Fri May 15 2026

Logo

NEET પરીક્ષા રદ્દ થતા ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીની આત્મહત્યા: પરિવાર આઘાતમાં

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

Gemini Ai Generated Image


લખીમપુરઃ ઉત્તર પ્રદેશના લખીમપુરમાંથી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો છે. આ વિદ્યાર્થીનું નામ ઋતિક મિશ્રા હોવાનું જાણવા મળ્યું છે. નીટની પરીક્ષા રદ્દ થતા નિરાશ થઈને તેણે જીવનલીલા સંકેલી લીધી હતી. આ વિદ્યાર્થીના મૃત્યુથી એમની શાળામાં અને પરિવારમાં શોકનો માહોલ છે. પોતાના ઘરે તેમણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હસનપુર કટૌલી ગામનો રહેવાસી ઋતિક આ વર્ષે નીટની પરીક્ષાને લઈને ખૂબ જ ગંભીર હતો. 

વિરોધ પ્રદર્શન કરાયું હતું

નેશનલ ટેસ્ટિગ એજન્સીએ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા થકી લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરી દીધી હતી. આ નિર્ણયની અસર ઋતિકના માનસ પર થતી હતી. ગંગોત્રીનગર સ્થિત પોતાના બીજા ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

ઋતિક મિશ્રાના આત્મહત્યાના વિરોધમાં શુક્રવારે સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યકર્તાઓએ ક્લેક્ટર કચેરીએ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર અને પરીક્ષા વિભાગ સામે નારેબાજી કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઋતિક મિશ્રાના પિતાએ કહ્યું હતું કે, ઋતિકનો આ નીટની પરીક્ષાને લઈને ત્રીજો પ્રયાસ હતો.

અન્ય પાસાઓ ઉપર પણ તપાસ થશે

એ દિવસ અને રાત આ પરીક્ષા માટે મહેનત કરતો હતો.આ વખતે એને વિશ્વાસ હતો કે, આ વખતે ડૉક્ટર બનાવનું સપનું પૂરુ થશે. બુધવારે જ્યારે તે પરીક્ષા રદ્દ થઈ હોવાના સમાચાર લઈને ઘરે આવ્યો એ સમયથી તે માનસિક રીતે અસ્વસ્થ હતો.પરિવાર સામે તેમણે આ વાત દિલ ખોલીને કરી હતી. 

પરીક્ષા રદ્દ થયા હોવાની વાતથી અંદરથી તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતા જ લખીમપુર પોલીસની ટીમ ઘરે આવી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાજેશકુમાર સિંહે કહ્યું કે,જે રૂમમાં આ ઘટના બની ત્યાં તપાસ કરવામાં આવી છે. કોઈ પ્રકારની નોટ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે, આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે અન્ય મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. 

તપાસનો ધમધમાટ શરૂ

નીટની પરીક્ષા રદ્દ થતાં 22 લાખથી વધારે વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી ગયું છે. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીએ આ કેસમાં એક પ્રોફેસરની પણ ધરપકડ કરી છે. પેપર લીક થવાના અહેવાલો બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

વર્ષભર રાત-દિવસ મહેનત કરનારા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ બન્યું છે.સરકાર દ્વારા આ મામલે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ એજન્સી દ્વારા જે તે કોટિંગ સેન્ટર પર દરોડા પણ પાડવામાં આવ્યા છે.