન્કની વરલી શાખામાંથી 300 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. નાણાકીય કટોકટીને કારણે સફાયર લેન્ડ ડેવલપમેન્ટે 150 કરોડ રૂપિયાની લોન માગી હતી, જેને યેસ બૅંકે 2016માં મંજૂર કરી હતી.

એચડીઆઇએલ અને તેની ગ્રૂપ કંપનીઓની 1,000 કરોડ રૂપિયાની મિલકતો લોન મેળવવા માટે બૅંક પાસે ગિરવે મૂકવામાં આવી હતી, જે 36 મહિનામાં ચૂકવવાની હતી. જોકે જૂન, 2018માં સિંહને જાણવા મળ્યું હતું કે યેસ બૅંકે સુરક્ષા એસેટ રિક્ધસ્ટ્રક્શન પ્રા. લિ.ને તેમની કંપની પાસેથી 176.53 કરોડ રૂપિયા વસૂલવાની સત્તા આપી હતી. જોકે ચુકવણીનો સમયગાળો હજી પૂરો થયો નથી.

સિંહે આક્ષેપ કર્યો હતો કે 2019ના વિશેષ ઑડિટ રિપોર્ટમાં નોંધ્યા મુજબ કંપનીને નોન-પરર્ફોમિંગ એસેટ (એનપીએ) જાહેર કરવામાં આવી ન હોવા છતાં ગિરવે મૂકાયેલી 1,000 કરોડની મિલકતો સુરક્ષા એઆરસીને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સિંહે દાવો કર્યો હતો કે મિલકતો બજાર ભાવથી ઓછી કિંમતે વેચાઇ હતી.

ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે ગિરવે મૂકેલી મિલકતો હડપ કરવાના ષડયંત્રના ભાગરૂપે યેસ બૅંક દ્વારા એકથી વધુ ખાતાંઓ થકી 22.5 કરોડ રૂપિયા માર્જીન મની સુરક્ષા એઆઇસીને ચૂકવાયું હતું. ફરિયાદને આધારે વરલી પોલીસે રાણા કપૂર, વાલિયા તથા અન્યો વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)