UAE, નેધરલેન્ડ, સ્વિડન, નોર્વે અને ઈટલીની મુલાકાતથી ભારતને મળશે નવી ટેક્નોલોજી અને રોકાણ.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી પંદરથી 20 મે સુધી પાંચ દિવસ એક મહત્ત્વની વિદેશ યાત્રા માટે રવાના થશે. આ યાત્રામાં યુએઈની સાથે ચાર મહત્ત્વના યુરોપિયન દેશની મુલાકાત પણ સામેલ છે. આ યાત્રા એક એવા સમયે થઈ રહી છે, જ્યારે દુનિયા મોટી રાજકીય ઉથલપાથલ તથા આર્થિક અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ યાત્રાને લઈને સવાલ થાય કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે એમની આ વિદેશ યાત્રા શા માટે થઈ રહી છે અને શું છે આની પાછળની રણનીતિ?
અબુધાબીથી યાત્રા શરૂ થશે

વડા પ્રધાન મોદીની યાત્રા અબુધાબીથી શરૂ થશે. યાત્રાના પહેલા દિવસે તેઓ અબુધાબી જશે, જ્યાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ખાસ મુલાકાત કરશે. ભારત અને અબુ ધાબીની દોસ્તી ઘણી જુની છે, ભરોસાથી ભરપૂર છે. અબુધાબીમાં ઊર્જા સુરક્ષા, તેલ અને ગેસની જરૂરિયાતને લઈને ચર્ચા કરી શકે છે. આ સિવાય યુએઈનું ભારતમાં પણ ઘણું મોટું રોકાણ છે, બીજી તરફ યુએઈમાં 45 લાખથી વધારે ભારતીયોનો વસવાટ છે. આ ભારતીયોના હિત માટે પણ તેઓ વાત કરી શકે છે. વ્યાપારી દ્રષ્ટિએ યુએઈ ત્રીજો મોટો ભાગીદાર દેશ છે. યુએઈ બાદ વડા પ્રધાન મોદી નેધરલેન્ડ જશે. વર્ષ 2017 બાદ નેધરલેન્ડમાં મોદીની આ બીજી મુલાકાત છે.
વોટર મેનેજમેન્ટના આઈડિયા મળી રહેશે
નેધરલેન્ડ મુલાકાતની ખાસ વાત એ છે કે, વાચતીતનો હેતુ માત્રને માત્ર નવી ટેક્નોલોજી અને આઈડિયા પર રહેશે. આ સિવાય વોટર મેનેજમેન્ટ, સેમિકંડ્ક્ટર, ગ્રીન હાઈડ્રોજન અને નવા સંશોધન પર ફોક્સ રહેશે. વડા પ્રધાન મોદી ત્યાંના વડા પ્રધાનની સાથે ત્યાંના પરિવારની પણ મુલાકાત લેશે. આ દરમિયાન ભારત-નેધરલેન્ડ વચ્ચે ભાગીદારી સાથે જોડાયેલી કેટલીક સમજૂતી ઉપર પણ સહી થઈ શકે છે.

નેધરલેન્ડની મુલાકાત બાદ તેઓ સ્વિડન જશે. સ્વિડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સુરક્ષા, અવકાશી સંશોધન અને આપણા દેશના કેટલાક સ્ટાર્ટઅપને વેગ આપવા માટે વાતચીત કરી શકે છે. આ સિવાય પર્યાવરણને બચાવવા માટે હરિત ક્રાંતિ પર ચર્ચા-વિચારણા કરશે. બન્ને દેશના વડા પ્રધાન યુરોપીયન આયોગના અધ્યક્ષ વોન ડેર લેયેન સાથે ખાસ મુલાકાત કરીને યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીને સંબોધિત કરશે.

43 વર્ષમાં કોઈ વડા પ્રધાન નોર્વે ગયા નથી
સ્વિડન બાદ તેઓ નોર્વે જશે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાન નોર્વે ગયા નથી. આટલા લાંબા સમય બાદ વડા પ્રધાન મોદી નોર્વેની મુલાકાત લેવાના છે. ભારત-નોર્ડિક નામથી એક સંમેલનને પણ સંબોધિત કરશે. જેમાં નોર્વે, સ્વિડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઈલેન્ડના નેતાઓ એક મંચ પર આવશે.

અહીંયા વડા પ્રધાન સાથે ખાસ અલગ બેઠક યોજાશે. વાતચીતના વિષયોમાં હરિત ઊર્જા, આર્કટિક ક્ષેત્રમાં સાથે રહીને કામ કરવા, સમુદ્રી સંશોધન, ગ્રીન ઈકોનોમી જેવા વિષય મુખ્ય રહેશે. એ પછી તેઓ ઈટલી માટે રવાના થશે. ઈટલીમાં વડા પ્રધાન મોદીની મુલાકાત જિયોર્જિયા મેલોની સાથે થશે. આ મુલાકાત એટલા માટે મહત્ત્વની છે કારણ કે થોડા સમય પહેલા આ બન્ને નેતાઓ G7 સમિટમાં મળ્યા હતા. આનો સીધો અર્થ એ થયો કે, જૂના પ્રોજેક્ટ અને વિષય પર ચર્ચા-વિચારણા કરીને તેને આકાર આપવા માટે કામ થશે.
વિદેશ યાત્રા પાછળનો હેતું
આ વિદેશ યાત્રાનો હેતું ઊર્જાની ચિંતા દૂર કરવાનો, નવા વ્યાપાર અને રોકાણ લાવવાનો, ભવિષ્યમાં ઉપયોગી એવી ટેકનિક તથા ટેક્નોલોજીમાં મદદ લેવાનો, દુનિયામાં ભારતનું સ્થાન વધારે સશક્ત કરવાનો રહેશે. યુએઈ અને નોર્વે જેવા દેશ સાથએ વાતચીત કરીને ભારત પોતાની જરૂરિયાતને વધારે સશક્ત કરવા ઈચ્છે છે.
બીજી તરફ ભારત-યુરોપ વચ્ચે તાજેતરમાં જ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયો જેને લાગુ કરવામાં મદદ મળી રહેશે. નેધરલેન્ડમાંથી વોટરમેનેજમેન્ટ, સ્વિડનમાંથી એઆઈ અને સ્ટાર્ટઅપની સમજથી ભારતના વિકાસને વિસ્તાર કરવા પ્રયાસ કરાશે. બીજી તરફ મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત પ્રભાવ વચ્ચે ભારત એ દેશ છે જે યુરોપીન દેશ સાથે મળીને સશક્ત પણે કાર્ય કરી શકે છે.