શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025માં થયેલા આતંકી હુમલા અંગે એનઆઈએની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓએ આંતકીઓને ખોરાક, આશ્રય અને માહિતી પૂરી પાડી હતી. તેમજ જો સમયસર માહિતી મળી હોત તો 26 નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત.
સ્થાનિક ગાઈડે આતંકીઓને મદદ કરી હતી
આ અંગે એક મીડિયા અહેવાલમાં ચાર્જશીટ અંગે મળેલી માહિતી મુજબ બે સ્થાનિક ગાઈડ પરવેઝ અને બશીર અહેમદે સમયસર માહિતી આપી હોત તો 26 લોકોના જીવ બચાવી શકાયા હોત. જોકે, તેમના મૌન અને આતંકવાદીઓને તેમણે આપેલી સ્થાનિક સહાય કાશ્મીરના ઇતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.
જેમાં ચાર્જશીટ મુજબ આતંકી હુમલાના એક દિવસ પૂર્વે 21 એપ્રિલ, 2025ના રોજ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે છોટુ અને હમઝા અફઘાની નામના ત્રણ આતંકવાદીઓ પહલગામ વિસ્તારમાં ફરતા હતા. આ ત્રણેય આતંકવાદીઓએ સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કર્યો અને તેમને છુપાવા માટે સુરક્ષિત સ્થળ પૂરું પાડવાની માંગ કરી હતી.
બશીરે આતંકીઓને પરવેઝની ઝૂંપડીમાં આશ્રય આપ્યો હતો
તેમજ સ્થાનિક ગાઈડ બશીર અહેમદે એનઆઈએને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો કે તેણે ત્રણ આતંકવાદીઓને જોયા હતા. આતંકવાદીઓએ તેમને સલામત સ્થળે લઈ જવાની સૂચના આપી. ત્યારબાદ તેમને એક ઝાડ નીચે રાહ જોવાનું કહીને બશીર પરવેઝની ઝૂંપડી જેને 'ઢોક' તરીકે ઓળખવામાં આવે છે તે તરફ ગયો અને પરવેઝ અને તેની પત્નીને ચૂપ રહેવા જણાવ્યું હતું.
તેમજ ચાર્જશીટ મુજબ આતંકવાદીઓ સશસ્ત્ર હતા અને તેમની બેગ પણ હથિયારોથી ભરેલી હતી. તેઓ ઉર્દૂમાં વાતચીત કરી રહ્યા હતા. પરંતુ તેમનો ઉચ્ચાર પંજાબી હતો. એનઆઈએની પૂછપરછ દરમિયાન બશીરે કબૂલ્યું કે, તેમના શારીરિક દેખાવને જોતાં તેને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ આતંકવાદીઓ હતા.
આતંકવાદીઓ લગભગ પાંચ કલાક સુધી ઝૂંપડીમાં રહ્યા
આતંકવાદીઓએ અલ્લાહના નામે મદદ માંગી હતી. તેમજ પોતાને ખૂબ જ થાકેલા અને તરસ્યા ગણાવ્યા હતા. ત્યારબાદ પરવેઝ અને બશીરે તેમને પાણી, ચા અને ખોરાક પૂરો પાડ્યો. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણ આતંકવાદીઓ લગભગ પાંચ કલાક સુધી ઝૂંપડીમાં રહ્યા. આ સમય દરમિયાન તેમની અને બે સ્થાનિક લોકો વચ્ચે લાંબી વાતચીત પણ થઈ હતી.
સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી એકત્રિત કરી હતી
ચાર્જશીટ મુજબ, આતંકવાદીઓએ અમરનાથ યાત્રા, પહલગામમાં સુરક્ષા દળના કેમ્પ, સૈનિકોની હિલચાલ અને વિસ્તારની એકંદર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી એકત્રિત કરી હતી. એનઆઈએ દાવો કર્યો છે કે પરવેઝ અને બશીર સંપૂર્ણપણે જાણતા હતા કે તેઓ આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે.
10 રોટલી અને શાકભાજી પેક કરીને આપી હતી
તેની બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે આતંકવાદીઓ આ વિસ્તાર છોડવાની તૈયારીમાં હતા. ત્યારે પરવેઝ અને બશીરે તેમને 10 રોટલી અને શાકભાજી પેક કરીને આપી હતી. આતંકવાદીઓ હળદર,મરચું, મીઠું અને વાસણ સાથે લઈ ગયા હતા. ચાર્જશીટમાં વધુમાં જણાવાયું છે કે તેના બદલામાં આતંકવાદીઓએ પરવેઝને 3000 રૂપિયા આપ્યા હતા.
22 એપ્રિલના રોજ પરવેઝ અને બશીરે ત્રણ આતંકીઓને જોયા હતા
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આતંકી હુમલાના દિવસ 22 એપ્રિલના રોજ પરવેઝ અને બશીરે બૈસરન પાર્કની બહાર વાડ પર બેઠેલા એ જ ત્રણ આતંકવાદીઓને જોયા હતા. તેમજ બંનેએ બે પ્રવાસીઓને એસ્કોર્ટ કરીને બૈસરન પાર્કની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓ સાથે પાછા ફરતી વખતે તેઓએ આતંકવાદીઓને જોયા અને તરત જ સતર્ક થઈ ગયા. થોડા સમય બાદ જ્યારે તેઓ પહેલગામ ઉતર્યા ત્યારે બૈસરન ખીણમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. હુમલા બાદ બંને સ્થાનિક ગાઈડ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.